📚શિક્ષણ વિભાગમાં એક જ દિવસે 27 જેટલા અધિકારીઓ નિવૃત્ત
સાગમટે બદલી કે બઢતી નહિ બલ્કે નિવૃત્ત થયા
નિવૃત અધિકારીઓના ચાર્જ મોડીરાત સુધીમાં સોંપવાની કવાયત હાથ ધરાઈ
ગાંધીનગર: સાગમટે બદલી અથવા તો નિમણુંક કે પછી બઢતીના હુકમો થયા હોવાનું સાંભળ્યું છે. પરંતુ સાગમટે નિવૃત થયાની ઘટના રાજ્યના શિક્ષણ વિભાગમાં આજે બની છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં બુધવારના રોજ 27 જેટલા અધિકારીઓ એક સાથે નિવૃત્ત થયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી સહિત અન્ય કેટલાક ડીઈઓ અને ડીપીઈઓ બુધવારે નિવૃત્ત થતા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ જગ્યા પર હવે વિભાગ દ્વારા અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવાની શરૂઆત થઈ ગઈ છે.
આજે 30 જૂનના રોજ રાજ્યના શિક્ષણ વિભાગમાંથી કુલ 27 જેટલા અધિકારીઓ એક સાથે નિવૃત્ત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામક બી.એમ. નિનામા, આણંદના જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી. પટેલ, પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, પાટણના ડીઈઓ અર્જુનસિંહ ઝાલા બુધવારે નિવૃત્ત થયા છે.
આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગના હિસાબી અધિકારી, શ્રેયાન અધિક્ષક, ઓડીટર ગ્રુપ-1, હેડ ક્વાર્ટર, સિનિયર ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક સહિત 27 જેટલા અધિકારીઓ નિવૃત્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ અધિકારીઓનો બુધવારે નોકરીનો છેલ્લો દિવસો હોવાથી તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. અધિકારીઓને મળવા લોકોનો ભારે ધસારો દિવસ દરમિયાન જોવા મળ્યો હતો.
અમદાવાદ શહેર ડીઈઓ પણ નિવૃત્ત થયા હોવાથી તેમને મળવા પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તમામ અધિકારીઓ નિવૃત્ત થયા બાદ હવે તેમની જગ્યાએ અન્ય અધિકારીને ચાર્જ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધીમાં આ જગ્યાઓ પર અન્ય અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.