કોરોના સંકટ વચ્ચે CM રૂપાણીનો મોટો નિર્ણય, આ લોકોને થશે મોટો ફાયદો
posted on at
- ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબિબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો કરાયો વધારો
- 30 એપ્રિલે નિવૃત થતા કર્મચારીઓને સેવા લંબાવાઇ
- કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો નિર્ણય
આ નિર્ણયોથી રાજ્યના ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબો તથા 30 એપ્રિલ, 2021ના નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબોને લઈને લેવાયો નિર્ણય
રાજ્ય સરકારે રાજ્યની સરકારી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન ફરજ બજાવતા ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબોના હાલ ના સ્ટાઇપેન્ડ માં 40 ટકા વધારો તારીખ 1 એપ્રિલ 2021 ની અસર થી કરવા નો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા.
6401 તબીબોને મળશે લાભ
આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબોને મળશે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ સંક્રમિત લોકોની સારવાર સેવાની ફ્રંટલાઇન વોરિયર તરીકે દિવસ-રાત સતત કપરી ફરજ બજાવતા આ આરોગ્ય તબીબોના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.
30 એપ્રિલ, 2021ના નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મળશે લાભ
રાજ્યના આરોગ્ય તંત્રના તબીબી/ ટેકનીકલ/ નોન ટેકનીકલ સહિત તમામ અધિકારી-કર્મચારીઓ જે ૩૦ એપ્રિલ, ર૦ર૧થી ૩૦ જૂન, ર૦ર૧ દરમિયાન નિવૃત્ત થઇ રહ્યા છે કે થવાના છે તેમની સેવાઓ તા. ૩૧ જુલાઇ, ર૦ર૧ સુધી લંબાવવામાં આવશે. જે અધિકારી-કર્મચારીઓના તા. ૩૦ એપ્રિલ, ર૦ર૧ના નિવૃત્ત થવાના હુકમો થઈ ગયા છે તે પણ રદ ગણીને તેમની સેવાઓ પણ 31 જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે.
મુખ્યમંત્રીએ એમ પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના પંચાયત અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગતના આવા સેવારત આરોગ્યઅધિકારી-કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,605 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 173 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 10,180 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 173 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 173 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7183 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 613 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,42,046 પર પહોંચ્યો છે.