International Yoga Day: યોગ દિવસ નિમિત્તે PM મોદીનું સંબોધન, જાણો ખાસ વાતો
- મેડિકલ સાયન્સે પણ અપનાવ્યો યોગ, ડૉક્ટર્સે તેને પોતાનું સુરક્ષા કવચ બનાવ્યુંઃ PM મોદી
નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર
આજે એટલે કે 21 જૂન, 2021ના રોજ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કોરોના મહામારીના કારણે આ વખતે કોઈ વિશાળ કાર્યક્રમનું આયોજન નથી કરવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, 'આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યું છે. 2 વર્ષથી સમગ્ર વિશ્વના દેશોમાં અને ભારતમાં ભલે મોટા સાર્વજનિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસ પ્રત્યેના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો નથી થયો.' વડાપ્રધાને આશરે 16 મિનિટના ભાષણમાં વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા.
આશાનું કિરણ બન્યો યોગ
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 'આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યું છે. 2 વર્ષથી સમગ્ર વિશ્વના દેશોમાં અને ભારતમાં ભલે મોટા સાર્વજનિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસ પ્રત્યેના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો નથી થયો. કોરોના કાળમાં આ વખતની યોગ દિવસની થીમ યોગા અને વેલનેસ દ્વારા કરોડો લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. આજના યોગ દિવસે હું દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ બને તેવી કામના કરૂ છું. બધા એક સાથે મળીને એકબીજાની તાકાત બને.'
મહામારીમાં પણ લોકો યોગ ન ભૂલ્યા
આપણા ઋષિમુનિઓએ યોગ માટે 'સમત્વમ યોગ ઉચ્યતે' એવી પરિભાષા આપી છે. તેમણે સુખ-દુખમાં સમાન રહેવા, સંયમને એક રીતે યોગનું પેરામીટર બનાવ્યો હતો. આજે આ વૈશ્વિક ત્રાસદી દરમિયાન યોગે તે સાબિત કરી આપ્યું છે. કોરોનાના 1.5 વર્ષ દરમિયાન ભારત સહિત અનેક દેશોએ મોટા સંકટનો સામનો કર્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો માટે યોગ તેમનો સદીઓ જૂનો પર્વ નથી. આ મુશ્કેલ સમય દરમિયાન, આટલી પરેશાની વચ્ચે લોકો યોગને સરળતાથી ભૂલી શકેત અને તેની ઉપેક્ષા કરી શકેત પરંતુ તેનાથી વિપરિત લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને યોગ માટેનો પ્રેમ વધ્યો છે. છેલ્લા 1.5 વર્ષમાં વિશ્વના ખૂણેખૂણામાં લાખો નવા યોગ સાધકો બન્યા છે. યોગનો જે પહેલો પર્યાય સંયમ અને અનુશાસનનો છે તેને સૌ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.
યોગ આત્મબળનું માધ્યમ બન્યો
જ્યારે કોરોનાના અદૃશ્ય વાયરસે વિશ્વમાં દેખા દીધી ત્યારે કોઈ પણ દેશ સાધનો, સામર્થ્ય અને માનસિક રીતે તેના માટે તૈયાર નહોતો. આપણે બધાએ જોયું કે, આવા આકરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું. યોગના કારણે લોકોને વિશ્વાસ બેઠો કે આપણે આ બીમારી સામે લડી શકીશું.
ડૉક્ટર્સે પણ યોગનો ઉપયોગ કર્યો
જ્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ, ડૉક્ટર્સ સાથે વાત કરૂ છું ત્યારે તેઓ જણાવે છે કે, કોરોના સામેની લડાઈમાં તેમણે યોગને જ પોતાનું સુરક્ષા કવચ બનાવેલું. ડૉક્ટર્સે યોગ વડે પોતાની જાતને પણ મજબૂત બનાવી અને પોતાના દર્દીઓને જલ્દી સ્વસ્થ કરવા માટે પણ તેનો ઉપયોગ કર્યો. આજે હોસ્પિટલ્સની અનેક એવી તસવીરો સામે આવે છે જેમાં ડૉક્ટર્સ, નર્સ વગેરે દર્દીઓને યોગ શીખવતા દેખાય છે. પ્રાણાયામ, અનુલોમ-વિલોમ જેવી બ્રીથિંગ એક્સરસાઈઝથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને કેટલી શક્તિ મળી છે તે પણ વિશ્વના નિષ્ણાતો પોતે જણાવી રહ્યા છે.
આજે સમગ્ર વિશ્વના નિષ્ણાતો યોગ પર અનેક પ્રકારના રિસર્ચ કરી રહ્યા છે અને યોગમાં ફિઝિકલ હેલ્થ ઉપરાંત મેન્ટલ હેલ્થ પર પણ જોર આપવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એમ-યોગ એપ્લિકેશન લોન્ચ કરી હતી. યુએન અને ડબલ્યુએચઓ સાથે મળીને તૈયાર કરવામાં આવેલી આ એપ્લિકેશનમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ પ્રશિક્ષણના અનેક વીડિયોઝ વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
No comments:
Post a Comment