ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ લાવી શકે છે કોરોનાની ત્રીજી લહેર: વૈજ્ઞાાનિકો ચિંતિત
દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્રણ મહિનામાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાયા છે. તે ઉપરાંત 79 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ 7 લાખથી નીચે ગયા છે. જોકે, સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું પ્રસરાવનાર કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ભારતમાં 22 કેસ નોંધાતા વૈજ્ઞાાનિકો ચિંતિત થઈ ગયા છે અને તેમનું કહેવું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવે તેવું જોખમ છે. જ્યારે સરકારે કહ્યું હતું કે લોકોએ હાલ ચિંતા કરવાનું કારણ નથી. આ વેરિઅન્ટ હજી ત્રણ જ રાજ્યમાં જોવા મળ્યો છે. જોકે, વૈજ્ઞાનિકો અનુસાર ભારત માટે હાલ ડેલ્ટા વેરિઅન્ટ ચિંતાનું કારણ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિઅન્ટ ભારત સહિત 80 દેશોમાં ફેલાયેલો છે અને તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ની શ્રેણીમાં રખાયો છે. જ્યારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ ભારત સહિત માત્ર નવ દેશોમાં છે. ભારતમાં ડેલ્ટા પ્લસના 22 કેસ નોંધાયા છે. આથી હાલ તેને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ’ની શ્રેણીમાં રખાયો છે.
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 22 કેસ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળમાં નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 16 કેસ મહારાષ્ટ્રમાં છે. આ મુદ્દે ત્રણેય રાજ્યોને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો સામનો કેવી રીતે કરવો તે જણાવાયું છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધે તેમ અમે ઈચ્છતા નથી. બીજી તરફ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 21 કેસ નોંધાયા છે, જેમાંથી બે મુંબઈમાં અને એક થાણેમાં જોવા મળ્યા છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ નવ કેસ રત્નાગીરીમાં જ્યારે જાલનામાં સાત તથા પાલઘર અને સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીના નિવેદન મુજબ ભારતમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 27 કેસ નોંધાયા છે
દરમિયાન નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. તેથી સરકારે આ બાબતે ચિંતા કરવાની અને તેનો પ્રસાર અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસ વધ્યા છે અને વડાપ્રધાન બોરીસ જોન્સને 21મી જૂને પૂરું થઈ રહેલું લોકડાઉન 19મી જુલાઈ સુધી લંબાવવાની ફરજ પડી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતિ અંગે નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું કે કોરોના વાઈરસ ફરી રહ્યો હોવાથી નવી લહેર આવે છે. આપણે રસીથી સુરક્ષિત ન હોઈએ તો આપણે વાઈરસ ફેલાવી શકીએ છીએ. એવામાં વાઈરસ સ્વરૂપ બદલે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અંગે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. અનેક દેશોમાં તો કોરોનાની ચોથી લહેર પણ આવી ગઈ છે.
દરમિયાન દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે 91 દિવસ પછી કોરોનાના દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાયા છે. આ સાથે કુલ કેસ 2.99 કરોડ થયા છે. વધુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,167નાં મોત થયા છે, જે છેલ્લા 68 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 3.89 લાખ થયો છે. એક્ટિવ કેસ વધુ ઘટીને 6.62 લાખ થયા છે જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 96.49 ટકા થયો છે. વધુમાં પોઝિટિવિટી રેટ સતત 15 દિવસથી પાંચ ટકાથી નીચે રહ્યો છે. સતત 40મા દિવસે કોરોનાના નવા દૈનિક કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. દેશમાં કુલ 2.89 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે.
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા મફત રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 88.09 લાખ ડોઝ અપાયા હતા, પરંતુ બીજા દિવસે લોકોના ઉત્સાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 29.16 કરોડ ડોઝ અપાયા છે. 21મી જૂને રસીકરણ અભિયાનના 88.09 લાખ ડોઝમાંથી 64 ટકા ડોઝ ગ્રામીણ વિસ્તારોમાં અપાયા હતા. દેશમાં સોમવારે રસીના સૌથી વધુ 17 લાખ ડોઝ મધ્ય પ્રદેશમાં અપાયા હતા. ત્યાર પછી કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનનો નંબર આવે છે.
No comments:
Post a Comment