Search This Website

Monday, June 21, 2021

ધો.12ના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો


  ધો.12ના પરિણામથી સંતુષ્ટ ન હોય      તેવા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા         યોજવાનો નિર્ણય કરાય








ગાંધીનગર: ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પેટર્ન મુજબ વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાશે. આ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પોતાના ગુણ સુધારવાની તક મળી રહે તે માટે તેમની પુનઃ પરીક્ષા યોજવાનું બોર્ડ દ્વારા નક્કી કરાયું છે. જે મુજબ ધોરણ-12નું પરિણામ જાહેર થયા બાદ 15 દિવસમાં વિદ્યાર્થીએ બોર્ડ સમક્ષ પોતાનું પરિણામ જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓની અલગથી પરીક્ષા લેવામાં આવશે. જોકે, પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે.




રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાયા બાદ તેમના પરિણામ જાહેર કરવા માટે કમિટીની રચના કરી હતી. આ કમિટી દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ પોતાની ફોર્મ્યુલા રજૂ કરી હતી અને ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના પરિણામ તૈયાર કરવા માટે ધોરણ-10નું 50 ટકા વેઈટેજ, ધોરણ-11નું 25 ટકા વેઈટેજ અને ધોરણ-12નું 25 ટકા વેઈટેજ નક્કી કરી પરિણામ તૈયાર કરવા માટે સુચના આપી હતી. જે મુજબ શાળાઓ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થીઓ અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પરિણામ પ્રસિધ્ધ થયા બાદ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ 15 દિવસમાં પોતાનું પરિણામ શિક્ષણ બોર્ડની કચેરીમાં જમા કરાવી શકશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. જે અંગેનો કાર્યક્રમ હવે પછીથી જાહેર કરાશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. આમ, ધોરણ-12ના પરિણામ બાદ વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારી શકે તે માટેની તક આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-10માં પણ સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ પણ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ પોતાનુ પરિણામ 15 દિવસની અંદર બોર્ડની કચેરીમાં જમા કરાવી પુનઃ પરીક્ષા આપી શકે તે મુજબની જોગવાઈ કરવામાં આવી હતી. આ જ રીતે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પણ બોર્ડ દ્વારા તે જ પેટર્ન મુજબ પરિણામ જમા કરાવ્યા બાદ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હોવાથી હવે વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ પણ પોતાના ગુણ વધારવા માટે ફરી પરીક્ષા આપી શકશે.

No comments:

Post a Comment