Search This Website

Saturday, April 24, 2021

ગુજરાતનો ભવ્ય ઈતિહાસ

 

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ    ⚔

ஜ۩۞۩ஜ  ઘુમલીનો સૈન્ધવ વંશ અને પાછળનોજેઠવા વંશ   ஜ۩۞۩ஜ 

(સૈન્ધવવંશ ઇસવીસન ૭૩૫ - ઇસવીસન ૯૨૦ )


➡ ગુજરાતના ઇતિહાસમાં એક સૌથી મહત્વનો પ્રશ્ન છે તે એ છે કે --- ગુજરાતનો પહેલો રાજપૂત વંશ કયો ? આ પ્રશ્નનો જવાબ આપવો ધારીએ એટલો સહેલો નથી જ. ગુજરાતમાં ઘણાં રાજપૂત રજવાડાઓ હતાં ખાસ કરને મૈત્રકકાલના પતન પછી અનુમૈત્રકકાલમાં એટલે કે રાષ્ટ્રકૂટ વંશ પછી કે એ સમય દરમિયાન જ ગુજરાતનાં રાજપૂતો સ્વતંત્ર થવાં માંડયા હતાં. એમાં કોઈકે ચાપ વંશ એ પહેલો છે એમ કહ્યું તો કોઈએ ચાવડા વંશને ગણ્યો તો વળી કેટલાંકે ઊનાનાં ચાલુક્યવંશને કહ્યો તો કોકે કચ્છના લાખા ફૂલાણીણે ગણ્યો તો કોઈકે પોરબંદરના જેઠવાવંશને ગણ્યો. જેઠવાવંશ તો ઇસવીસન્ની ૧૨મી સદીમાં અસ્તિત્વમાં આવ્યો હતો એટલે એ પહેલો છે એ વાતનો છેદ જ ઉડી જાય છે. જેઠવા વંશે બરડા ડુંગરની તળેટીમાં ઇસવીસન ૧૩૦૦ની  આસપાસ ઘુમલીમાં પોતાની સત્તા જમાવી હતી અને તેઓએ છેક ઈસ્વીસનની ૧૪મી  સદીમાં એમનો પરાભવ થયો ત્યાં સુધી તેઓએ એક જ સ્થાને રાજ કર્યું હતું અને તે છે ઘુમલી. ઘુમલીમાં સોલંકીશૈલીના બનેલાં મંદિરોના અવશેષો આજે પણ ત્યાં જોવાં મળે છે  જેમાં ગુજરાતનું સૌથી પ્રાચીન ગણાતું એક અલગ જ ભાત પાડતું નવલખા મંદિર,  એજ ગુજરાતનું પ્રાચીન સૂર્યમંદિર પણ છે અને બીજાં  ૯૯૯ જેટલાં શિવમંદિરો આજે પણ એની સાખ પૂરે છે. ઘુમલી એ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલું છે અને તે ભાણવડ તાલુકાનું એક ગામ છે. હવે પ્રશ્ન એ થાય કે જેઠવા વંશને પોરબંદરનો જેઠવા વંશ કેમ કહેવામાં આવે છે ? તો એનો જવાબ પણ હાજર જ ચ્ચે કે ઘુમલી એ પોરબંદરથી માત્ર ૩૫ જ કીલોમીટરના અંતરે સ્થિત છે. એટલે એને પોરબંદરનો જેઠવાવંશ કહેવાય છે. જેઠવાવંશે ઈસ્વીસનની ૧૪મી સદી પછી પણ પોરબંદરમાં રહીને રાજ કરતાં હતાં. એવી એક અનુશ્રુતિ પ્રચલિતછે  કારણકે એમની વંશાવલી જોતાં એ છેક ૨૦મી સદી સુધી પોરબંદરમાં રાજાઓનું રાજ હતું. 


➡ કેટલાંકનાં મતે સૈન્ધવ વંશ એ જ જેઠવા વંશ છે. પણ આપણે તો સૈન્ધવ વંશ વિષે જ વાત કરવાની છે. આ રાજવંશ ભલે પ્રથમ રાજપૂત રાજવંશ ના પણ હોય  પણ એ માત્ર સૌરાષ્ટ્રનો જ નહીં પણ ગુજરાતનો એક પ્રાતાપી અને મહાપરાક્રમી રાજવંશ હતો. એની વાત કર્યા વગર તો ગુજરાતનો ઈતિહાસ અધુરો જ ગણાય. ઘુમલીના મંદિરો અને એનાં શિલ્પ સ્થાપત્ય વિષે તો ઘણાં બધાએ ઘણું સારું લખ્યું જ છે એટલે આપણે એ મંદિરો છોડી માત્ર ઘુમલી ગામનાં નામનો જ ઉપયોગ કરીશું. કારણકે આ ગામમાંથી સૈન્ધવ વંશને લગતાં ૬ દાનપત્રો મળ્યાં છે.  આમ તો કૂલ ૯ દાનપત્રો મળ્યાં છે. એક દાન પાત્ર મોરબીમાંથી મળ્યું છે તો એક ધીનકીમાંથી પ્રાપ્ત થયું છે. આ પ્રાપ્ત થયેલ દાનપત્રોમાંથી એવી જાણકારી અપન્નને પ્રાપ્ત થાય છે કે અહી એક રાજવંશ થયો હોવાનું માલૂમ પડે છે.ઇસવીસન ૧૯૬૯માં આંબળાસ (જીલ્લો જુનાગઢ)માંથી રાજા  અહીવર્માનું દાનપત્ર મળ્યું છે તે પણ આ વંશ સંબધિત જ છે. તો વળા (વલભીપુર)માંથી આ વંશના સ્થાપકનું એક મુદ્રાંક પણ મળ્યું છે. 


➡ બીજી વાતો પછી આપણે આગળ વધારીએ એ પહેલાં આ ઘૂમલીના આ  ૬ દાનપત્રો વિષે જોઈ લઈએ -જાણી લઈએ !


✔ ઘુમલીના દાનાપ્ત્રો પરથી તારવવામાં આવેલી હકીકતો  -----


✔ [૧] પ્રથમ દાનપત્ર  ---- આ દાનપત્રમાં સાલનો આંકડો જે પતરામાં કોતરાયેલો હશે તે અનુસંધાનવાળું પતરું હાથમાં આવ્યું નથી. એ દાનપત્રની હકીકતનો સાર એટલો જ છે કે સૈન્ધવ વંશ (જયદ્રથ)નાં મહાસામંત કૃષ્ણરાજ, તેમનાં પુત્ર મહાસમાંત અગ્ગુક અને તેમનાં પુત્ર મહાસામંત રાણક થયો - તે .....ને જાહેર કરે છે કે મારાં રાજ્યનું પછત્રી પરગણાના ભોટોલિકા નામનું ગામ રાણી ક્ષેમેંશ્વરીની સમક્ષ દાનમાં આપ્યું. 


✔ [૨] બીજું દાનપત્ર ---- ત્રણ પતરાં પર આ દાનપત્ર કોતરાયેલું છે. ત્રણે પતરાં બે તાંબાની કડીથી જોડાયેલાં છે. કડી ઉપર મત્સ્યનું ચિહ્ન છે. એ દાનપત્રનો મતલબ એવો નીકળે છે કે ભુતાંબિલિકા નગરીના સ્વામી અપર - સુરાષ્ટ્ર -મંડલ - મંડન - સૈન્ધવ વંશ શિરોમણિ અને પાંચ "મહા" શબ્દ પ્રાપ્ત કરનારા મહાસામંત શ્રીમાન અગ્ગુક, તેનો પુત્ર રાણક, એનો પુત્ર કૃષ્ણરાજ, એનો મોટો પુત્ર અગ્ગુક થયો. કૃષ્ણરાજના પિતરાઈ ભાઈ જાઈક અગ્ગુકને ગાદી પરથી ખસેડી પોતે ગાદી પર બેઠો. ચાપ - રિપુ -સમુદાયને પરાજિત કરનાર શ્રી જાઈક એનાં સર્વ મંત્રીઓ...... ને જાહેર કરે છે કે મેં ઢંકતીર્થ ગામ તથા ગુલ્મિકા ગામની આવકનો દસમો ભાગ સોમેશ્વર નિવાસી ચતુર્વેદી સંકૃત્ય ગોત્રી બ્રાહ્મણ કલ્યાણના પુત્ર માધવને દાન આપ્યું છે. પત્રની નીચે રાણકનાં પુત્ર મહાસામંત જાઈકના હસ્તાક્ષર છે. આ દાનપત્રનો દૂતક મહતમ બાણ કવિ છે. આ દાનપત્ર ગુપ્ત સંવત ૫૧૨( વિક્રમ સંવત ૮૮૮)નું છે.


✔ [૩] ત્રીજું દાનપત્ર  ---- આ દાનપત્રને અંતે મત્સ્યનું ચિહ્ન છે. એનો મતલબએવો નીકળે છે કે --- ભુતાંબિલિકા નગરીમાં અપર - સુરાષ્ટ્રમંડલ - મંડન સૈન્ધવ વંશ શિરોમણિ શ્રી અગ્ગુક તેનો પુત્ર રાણક થયો તે ચાપિ-રિપુઓ સાથે લડયો, તેનો પુત્ર જાઈક પોતાના અધિકારીઓને જાહેર કરે છે કે મારાં રાજ્યના પછત્રી પ્રદેશનું દધિપાદર નામનું ગામ ભિન્નમાલનાં નિવાસી ચતુર્વેદી વત્સ ગોત્રી બ્રાહ્મણ ભટ્ટસ્વામીને દાન આપ્યું છે. છેડે મહાસમાંત જાઈકના હસ્તાક્ષર છે અને દાન -પત્રના દૂતક પ્રતિહાર કૃષ્ણ છે.


✔ [૪] ચોથું દાનપાત્ર  ---- આ દાનપત્રો બે પતરાં પર કોતરાયેલું છે. બીજાં પતરાં ઉપર મત્સ્યનું ચિહ્ન છે. તેનો સાર એવો છે કે --- હું, ગુપ્ત સંવત ૫૫૫ (વિક્રમ સંવત ૯૩૧)માં ભુતાંબિલિકા નગરીમાં અપર- સુરાષ્ટ્ર મંડલના મંડન સૈન્ધવ વંશ શિરોમણિ મહાસમાંત  શ્રી જાઈક થયો તેનો પુત્ર અગ્ગુક અને તેનો પુત્ર મહાસામંત રાણક એનો મંત્રી, પુરોહિત એમને જાહેર કરે છે કે સ્વર્ણમંજરી પ્રદેશના પીપલભદ્ર નામના ગામનો અડધો ભાગ દંડિણ ભટ્ટ ગામના ભટ્ટ શંખધરના પુત્ર પૂર્ણના પુત્ર વસિષ્ઠ ગોત્રી, ઋગ્વેદી, કાર્પ્પટિક શિવસદ્રને હરિ, હર, સૂર્ય, ગણપતિ તથા માતાઓ તરફ ભક્તિ બતવવાને કારણે દાન તરીકે આપ્યો હતો. એ ગામનો બીજો અડધો ભાગ એક દેવાલયના મઠપતિને એવી રીતે આપવામાં આવે છે કે આ ચારે ગામની આવકમાંથી તૂટેલા દેવાલય, મઠ, વાવ, કૂવા તથા તળાવનો જીર્ણોધ્ધાર કરાવવામાં આવે.

એ તામ્રપત્ર નીચે રાણકનાં હસ્તાક્ષર છે. તામ્રપત્રનો દૂતક યુવરાજ જાઈક છે.


✔ [૫] પાંચમું દાનપત્ર ---- આ તામ્રપત્રને છેડે બીજાં પતરાં ઉપર મત્સ્યનું ચિહ્ન છે. આ તામ્રપત્રનો મતલબ એવો થાય છે કે  --- સૈન્ધવ વંશનો શિરોમણિ અપર - સુરાષ્ટ્ર -મંડલ -મંડન મહાસમાંત જાઈક થયો. તેનો પુત્ર મહાસામંત ચામુંડરાજ, તેનો સુત અગ્ગુક થયો. તેણે ગુપ્ત સંવત ૫૬૭ (વિક્રમ સંવત ૯૪૩)ની અષાઢ માસની પૂર્ણિમાને દિવસે ચંદ્રગ્રહણનાં સમયે  સ્વર્ણમંજરી પ્રદેશનું હરિષેણાલ્ક ગામ કચ્છ દેશના ગોમૂત્રિકા ગામના રહેવાસી વત્સગોત્રી, યજુર્વેદી ગુહેશ્વરનાં પુત્રો રુદ્ર અને સાગરને દાન તરીકે આપ્યું.


✔ [૬] છઠ્ઠું દાનપત્ર ----- આ બે પતરાંનાં દાનપત્રનો મતલબ એવો થાય છે કે -- જયદ્રથ વંશમાં અપર - સુરાષ્ટ્ર - મંડલના મંડનરૂપ શ્રી પુષ્યદેવ થઇ ગયો. તેનો પુત્ર રાણક અને તેનો પુત્ર જાઈક અને તેનો સુત ચામુંડરાજ, તેનો અગ્ગુક અને તેનો મહાસંન્ત જાઈક પોતાના અમાત્ય, યુવરાજ, રાજપુત્ર, દેશાધિપ આદિ બધાં રાજાપુરુષોને જણાવે છે કે -- એણે સ્વર્ણ મંજરી પ્રદેશનું છંપાણ ગામ ભિન્નમાલ દેશથી આવેલાં નન્નુંશેઠે બનવેલા નન્નાબિકા મંદિરના ખર્ચ માટે ભેટ આપ્યું. આ ગામની પેદાશનો ચોથો ભાગ બ્રાહ્મણ વિદ્યાર્થીઓના ભોજનના ખર્ચમાં વાપરવો અને બાકીનો પોણો ભાગ વધારે ખર્ચ કરવા માટે રાખવો એવી ઈચ્છા દર્શાવી. ગુપ્ત સંવત ૫૯૬ ( વિક્રમ સંવત ૯૭૨)ની અષાઢી પૂર્ણિમા.


➡આ હતી તામ્રપત્રોની વિગતો ...... આમાંથી જ રાજાઓનાં નામ અને કોનાં પછી કોણ થયો તે જામવા મળે છે.


✔ સૈન્ધવ વંશનાં રાજાઓ -----


✅ (૧) પુષ્યદેવ (ઇસવીસન ૭૩૫ -૭૫૦)

✅ (૨) કૃષ્ણરાજ પહેલો (ઇસવીસન ૭૫૦ -૭૭૦)

✅ (૩) અગ્ગુક પહેલો (ઇસવીસન ૭૭૦-૭૯૦)

✅ (૪) રાણકદેવ પહેલો (ઇસવીસન ૭૯૦ -૮૧૦)

✅ (૫) કૃષ્ણરાજ બીજો (ઇસવીસન ૮૧૦ -૮૨૫) 

✅ (૬) અગ્ગુક બીજો (ઇસવીસન ૮૨૫) 

✅ (૭) જાઈકદેવ પહેલો (ઇસવીસન૮૨૫-૮૪૫)

✅ (૮) અગ્ગુક ત્રીજો (ઇસવીસન ૮૪૫ -૮૭૦)

✅ (૯) રાણક બીજો (ઇસવીસન ૮૭૦ - ૮૮૦)

✅ (૧૦) યુવરાજ જાઈક 

✅ (૧૧) ચામુંડરાજ (ઇસવીસન ૮૮૦ -૮૮૫)

✅ (૧૨) અગ્ગુક ચોથો (ઇસવીસન ૮૮૫-૯૦૦)

✅ (૧૩) જાઈક બીજો (ઇસવીસન ૯૦૦-૯૨૦)


➡ જે એક મુદ્રાંક મળ્યું છે તેમાં આ રાજવંશને "જયદ્રથ" વંશ કહ્યો છે. ઘૂમલીનાં ૬ દાનત્રોમાંથી પ્રથમ પાંચમાં આ રાજવંશનું નામ "સૈન્ધવવંશ" આપવામાં આવ્યું છે. જ્યારે  છેલ્લ્સ દાનપત્રમાં તેણે "જયદ્રથવંશ" કહેવામાં આવ્યો છે. મોરબીવાળા દાનપત્રનું પહેલું પતરું નહિ મળતું હોવાથી તેમાં આપેલ રાજવંશની માહિતી મળતી નથી, જ્યારે ધીણકીના તામ્રપત્રોમાં આ રાજવંશનું નામ આપવામાં આવ્યું નથી. આંબળાસનાં દાનપત્રમાં આ રાજવંશને "જયદ્રથ"માંથી ઉદભવેલો જણાવવામાં આવ્યો છે.


➡ આમ આ રાજવંશ માટે "સૈન્ધવવંશ"  તેમ જ "જયદ્રથવંશ" એમ બે નામાંકન થયેલાં નજરે પડે છે. આ બન્ને નામોમાં "સૈન્ધવ" શબ્દ  સિંધુદેશના નામ પરથી વ્યુત્પન્ન થયો છે. એનું કારણ એ  છે કે આ લોકો એ મૂળ સિંધના વતનીઓ હતાં જેઓ ત્યાંથી અહીં ગુજરાતમાં આવીને વસ્યાં હતાં અને તેઓ પછી અહીં ગુજરાતના જ થઈને રહ્યાં હતાં. તેઓ મૂળે ક્ષત્રિય હતાં પણ તેમની પછીની પેઢી ગુજરાતમાં રાજપૂતો તરીકે જાણીતી થઇ. જ્યારે જયદ્રથ" એ સ્પષ્ટત :વ્યક્તિનું વિશેષ નામ છે. આ જયદ્રથ એ સ્પષ્ટત: મહાભારતમાં વર્ણવાયેલો કુરુક્ષેત્રનાં યુધ્દ્નમાં કૌરવો તરફથી લડનાર યોદ્ધો સિંધુરાજ જયદ્રથ જ છે. આથી સિંધુરાજ જયદ્રથમાંથી ઉત્પ્પન્ન થયેલો ગણાતો. આ રાજવંશ જયદ્રથ ઉપરાંત સૈન્ધવ વંશ કહેવાય તે સમજી શકાય તેવી જ વાત છે. દાનશાસનોમાં ઉપલબ્ધ સમય ઉપરથી આ રાજ્યનો ઉદય આઠમી સદીનાં પૂર્વાર્ધમાં થયેલો જણાય છે ને તેનો મુખ્ય પ્રદેશ પશ્ચિમ સૌરાષ્ટ્રના સમુદ્રતટ સુધી પ્રસરેલો હતો અને આરબોએ ઈસ્વીસન ૭૧૧નાં અરસા. માં સિંધ પર આક્રમણ કરી ત્યાં પોતાની સત્તા જમાવી હતી. આ સંજોગો ઉપરથી આ વંશનો મૂળ પુરુષ આ આરબ આક્રમણને કારણે સિંધુદેશ ત્યજી દરિયાવાટે સૌરાષ્ટ્રનાં પશ્ચિમ કિનારે ઉતરી તે તટ સમીપના પ્રદેશમાં સત્તા ધરાવતો હોવાનું જણાય છે. સિંધુદેશની રુએ એ સિંધુરાજ જયદ્રથનો વંશજ ગણાતો હોય પરંતુ તેના વંશજો સૌરાષ્ટ્રમાં "સૈન્ધવ" (સિંધદેશના) તરીકે જાણીતા થયાં હોય એવું ફલિત થાય છે. આ વંશ માટે શરૂઆતમાં "જયદ્રથવંશ" પછી હંમેશને માટે "સૈન્ધવવંશ" અને અંતે પાછું "જયદ્રથવંશ  નામ આપવામાં આવ્યું છે. તે ઉપરથી એવું ફલિત થાય છે કે આ રાજવંશનું મૂળ નામ 'જયદ્રથવંશ "હતું. પછી અહીં એને સ્થાને "સૈન્ધવવંશ" નામ પ્રચલિત થયું ણે છેવટે વળી પાછો "જયદ્રથવંશ"નો પ્રયોગ થવાં લાગ્યો, છતાં એના શાસન દરમિયાન સહુથી વધુ પ્રયોગ "સૈન્ધવ"નામનો થયો હોઈ ઇતિહાસમાં એ નામ રૂઢ થયું છે.


➡ નવસારીના ચાલુક્ય રાજા પુલકેશી અવનિજનાશ્રય ઇસવીસન ૭૪૯ન દાનશાસનમાં આપેલી એની પ્રશસ્તિમાં તેમ જ પ્રતિહાર રાજા ભોજ પહેલાના ગ્વાલિયરના શિલાલેખમાં આપેલી નાગભટ બીજાં (લગભગ ઇસવીસન ૮૦૫થી ૮૩૩)ની પ્રશસ્તિમાં પણ આ "સૈન્ધવ" નામનો જ પ્રયોગ થયેલો જોવાં મળે છે. સિંધુદેશના આ રાજવંશને મહાભારતમાં જણાવેલા જયદ્રથ સાથે સાંકળવામાં કોઈ પ્રામાણભૂત ઐતિહાસિક આધાર ભાગ્યે જ ઉપલબ્ધ હોઈ શકે જ્યારે એ વંશ સિંધુદેશનો હોવાનો મુદ્દો તદ્દન પ્રતીતિકારક લાગે છે.


➡ આ વંશના અભિલેખો પરથી આ રાજવંશે ઘૂમલીમાં લગભગ ઇસવીસન ૭૩૫થી ૯૧૫ સુધી રાજ્ય કર્યું હોય એવું જણાય છે. પછીના સમયમાં આ પ્રદેશમાં જેઠવાવંશના રાજાઓનું રાજ્ય પ્રવર્ત્યું. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર પોરબંદરના રાણાઓ ઇસવીસન ૧૭૮૫થી પોરબંદરમાં રાજ્ય કરતાં થયાં તે પહેલાં તેમનાં પૂર્વજો લગભગ ઇસવીસન ૧૬૦૦થી છ્યામાં એ પહેલાં ઇસવીસન ૧૩૧૩થી રાણપૂરમાં ને એ પહેલાં ઘૂમલીમાં રાજ્ય કરતાં હતાં. પરંતુ તેઓ ઘૂમલીમાં ક્યારથી રાજ્ય કરતાં થયેલાં તેનો સમય નક્કી કરવો અત્યંત મુશ્કેલ છે. ભાટ-ચારણો તો જેઠવા રાણાએ પોરબંદરમાં રાજધાની સ્થાપી તે તેના વંશનો ૧૭૫મો રાજા હોવાનું જણાવે છે. તેના પૂર્વજોમાં "રાણા" પદવી એ વંશના ૧૦૯મા રાજા સંગજીનાં સમયથી શરુ થઈને એ અગાઉ "જેઠવા" નામ ૯૫માં રાજા જેઠોજીનાં સમયથી પ્રચલિત થયું એવું પણ ભાટોજણાવે છે. વળી ૧૧૧મા રાણા શિયાજીએ શ્રીનગરથી ઘૂમલી રાજધાની ખસેડી એવું પણ તેઓ નોંધે છે. પરંતુ ભાટોની વંશાવલીમાં જણાવેલ  પૂર્વજોમાં ૧૪૭મા રાણા સંગજી (ઇસવીસન ૧૧૨૦- ૧૧૫૦)ના સમયથી ઐતિહાસિક તથ્યનું પ્રતિપાદન થઇ શકે છે. ભાટોની વંશાવલીમાં આપેલાં નામો પૈકીના કોઈ નામ ઇસવીસન ૯૧૫ સુધી ઘૂમલીમાં રાજ્ય કરી ગયેલા જયદ્રથ રાજાઓની વંશાવલીમાં આવતાં ન હોઈ સંગજીના આઠ દસ પૂર્વજો પહેલાંના નામ ઘૂમલીના ઇતિહાસમાં સ્થાન ધરાવે  એ બિલકુલ સંભવતું નથી. 


➡આથી રાણા સંગજીનાં ૩૬મા પૂર્વજ રાણા શિવાજીએ શ્રીનગરથી ઘૂમલીમાં રાજધાની ખસેડી હોવાની અનુશ્રુતિ પણ અશ્રધ્ધેય ઠરે છે. 


➡ આ સંદર્ભમાં અગાઉના જ્ય્દ્રથો અને પછીના જેઠવાઓવચ્ચે કોઈ સીધો સંબંધ રહેલો છે કે કેમ એ પ્રશ્ન વિચારવા લાયક છે. 


➡ પોરબંદરના જેઠવા  રાણાઓ પોતાને ભગવાન હનુમાનજીના વંશના ગણે છે અને તેમના ધ્વજમાં હનુમાનજીમુ પ્રતિક રાખે છે, જ્યારે ભૂતામ્બિલિકાના સૈન્ધવોનું પ્રતિક મત્સ્ય છે. તેઓ પશ્ચિમ સમુદ્રના સવામી હોવાનો દાવો કરે છેઅને તેથી માત્સ્યને પોતાના પ્રતિક તરીકે અભિમાનથી સ્વીકારે છે. પરંતુ તેમ છતાં પછીના જેઠવાઓ એ અગાઉના જયદ્રથોનાં વંશજ હોવાનું સંભવિત નથી.  


➡ ડૉ. આલ્તેકર  બતાવે છે  તેમ રાજમુદ્રા - પ્રતીકમાંના આ તફાવત પરથી આ બે રાજકૂલ એક વંશના હોવાની કલ્પના ખોટી ઠરતી નથી, કેમ કે મુદ્રા કે ધ્વજમાં નું પ્રાંતિક પછીના સમયમાં બદલાયું હોય. જેઠવાઓની વંશાવલીમાં હનુમાન પછી તરત જ " મકરધ્વજ" નામ આવે છે તે પરથી તેમના ધ્વજ પર અગાઉ મકરનું પ્રતિક હોવાનું સ્પષ્ટત: સૂચિત થાય છે. પછીના વખતમાં જ્યારે જેઠવાઓએ સમુદ્ર પરનો કાબુ ગુમાવ્યો હશે ણે તેઓ રામ તથા હનુમાનના ભક્ત થયાં હશે ત્યારે તેમના ધ્વજ પર મકર કે મત્સ્યને બદલે હનુમાનજીનું પ્રતિક દાખલ થયું હશે. ઘૂમલીના એક મંદિરના ખંડેરમાંથી મળેલ એક બ્રેકેટ પર હનુમાન અને માત્સ્યના પ્રતિક સાથે જોવાં મળે છે. તથા ઘૂમલીના જુના મહેલના અવશેષોની નજીકમાં ભગવાન હનુમાનજીની મોટી મૂર્તિ રહેલી છે એ પરથી આ સંભવને સમર્થન મળે છે.


➡ એ જે હોય તે હોય, સૈન્ધવ જયદ્રથ વંશના રાજાઓએ ઘૂમલી આસપાસના પ્રદેશોમાં લગભગ ઇસવીસન ૭૩૫થી ૯અ૧૫ સુધી રાજય કર્યું હતું એ નિશ્ચિત છે. 


હવે આ કૂળની ઉત્પત્તિ વિષે વિચાર કરીએ. આકૂળના રાજાઓના તામ્રપત્રોમાં તેમનાં વંશના બે નામો મળે છે.

✔ [૧] સૈન્ધવ

✔ [૨] જયદ્રથ     


➡ જયદ્રથો અને જેઠવાઓને એક જ છે એમ માનીને ચાલીએ તો જેઠવાઓની કુલોત્પત્તિ વિષે અગાઉ જુદા જુદા મત પણ રજુ થયેલાં જ છે. જે આ પ્રમાણે છે -----


[૧] ડૉ. ભગવાનલાલ માને છે કે જેઠવા તે રાજસત્તા દ્વારા ઉન્નત થયેલા મેર છે.

[૨] વોટસન પણ જેઠવાઓને મેર લોકો સાથે ગાઢ રીતે સંકળાયેલા માને છે. મેર અને જેઠવા મૂળમાં એક હોય કે જુદા હોય પણ તે આગળ જતાં મેર પોતે જેઠવા હોવાનો દાવો કરે છે, જ્યારે જેઠવા પોતાને મેરથી જુદાં હોવાનો દાવો કરે છે.

[૩] આ રીતે ડૉ. વિલ્સને જેઠવાઓની ઉત્પત્તિ જાટમાંથી થઇ હોવાનું સૂચવ્યું પણ છે.

[૪] કર્નલ ટોડ નોંધે છે કે -- ભાટ - ચારણોની અનુશ્રુતિઓ પોરબંદરના રાણાઓની વંશાવલીમાં જણાવેલ "જેઠ" શબ્દ પરથી "જેઠવા" નામ પડયું હોવાનું જણાવે છે. આ રાણાનું નામ "જેઠ" પ્રાય: જયેષ્ઠા નક્ષત્રના નામ પરથી પડયું હશે.

[૫] કોઈ સંતોષકારક ખુલાસાના અભાવે જેક્સન સૂચવે છે કે "જેઠવા" નામ એ - રૂથ - લાઈટ જે શ્વેત હુણોના શાસકવર્ગનું નામ છે તેના ચીની રૂપ "યે-ત-ઈ-લી-ટો"ના સંક્ષિપ્તરૂપ 

"યેથ" શબ્દ પરથી જેઠવા શબ્દ બન્યો છે કે બનાવવામાં આવ્યો છે.


➡ જયદ્રથોનાં દાનપત્રો પ્રકાશિત થતાં સૈન્ધવ કે જયદ્રથ નામે રાજવંશ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું અને તેમાં પણ જેઠવાઓ વિશેના બે મત રજુ થયેલાં છે ---

[૧] શાસ્ત્રી હાથીભાઈ હરિશંકરના મત મુજબ જેઠવાઓ સૈન્ધવોનાં વંશની જયેષ્ઠ શાખાનું પ્રતિનિધિત્વ ધરાવતાં હોવાથી તે જેઠવા કહેવાયા. તેના સમર્થનમાં તેઓ જણાવે છે કે કૃષ્ણરાજના વંશજો જે જયેષ્ઠ શાખાના હતાં તે જેઠવા કહેવાયા.

[૨] ડૉ. આલ્તેકરનું માનવું છે કે તેઓ વંશસ્થાપક જયદ્રથના વંશજો હોવાને કારણે "જેઠવા" કહેવાયા. 


➡ બાષ્કલનું દાનપત્ર મળ્યા પછી "જેઠવા" નામ "જ્યેષ્ઠુકદશ" પરથી પડયું હોવાનું ડો. સરકાર માને છે. 


➡ "જયદ્રથ "અને "જયેષ્ઠ" (જેઠ)એવું તેઓનું વિશેષ નામ હતું એ ચોક્કસ, તે એ ચોક્કસ જાતિનું વિશેષ નામ હતું એટલું નિશ્ચિત ગણાય એ જાતીનામ મૂળ શા ઉપરથી પ્રોયોજાયું હશે એ હાલની માહિતી પરથી નક્કી કરવું મુશ્કેલ છે.


➡ આ વંશના ઉપલબ્ધ દાનશાસનોમાંથી મળતાં ૬ દાનપત્રો ઇસવીસન ૮૩૨થી ઇસવીસન ૯૧૫ સુધીની મિતિનાં છે જે અનુ - મૈત્રકકાલનાં છે. પરંતુ આ દાનપત્રોમાં દાન દેનાર રાજાઓના પુરોગામીઓનો સમય મૈત્રકકાલ દરમિયાનનો હોવાથી આ વંશનો પ્રારંભિક ઈતિહાસ એ મૈત્રકકાલને લગતો છે.


➡ ઇસવીસન ૭૧૧ના અરસામાં આરબોએ સિંધ પર સત્તા જમાવી તેથી આ વંશનો મૂળ પુરુષ સિંધુદેશ ત્યજી દરિયામાર્ગે સૌરાષ્ટ્રના પશ્ચિમતટે ઉતારી આવી ત્યાં સત્તા જમાવતો હોવાનું આગળ  જણાવવામાં આવ્યું છે. સૈન્ધવોના ઉપલબ્ધ દાનશાસનોમાં ઘૂમલીથી મળેલ ૬ દાનપત્રોમાંનાં છેલ્લા દાનપત્રમાં આ રાજવંશની લાંબામાં લાંબી વંશાવલી આપવામાં આવેલી જ છે.

  

➡ કોણ પહેલું અને કોણ પછી તેની આવશ્યકતા ઈતિહાસને હોતી નથી. માત્ર નામો અને સાલવારી આપવાથી ઇતિહાસને કશો ફેર પડતો નથી. ઈતિહાસ  એ ઘટના પર આધારિત હોય છે નહીં કે દાનપત્રો કે તેમાં વર્ણવાયેલી  અલંકૃત ભાષા કે શબ્દો પર ! આનુ પરિણામ એ આવે છે કે નથી મળતી તેમની કોઈ અંગત વિગતો. પ્રજામાં તો એકતા હતી હતી કે નહીં  એની નથી કોઈ માહિતી કે નથી રજુ થતો પ્રાજાનો કોઈ ચિતાર. પ્રજા તો પરાપૂર્વથી ધર્મપ્રિય જ હતી અને બધાં શાંતિથી - સુખેથી સૌ સાથે હળીમળીને ધંધો કરતાં હતાં અને રહેતાં હતાં એકબીજાં સાથે હાથમાં હાથ મિલાવીને.પણ ભારતના બે ત્રણ ધર્મો એવાં પણ છે કે જેમણે પોતાનો નિહિત સ્વાર્થ જોયો અને એમને પ્રજાની આ એકતા કઠતી હતી એટલે જ તેમણે જે તે રાજાઓના રાજસત્તા ઉથલાવવાનું ઘોર પાપ કર્યું. આની કોઈ જ વિગતો તમને ઇતિહાસમાં નહીં જ મળે એ તો સમજી લેવાની વાત છે ! દુખ એ વાતનું છે કે આપણે હજી સુધી નથી સમજી શક્યાં નહીંતો ભારતવર્ષમાં રાજપૂત -ક્ષત્રિય સત્તાના પાયા ક્યારેય ડગ્યાં જ નાં હોત ને !


➡ જેઠવાઓ એ સૈન્ધવો કરતાં પાછળથી થયાં હતાં કહેવાનો મતલબ છે કે ---તેઓએ સૈન્ધવોપછી સત્તા સંભાળી હતી પણ તેની કોઈ જ સાચી હકીકત કોઈનેય ખબર નથી કે આવું અને આમ કેમ કરતાં બન્યું તે જ ! આમ તો આ લેખ "સૈન્ધવવંશ" પર જ છે પણ જેઠવાવંશનો તેમાં ઉલ્લેખ થયેલો હોવાથી એ થોડો પહેલો લીધો છે. આ બધું દાનપત્રોને લીધે જ બન્યું છે જેઠવાવંશના રાજાઓના નામ તો મળે છે પણ એમાં કથાઓ અને અનુશ્રુતિઓ વધારે  પડતી હોવાથી કોણ પહેલો અને કોણ પછી થયો તે ખબર જ નથી અપ્ડતી અને મહત્વની વાત એમનાં પ્રદાનની છે એની વિગતો તો ક્યાંય કરતાં ક્યાંય પણ મળતી નથી જો મળશે તો એમનાં નામ સાથે એમનાં કાર્યોનો ઉલ્લેખ આપણે ભવિષ્યમાં કરીશું . એ વાત અત્યારે આગળ એટલે નથી ધપાવતો કે અત્યારે વાત ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સદીની  છે એટલે પ્રાધાન્ય તો "સૈન્ધવવંશ"ને જ આપાય આતો જેઠવા વિષે થોડું લખવું હતું એટલે લખ્યું કારણકે એનો દાનશાસનમાં ઉલ્લેખ થયો છે  માટે જ એને પહેલાં આવરી લીધો છે આમે એ બન્ને આનુષંગિક હોવાથી જેઠવાવંશને ઉવેખાય તો નહીં જ. એક લાંબા લેખ જેટલી  માહિતી જો એનાં વિષે પ્રાપ્ત થશે તો જેઠવાવંશ વિષે અવશ્ય લખીશ પણ એ તો પછીની વાત છે 


➡ હવે પછીના લેખમાં જ  સૈન્ધવવંશના રાજાઓ વિષે વાત કરવામાં આવશે. 


➡ આ ભાગ અહી સમાપ્ત. 

બીજો ભાગ હવે પછીના લેખમાં !  


ગુજરાતનો ઈતિહાસ 

(ક્રમશ :}


!! જય જય ગરવી ગુજરાત !!

!! જય સોમનાથ !!

!! જય મહાકાલ !!

!! હર હર મહાદેવ !!


--------- જનમેજય અધ્વર્યુ  


🌻🌺🍁🍀☘🍂🌿🌴🌻🌹

No comments:

Post a Comment