તમારા શરીર વિશે આટલી માહિતી તો હોવી જ જોઈએ
આધુનિક વિજ્ઞાન ગમેતેટલું આગળ વધે, ગમેતેટલી નવી શોધખોળો થાય, પરંતુ માનવ શરીર જેટલી કોમ્પલેક્સ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય. શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરના કેટલાય અવયવો દિવસ-રાત એક્ટિવ રહે છે. દિવસ-રાત ચોવીસેય કલાક. આપણે તો શનિવાર-રવિવાર રજા રાખીને થાકોડો ખાઇ લઇએ છીએ, પરંતુ આપણાં ફેફસાં, હૃદય, મગજ, રક્ત વગેરે તો જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી અવિરત પોતાનું કાર્ય કરતા કરે છે - એક સેકન્ડનો પણ આરામ કર્યા વગર. અને જો આમાંથી કોઇ એક અવયવ તેની કામગીરી અટકાવે તો આપણું હોસ્પિટલે પહોંચવાનું નિશ્ચિત છે. આવો, આજે આપણે આ લેખમાં જાણીએ માનવ શરીરના કેટલાક અદભૂત રહસ્યો.
૧ મિનિટમાં શરીરમાં શું થાય?
રોજિંદા જીવનમાં આપણને એક મિનિટનો સમય બહુ સામાન્ય લાગે છે, પરંતુ આ એક મિનિટમાં આપણા શરીરમાં જે કંઈ હિલચાલ થાય છે, તે અદભૂત અને જટિલ છે.
એક મિનિટમાં હૃદય ૭૦ વખત ધબકે છે.
આપણે સરેરાશ ૧૬ વખત શ્વાસ લઈએ છીએ.
આશરે ૭થી ૮ લિટર (૦.૨૫ ક્યુબિક ફૂટ) હવા શ્વાસોશ્વાસમાં વાપરીએ છીએ.
આપણા શરીરના હજારો કિલોમીટરના રકત પરિવહન ક્ષેત્રમાં ૫ લિટર રક્ત પરિભ્રમણ કરે છે.
શરીરના બોનમેરોની અંદર દર મિનિટે ૧૫૦ મિલિયન રક્ત કણો (રેડ સેલ્સ)નું સર્જન થાય છે. અને એટલી જ સંખ્યામાં લાલ રક્ત કણો નાશ પણ પામે છે.
આપણી આંખો ૨૦ વખત પલકારા મારે છે.
અને હા, પાચનની પ્રવૃત્તિ અને ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતરણ તો હંમેશા ચાલુ જ રહે છે.
શું શરીરના અંગો બદલાય છે?
ઉંમરના વધવા સાથે આપણા શરીરની વૃદ્ધિ થાય છે. દેખાવમાં ફેરફાર થાય એ તો સ્વાભાવિક પણ છે, પરંતુ શરીરના કેટલાક આંતરિક અવયવો તો સંપૂર્ણપણે બદલાઈ જાય છે એ જાણીને બહુ નવાઈ લાગશે. જેમ કે, પેટની અંદર હોજરીની રેખાઓ દર ત્રણ દિવસે બદલાઈ જાય છે. આપણી ચામડી દર મહિને ખરે છે, અને નવી આવી જાય છે. દર દસ વર્ષે આપણા શરીરનું હાડપીંજર બદલાઈ જાય છે. જોકે હૃદયના ધબકારાને નિયંત્રિત કરનારા પેસમેકર સેલ આજીવન આપણી સાથે એવાને એવા જ રહે છે. મતલબ કે તે ક્યારેય બદલતાં નથી.
શરીરનું તાપમાન
આપણાં શરીરનું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે, ન તેનાથી વધારે અને ન તો તેનાથી ઓછું. જો શરીરનું તાપમાન ચાર ડિગ્રી વધે, તો ચક્કર આવવા લાગે છે કે વ્યક્તિ બેભાન થઈ જાય છે. અને જો શરીરનું તાપમાન સાત ડિગ્રી વધી ગયું હોય તો મૃત્યુ નિશ્ચિત છે. બાહ્ય વાતાવરણમાં ભલેને તાપમાન ૪૫ ડિગ્રી વધે કે ઠંડીમાં આંકડો માઈનસમાં પહોંચી જાય, પણ શરીરનું તાપમાન તો ૩૭ જ રહેશે. જ્યારે વધુ ગરમી હોય છે ત્યારે પરસેવો થાય છે. પરસેવો ગરમીને શોષી લે છે, અને તેનું બાષ્પીભવન થાય છે. આ રીતે ગરમી સામે રક્ષણ અને તાપમાન સચવાઈ રહે છે.
જ્યારે તીવ્ર ઠંડી પડે છે ત્યારે રુંવાડા ઊભા થઇ જાય છે કે શરીરના અંગો હરકતમાં આવીને ધ્રૂજવા માંડે છે. જેના કારણે ગરમી ઉત્પન્ન કરવાનો પ્રયાસ થાય છે, પરંતુ ઠંડી સામે રક્ષણ મેળવવા આટલો શારીરિક પ્રતિભાવ અસરકારક નથી. (આથી આપણે જેકેટ, શાલ, બ્લેન્કેટ, હીટર વગેરેનો ઉપયોગ કરવો પડે છે) જ્યારે શરીરનું તાપમાન ઘટે છે ત્યારે રક્ત પરિવહન પર અસર પડે છે અને રક્તવાહિનીઓ સંકોચાવા માંડે છે, જેથી રક્ત પરિવહન યોગ્ય રીતે થઈ શકે, પરંતુ આ પરિસ્થિતિ વધુ વાર રહેવાથી શરીરના અંગો પર વિપરિત અસર પડે છે. કાતિલ ઠંડીમાં હાયપોથર્મિયાની અસર થાય છે, જેમાં વ્યક્તિ શરૂઆતમાં ભાન ભૂલી શકે છે, બેહોશ થઇ શકે છે અને ગંભીર સ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે
હૃદયની કામગીરી
માતાના ગર્ભમાં બાળક ૪ અઠવાડિયાનું થાય છે ત્યારથી મનુષ્યનું હૃદય ધબકવાનું શરૂ કરે છે તે છેક અંતિમ શ્વાસ સુધી. શરીરમાં હૃદયનું કાર્ય લોહીનું પરિભ્રમણ કરવાનું છે. હૃદય જ્યારે ફૂલાય ત્યારે રક્ત તેની અંદર આવે છે, અને સંકોચાય ત્યારે તે રક્તને શરીરના અંગોમાં પહોંચાડે છે. રક્તનું હૃદય અંદર આવાગમન વાલ્વ મારફતે થાય છે. જેના ખોલ-બંધ થવાના કારણે ‘લબ-ડબ’ અવાજ થાય છે. જેને આપણે ધબકારા તરીકે ઓળખીએ છીએ.
સામાન્ય રીતે હૃદય ૧ મિનિટમાં ૭૦ ધબકારા કરે છે, પરંતુ જ્યારે આપણે વધુ શ્રમ કરીએ છીએ ત્યારે શરીરના અંગોને વધુ ઓક્સિજન અને લોહીની જરૂર પડે એટલે હૃદયનું કામકાજ વધી જાય છે. પરિણામે વાલ્વ ખૂલવા અને બંધ થવાનું પ્રમાણ પણ વધે અને આપણા ધબકારા પણ વધી જાય, જે કદાચ ૧૨૦ કરતાં પણ વધુ થઈ શકે છે. માનવીનું હૃદય એક દિવસમાં ૧ લાખ વખત અને વર્ષમાં સરેરાશ ૩૫ મિલિયન વખત ધબકે છે.
રક્ત પરિભ્રમણ
શરીરમાં લોહીનું કામ દરેકેદરેક અંગ સુધી ઊર્જારૂપી ઓક્સિજન અને ગ્લુકોઝ પહોંચાડવાનું છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન ગ્રહણ કરેલો ઓક્સિજન ફેફસાં મારફતે લોહીમાં ભળે છે. ઉપરાંત આપણે ગ્રહણ કરેલા ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે, જે લોહી મારફતે શરીરના દરેક ભાગને જોઈએ તેટલી ઊર્જા પૂરી પાડે છે. રક્તકણોનું મુખ્ય ઘટક હિમોગ્લોબિન છે, જે ઓક્સિજનની હેરફેર કરે છે.
સફેદ રક્તકણો (વ્હાઇટ બ્લડ સેલ) લાલ રક્તકણો (રેડ બ્લડ સેલ)નું સર્જન કરે છે અને શરીરની બીમારી અને અશુદ્ધિ સામે રક્ષણ આપે છે. આપણા બોનમેરોમાં સફેદ રક્તકણો પોતાની અંદર લાલ રક્ત કણોનું પોષણ કરી દર પાંચ દિવસે નવા લાલ રક્તકણોનું નિર્માણ કરે છે. શરીરમાં રક્તકણોની સંખ્યા ૨૫ ટ્રિલીયન છે. (૧ ટ્રિલીયન એટલે ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) આ રક્તકણો શરીરની તમામ રક્તવાહિનીઓ સુધી પહોંચવા માટે બન્યા છે. જો શરીરની તમામ રક્તવાહિનીઓને એક સીધી રેખામાં જોડીએ તો અંદાજે એક લાખ કિલોમીટર થાય. જેના દ્વારા પૃથ્વીને ફરતે બે વખત ચક્કર લગાવી શકાય. લાલ રક્તકણોની જિંદગી ચાર મહિના જેટલી છે. તે મૃત બનતાં બોનમેરો સુધી પહોંચે છે, જ્યાં સફેદ રક્તકણો તેનો નાશ કરે છે.
જો કોઈ રક્તવાહિની સંકોચાઈ જાય અથવા તેમાં લોહી ગંઠાઈ જાય તો સ્ટ્રોકની સંભાવના રહે છે, અને તે ભાગમાં રક્ત પરિવહન ધીમું અથવા બંધ થઈ જાય છે. પરિણામે એ ભાગના કોષો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે અથવા કાર્ય કરતા બંધ થઈ જાય છે. ગંભીર સંજોગોમાં હાર્ટએટેક આવે છે. ઈલાજરૂપે એન્જિયોગ્રાફી દ્વારા રક્તવાહિનીની તપાસ અને એન્જિયોપ્લાસ્ટી દ્વારા સંકોચાયેલા રક્તવાહિનીને તેના મૂળ સ્વરૂપમાં લાવવાનો પ્રયાસ કરી શકાય છે.
મગજ સૌથી જટિલ
સંપૂર્ણ બ્રહ્માંડમાં સૌથી જટિલ રચના જો કોઈ હોય તો માનવીનું મગજ છે. મગજ આપણા શરીરના દરેક કાર્યોનું સંચાલન કરે છે. પ્રતિભાવ આપે છે, ઈન્દ્રિયોનો અનુભવ કરાવે છે અને મેમરી સ્ટોર કરે છે. મગજનું વજન શરીરના વજનના બે ટકા જેટલું અર્થાત્ આશરે ૧ કિલો ૩૬૦ ગ્રામની આસપાસ હોય છે, જે પૈકી ૬૦ ટકા ભાગમાં તો માત્ર ચરબી જ હોય છે, પરંતુ શરીરની અંદર ઉત્પન્ન થતી ઊર્જામાંથી ૨૦ ટકા ઊર્જાનો ઉપયોગ મગજમાં થાય છે.
આ ઊર્જાનો ઉપયોગ મગજના કોષોનો તંદુરસ્ત રાખવા અને નર્વ સિસ્ટમના સંચાલન માટે થાય છે. મગજની અંદર આવેલા ન્યૂરોન (મજ્જાતંતુ)ની સંખ્યા આશરે ૧૦૦ બિલિયન જેટલી હોય છે, જે દુનિયાની કુલ વસતીના ૧૫ ગણું જેટલું છે.
મગજમાં જો ૮થી ૧૦ સેકન્ડ સુધી લોહી ન પહોંચે તો બેભાન થઈ જવાય છે અને ૫ મિનિટ સુધી ઓક્સિજન ન પહોંચે તો મગજને કાયમ માટે નુકસાન પહોંચે છે. શરીરના અલગ અલગ ભાગોમાંથી મગજ તરફ જતાં સિગ્નલોની ઝડપ ૪૧૮ કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે.
જિંદગીભરની તમામ સારી-ખરાબ યાદો આપણા મગજમાં સચવાય છે. વૈજ્ઞાનિકોએ મગજની મેમરી સ્ટોરેજ કેપેસિટી ૨.૫ પેટાબાઈટ જેટલી દર્શાવી છે, જો તેને મેગાબાઈટમાં રૂપાંતર કરીએ તો ૨,૬૮,૪૩,૫૪,૫૬૦ મેગાબાઈટ થાય.
ઘણા લોકો કહેતા હોય છે કે આપણે આપણા મગજની કુલ ક્ષમતાના ૧૦ ટકા કે તેથી પણ ઓછો ઉપયોગ કરીએ છીએ. આ વાત સાવ જ પાયાવિહીન છે કારણ કે મગજના દરેક ભાગનું કોઈને કોઈ એક ચોક્કસ કાર્ય હોય છે, અને દરેક ભાગ દરેક કાર્યનું સંચાલન કરે છે.
હૃદયની સાથે સાથે મગજ પણ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે ત્રીજા અઠવાડિયા પછી આકાર લેતું થઇ જાય છે. દર સેકન્ડે આઠ હજાર જેટલા મગજના કોષોનું નિર્માણ જન્મ પહેલાં થતું હોય છે, અને જ્યારે જન્મ થાય ત્યારે આપણા જીવનભરના મગજના તમામ કોષોનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે.
સ્ત્રોત: સદાબહાર સ્વાસ્થ્ય, ગુજરાત સમાચાર
No comments:
Post a Comment