Search This Website

Friday, October 15, 2021

યોગાસનોમાં આસનોના રાજા અને આસનોની રાણી વિશે

શીર્ષાસન ( આસનોનો રાજા )

શીર્ષાસનને

આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે
શીર્ષ એટલે મસ્તક, માથું અને આ આસનમાં માથા પર ઉભા રહેવાનું હોય છે, એટલે એને શીર્ષાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત શીર્ષનો બીજો એક અર્થ પણ છે-શ્રેષ્ઠ, ઉત્તમ. આસનોમાં આ આસન શ્રેષ્ઠ છે, આથી પણ એને શીર્ષાસન કહેવામાં આવે છે. એ સૌથી મહત્ત્વનું અને લાભકારી આસન હોવા સાથે જો એને ભુલભરેલી પદ્ધતીથી કરવામાં આવે તો નુકસાન પણ એટલું જ થાય છે. આથી એને યોગ્ય રીતે કરવું ખુબ મહત્ત્વનું છે.

શીર્ષાસન એક એવું આસન છે જેનો અભ્યાસ કરવાથી અનેક નાની બીમારીઓ દુર થઈ શકે છે. મનુષ્ય શરીરનાં બધાં જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (જ્ઞાનતંત્ર)ને ચેતનવંતું બનાવવા તથા શારીરીક અને માનસીક તનાવમાંથી મુક્તી મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સારું રહે છે, રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરને બળ પ્રાપ્ત થાય છે. તેનાથી મસ્તીષ્કમાં રક્ત સંચાર વધે છે, જેનાથી સ્મરણશક્તી વધી શકે છે. હીસ્ટીરીયા તથા અંડકોષ વૃદ્ધી, હર્નીયા, કબજીયાત વગેરે રોગો નથી થતા. તેનાથી વાળ કસમયે ખરતા નથી તથા સફેદ થતા અટકે છે. આ આસનથી આપણા આખા શરીરની માંસપેશીઓ સક્રીય થઈ જાય છે. આથી શારીરીક બળ મળે છે.જો કે આ આસન કંઈક મુશ્કેલ છે. તે સીદ્ધ કરવું બધાં માટે સહજ નથી.

આસનો કરતી વખતે શીર્ષાસન ક્યારે કરવું? શરુઆતમાં, મધ્યમાં કે અંતે? કેટલાક લોકો શરુઆતમાં, લોહી ગરમ ન થયેલું હોય ત્યારે કરવામાં માને છે, કેટલાક બધી કસરતના અંતે કરવાનું કહે છે. હું થોડી વૉર્મીંગ અપની કસરત કર્યા પછી શીર્ષાસન કરું છું. એમાં તાડાસન, કમરઝુક, તીર્યક તાડાસન અને કોણાસનનો સમાવેશ થાયછે. આથી મેં શરુઆત આ આસનો અને કસરતથી કરી છે.

શીર્ષાસનની વીધીઃ

સૌથી પહેલાં સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી નરમ આસન બનાવો. અહીં પરદેશમાં મોટા ભાગનાં ઘરોમાં લાકડાના ફ્લોર (ભોંયતળીયા) પર કારપેટ હોય છે. એની નીચે નરમ રબર જેવા પદાર્થનું પડ (અન્ડરલે) પાથરેલું હોય છે. તેના પર બીજો કારપેટનો ટુકડો હોય છે. આથી એના પર બીજું કશું જ પાથરવાની જરુર વીના શીર્ષાસન કરી શકાય. હું વર્ષોથી એ રીતે કરું છું. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી, કારણ કે એમાં માથાનો ભાગ આસન પર મુકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીતે પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ છે. લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાશવાળું આસન બનાવી શકાય.

પદ્ધતિ :

શીર્ષાસન કરવા માટે વજ્રાસનમાં બેસો. હવે આગળ તરફ ઝુકી બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડીને માથાને બંને હથેળીની વચ્ચે રાખો. શ્વાસ સામાન્ય રાખો. હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મુકવો જોઈએ. આ સ્થીતીમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રીકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રીકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પુરું વજન માથા ઉપર છોડીને શરીરને ઉપર ઉઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. આ વખતે હજુ પગ ઘુંટણમાંથી વળેલા હશે. એને ધીમે ધીમે સીધા કરવુ

શરીર સીધું કરી લો એટલે શીર્ષાસન.


સર્વાંગાસન( આસનોની રાણી)



યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની અગત્યતા સમજાશે. સર્વ અંગો ઉપર અસર કરતું આસન એટલે સર્વાંગાસન. આ આસન આપણા શરીરને અદભૂત લાભ આપે છે. આ આસન માત્ર શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક અને માનસિક લાભ માટે ખૂબ જ ઉપયોગી છે.

મૂળ સ્થિતિ : પીઠ પર ચત્તા સૂઈ જવું.

પદ્ધતિ :

  • પીઠ પર ચત્તા સૂઈ જાઓ.
  • બંને પગ ભેગા કરી શ્વાસ અંદરની તરફ ભરી બંને પગને એકી સાથે ધીમે ધીમે ઘૂંટણમાંથી વાળ્યા વગર ઊંચા કરો.
  • પગ કમરના ભાગથી થોડા ઊંચા થાય ત્યારે બંને હાથ પીઠ પાછળ ગોઠવી શરીરને ટેકો આપો.
  • હાથની કોણીઓ જમીન ઉપર રહેવી જોઈએ. બંને પગ આકાશતરફ 90o ખૂણે ગરદન અને ખભા જમીનને અડકીને રહેશે.
  • શરીર હલે નહિ તે રીતે પગ સીધા રાખો.
  • પંજા આકાશ તરફ ખેંચાયેલા રાખી સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેતા રહો. થોડીવાર આ સ્થિતિમાં રહો.
  • એક મિનિટથી પાંચ મિનિટ સુધી આ આસન કરી શકાય.
  • આ આસનમાંથી પાછા ફરતી વખતે પગને માથા તરફ વાળી શરીરને ઢીલું કરી જમીન તરફ લાવો.
  • કમર ઉપર હાથને સરકાવતાં ધીરે ધીરે બંને પગ અને પીઠ મૂળ સ્થિતિમાં લાવો.
  • ઓછામાં ઓછી 60 સેકન્ડ માટે વિશ્રામ કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પગને વાળવા નહિ.
  • પગને વધારે પડતા પાછળ ઝૂકાવી દેવા નહિ.
  • આસન દરમિયાન પગને જોડેલા રાખવા.
  • આસનમાંથી પાછા ફરતાં માથું જમીનથી ન ઉઠાવવું.
  • ઝટકા સાથે આસન ન છોડવૂં.
  • આ આસન દરમિયાન નજર પગની આંગળીઓ પર સ્થિર કરવી.

ફાયદા :

  • શરીરના તમામ તંત્રો જેવા કે ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શરીરના આંતરિક અવયવો ઉપર ખૂબ સારી અસર કરે છે.
  • સર્વાંગાસનથી થાઈરોઈડ ગ્રંથિના બધા કોષોને ઑક્સિજન અને પોષક તત્વો મળે છે.
  • સર્વાંગાસન થાઈરોઈડની ક્ષમતાને અને ક્રમશઃ આખા શરીરને સુધારવામાં સીધો ફાળો આપે છે.
  • આ આસનથી યાદશક્તી વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
  • આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે. 
  • સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે.
  • કરોડના સર્વાઈકલ ભાગે ખેંચાણ આવવાથી કાર્યશક્તિ અને નમનીયતા વધે છે.
  • ખભા તથા બાહુઓને મજબૂત કરે છે અને કરોડરજ્જુને કુમાશવાળી રાખે છે.
  • મગજને વધારે  રક્તથી પોષણ આપે છે.
  • હ્રદયમાં શીરાઓનું વધારે રક્ત પહોંચાડીને હૃદયના સ્નાયુઓને ખેચાણ આપે છે.
  • કબજીયાતમાં સર્વાંગાસન ખૂબ જ લાભદાયી છે.
  • ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
  • સારણગાંઠ ની તકલીફ દૂર થાય છે.

સાવચેતી :

  • ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
  • થોઈરોઈડના અતિવિકાસવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
  • ખૂબ જ નબળા હૃદયવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
  • અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
  • જેમણે કમરની ગાદીની તકલીફ હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.
  • જેમની આંખોની નસો નબળી હોય તેવા લોકોએ પણ આ આસન કરવું જોઈએ નહિ.
  • કાનમાં રસી આવતી હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.





No comments:

Post a Comment