Search This Website

Sunday, May 14, 2023

અન્ય 5 મહિલા કુસ્તીબાજોના નોંધાશે નિવેદન, બ્રિજ ભૂષણની ધરપકડ અંગે દિલ્હી પોલીસે શું કહ્યું ?

અન્ય 5 મહિલા કુસ્તીબાજોના નોંધાશે નિવેદન, બ્રિજ ભૂષણની ધરપકડ અંગે દિલ્હી પોલીસે શું કહ્યું ?

કુસ્તીબાજોની ફરિયાદના આધારે પોલીસ ટીમ પુરાવા એકત્ર કરવા જુદા-જુદા રાજ્યોમાં ગઈ

આ કેસમાં લગાવાયેલા આરોપો ઘણા જૂના, તપાસમાં લાંબો સમય લાગી શકે છે : પોલીસ

નવી દિલ્હી, તા.14 મે-2023, રવિવાર

જાતીય સતામણીના આરોપમાં ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતર ખાતે ખેલાડીઓની હડતાળ રવિવારે 22માં દિવસે પણ યથાવત્ રહી છે. કુસ્તીબાજોએ કહ્યું કે, જ્યાં સુધી બ્રિજ ભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈપણ ભોગે હડતાળ સમાપ્ત કરશે નહીં. દરમિયાન બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવનાર સગીર મહિલા કુસ્તીબાજ સહિત માત્ર 2 મહિલા કુસ્તીબાજોનું કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન રાઉઝ એવન્યુ ખાતેની સંબંધિત કોર્ટમાં કલમ 164નું નિવેદન નોંધાવી શકી છે.

5 મહિલા કુસ્તીબાજોના નિવેદન હજુ નોંધવાના બાકી

5 મહિલા કુસ્તીબાજોના નિવેદન હજુ નોંધવાના બાકી છે. આગામી સપ્તાહે અન્ય 5 મહિલા કુસ્તીબાજોના નિવેદનો નોંધવામાં આવી શકે છે. આ માટે પોલીસે કોર્ટમાં અરજી કરી સમય આપવા વિનંતી કરી છે. હેડક્વાર્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે રાજકારણ થવાના કારણે પોલીસ તપાસમાં ખૂબ કાળજી રાખી રહી છે. પોલીસ કમિશનર સંજય અરોરા અને સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડા આ મામલાની તપાસ માટે રચાયેલી કમિટિ પાસેથી દરરોજ તપાસના પ્રગતિ રિપોર્ટની માહિતી મેળવી રહ્યા છે.

બ્રિજભૂષણ મામલે પોલીસે શું કહ્યું ?

SIT પણ રમત મંત્રાલયના સતત સંપર્કમાં છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ કેસમાં લગાવાયેલા આરોપો ઘણા જૂના છે. સાંસદ દ્વારા અલગ-અલગ સ્થળોએ યૌન શોષણ કરાયું હોવાનું પીડિતોએ આરોપ લગાવ્યો છે. જેના કારણે તપાસ ટીમને પુરાવા એકત્રિત કરવા ઘણા રાજ્યોમાં જવું પડશે. પોલીસનું કહેવું છે કે તપાસમાં લાંબો સમય લાગી શકે છે. તમામના નિવેદનો નોંધ્યા બાદ અને ગુનાના ઘટના સ્થળોની તપાસ કર્યા બાદ પોલીસ નિર્ણય લેશે કે સાંસદની ધરપકડ થઈ શકે છે કે નહીં.

બ્રિજભૂષણના બે વખત નિવેદન લેવાયા

બ્રિજભૂષણ શરણ સિંહના બે વખત નિવેદન લેવાયા છે. તેણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે. બ્રિજભૂષણે પોતાના સ્પષ્ટીકરણમાં પુરાવા તરીકે પોલીસને કેટલાક વીડિયો અને મોબાઈલ ડેટા જલ્દીથી સોંપવાનું કહ્યું છે. મહિલા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં SITની રચના કરાઈ છે. SITમાં 6 ટીમો છે. દરેક ટીમમાં 10 કર્મચારીઓ સામેલ છે. એટલે કે 60થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં લાગેલા છે, જેમાંથી 4 મહિલા પોલીસ અધિકારી છે.

અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિવેદન નોંધાયા

6 મહિલા રેસલરો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એડિશનલ સેક્રેટરી અને કોચ વિનોદ તોમર પણ આરોપી છે. તેમનું 2 વખત નિવેદન પણ નોંધાયું છે. તાજેતરમાં આ મામલામાં એસઆઈટી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા પ્રથમ સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિવેદન નોંધાયા છે. કુસ્તીબાજોની ફરિયાદના આધારે પોલીસ ટીમ પુરાવા એકત્ર કરવા ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોમાં પણ ગઈ હતી.

No comments:

Post a Comment