Search This Website

Wednesday, April 19, 2023

વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આ રહી ડેસ્ટિનેશન્સની યાદી…



વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આ રહી ડેસ્ટિનેશન્સની યાદી…







ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં જાતિ-સંસ્કૃતિમાં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી જ ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. ભારતમાં એક તરફ ઉત્તર ભારતમાં હિમાલયની ફેલાયેલી પર્વતમાળાઓ તો દક્ષિણ ભારતમાં આંખોને ઠંડક આપતું કુદરતી સૌંદર્ય છે પૂર્વમાં ભારતની અવિસ્મરણીય સંસ્કૃતિના દર્શન થાય છે તો પશ્ચિમમાં કલા અને સ્વાદનો અદ્ભત સંગમ જોવા મળે છે. ભારત એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં દરેક રાજ્ય અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.
ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી પ્રજા હરવા-ફરવા અને ખાણી-પીણીની બાબતમાં એકદમ શોખીન હોય છે. જો તમે પણ વેકેશનમાં મિત્રો કે સાથે ફેમિલીની સાથે ટુર પર જવા માગો છો તો આ આર્ટિકલ તમારા માટે જ છે. આજે અમે અહીં ભારતના કેટલાક એવા સ્થળોની માહિતી લઈને આવ્યા છીએ કે જે તમારા વેકેશનને એકદમ યાદગાર બનાવશે અને તમને વારંવાર આ સ્થળોની મુલાકાત લેવાનું મન થશે.
જ્યારે પણ વેકેશન પર જવાની વાત આવે તો લોકોની પહેલી પસંદ હોય છે હિલ સ્ટેશન્સ… ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓના ધસારામાં ધરખમ વૃદ્ધિ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક એવો વર્ગ પણ છે કે ફરવા માટે દેશની બહાર જ જવાનું વધારે પસંદ કરતો હતો, પણ હવે સમય બદલાયો છે અને આ વર્ગના લોકો પણ હવે ભારત દેશમાં જ આવેલા હિલ સ્ટેશનો પ્રત્યે આકર્ષાયા છે. તમે ઓછા બજેટમાં ભારતના આ હિલ સ્ટેશનોમાં ફરવાની મજા લઇ શકો છો….


લેહ (લદ્દાખ)
લેહ એ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલું છે અને લદ્દાખના એક અમુક ચોક્કસ વિસ્તારને લેહના નામથી ઓળખવામાં આવે છે. પ્રકૃતિપ્રેમી અને પર્વતીય વિસ્તારોમાં એડવેન્ચર કરવાનો શોખ રાખતા લોકોની પહેલી પસંદગી લેહ જ હોય છે. મોટાભાગના પ્રવાસીઓ શ્રીનગર, ચંદીગઢ કે દિલ્લોથી હવાઈ માર્ગે જવાના બદલે લેહની રોડ ટ્રીપ કરવાનું પસંદ કરતાં હોય છે. લેહ જવા માટે બે અલગ અલગ રૂટ છે એક રૂટ મનાલીથી તો બીજો રૂટ શ્રીનગરથી જાય છે. પણ બંને રૂટમાંથી મનાલીથી લેહ જવાનો રસ્તો તમારી જર્નીને વધુ રોમાંચક બનાવશે. અહીં સરસમજાના પર્વતો, સુંદર નદીઓ અને ઝરણાઓ અને અલગ અલગ મોનેસ્ટ્રી જોઈ શકો છો.


નૈનીતાલ (ઉત્તરાખંડ)
લેહ બાદ આગળ વધીએ અને વાત કરીએ નૈનીતાલની. ઉત્તરાખંડનું સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે આ. નૈની શબ્દનો અર્થ આંખ અને તાલનો અર્થ ઝીલ થાય છે. અહીં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર છે. નૈનીતાલ એ ન્યુલી મેરીડ કપલ્સ માટે પણ હનીમૂન માટેની સૌથી વધુ પસંદ કરાતી જગ્યા બની ચૂકી છે. નૈનીતાલ તળાવ, નૈના ચોટી, ગવર્નર હાઉસ, ટિફિન ટોપ અને પંડિત જીબી પંત પ્રાણીસંગ્રહાલય વગેરે વગેરે નૈનીતાલના પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળો છે.

top view of famous hill station mussoorie in India

મસૂરી ( ઉત્તરાખંડ)
ઉત્તરાખંડના જ એક બીજા હિલ સ્ટેશનની વાત કરીએ. મસૂરી એ ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં આવેલું ફેમસ લોકપ્રિય હિલ સ્ટેશન છે. જો તમે મસૂરી જાઓ તો એકતરફ ઊંચા ઊંચા વૃક્ષોથી આચ્છાદિત પહાડો તો બીજી તરફ ઊંડી ખીણો તમારા ટ્રાવેલને એકદમ થ્રિલિંગ બનાવે છે. મસૂરીમાં સિઝનના પહેલાં સ્નો ફોલની મજા જ કંઈક અલગ છે. આ હિલ સ્ટેશનને પહાડોની રાણી એટલે કે ક્વીન ઓફ હિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મસૂરીમાં મોલ રોડ, કેમ્પ્ટી મોટર ફોલ, ગન હિલ, મિસ્ટ લેક વગેરે વગેરે જોવાલાયક સ્થળો છે.




શિલોંગ, (મેઘાલય)
નોર્થ ઈસ્ટની વાત કરીએ તો મેઘાલયની રાજધાની શિલોંગ ભારતના સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશનમાંથી એક છે. અહીંયા આવીને તમને કુદરતના સાંનિધ્યમાં રહેવાનો આહલાદક અનુભવ થાય છે. શિલોંગને પૂર્વ ભારતના સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિલોંગમાં સૌથી ઊંચાઈ પરથી વહેતો ધોધ જોવા મળે છે અને આ ધોધ જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવતા હોય છે. આ વોટર ફોલ ઉપરાંત શિલોંગમાં એલિફન્ટા ફોલ, શિલોંગ વ્યૂ પોઇન્ટ, લેડી હૈદરી પાર્ક, ગોલ્ફ ફોર્સ, કૈથલિક કેથેડ્રલ, આર્ચરી જોવા લાયક સ્થળો છે.


દાર્જિલિંગ, (પશ્ચિમ બંગાળ)
પહાડોની રાણી તરીકે ઓળખાતું દાર્જિલિંગ પ્રવાસીઓની ટોપ પસંદગીમાંનું એક રહ્યું છે. નવ પરિણીત યુગલ પણ હનીમૂન માટે દાર્જિલિંગ આવવાનું પસંદ કરતા હોય છે. અગાઉ દાર્જિલિંગ સિક્કિમનો એક ભાગ હતું. દાર્જીલિંગની સૌથી મોટી ખાસિયત છે કે ત્યાં ચાના બગીચાઓ છે. ધરતી પર જાણે કુદરતે લીલી ચાદર ઓઢાડી હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળે છે. દાર્જિલિંગ પોતાની ચા ના કારણે વિશ્વ વિખ્યાત છે. દાર્જિલિંગનું સૌથી મોટું આકર્ષણ છે ત્યાંની ટોય ટ્રેન. આ ટ્રેન રમણીય પહાડો અને ખીણોમાંથી પસાર થાય છે. બતસિયા લૂપથી જ્યારે ટોય ટ્રેન પસાર થાય છે ત્યારે પ્રવાસીઓને 180 ડિગ્રીએ પર્વતીય માળાઓ જોવા મળે છે. દાર્જીલિંગમાં એક બીજી જગ્યા છે ટાઈગર હિલ. અહીં જો મોસમ સાફ હોય તો પ્રવાસીઓને વિશ્વની સૌથી ઊંચી ચોંટી માઉન્ટ એવરેસ્ટ પણ જોવા મળે છે.


માથેરાન (મહારાષ્ટ્ર)
માથેરાન મહારાષ્ટ્રનું અતિરમણીય હિલ સ્ટેશન છે.મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ‘માથેરાન’ આવેલું છે. માથેરાન ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન છે. કહેવાય છે કે માથેરાન દુનિયાના એવા સ્થળોમાનું એક છે જ્યા અન્ય કોઈ પણ પ્રકારના વાહન લઈ જઈ શકાતા નથી. માથેરાન જવા માટે તમારે ટોય ટ્રેનમાં સવાર થવું પડે છે. આ ટોયટ્રેન ખત્તરનાક રસ્તાઓથી પસાર થાય છે જે તમારા પ્રવાસને વધુ યાદગાર બનાવે છે.માથેરાનમાં અન્ય વાહનો અને પ્લાસ્ટિક બેગ લઈ જવા પર પ્રતિબંધ છે જેથી ત્યા પ્રદૂષણ જોવા મળતું નથી. માથેરાનમાં સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ, મંકી પોઈન્ટ, ઈકો પોઈન્ટ એ અહીંના મુખ્ય આકર્ષણ છે. નેરળથી માથેરાન ટોય ટ્રેનમાં જવાય છે.

No comments:

Post a Comment