Search This Website

Sunday, January 23, 2022

કેનેડામાં ઠંડીમાં થીજી જતાં ગુજરાતી પટેલ પરિવારના 4 સભ્યોના મોત




કેનેડામાં બરફ નીચેથી 4 મૃતદેહ મળ્યા:કલોલના પટેલ પરિવારના મોભીએ કહ્યું, અમારો પરિવાર 4 દિવસથી ગુમ છે, 10 દિવસ પહેલાં પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો






દસ દિવસ અગાઉ દંપતી પુત્ર-પુત્રી સહિત અન્ય કપલો અમેરિકામાં ઘૂસવા રવાના થયાં હતાં
પરિવારના મોભીએ જણાવ્યું, છેલ્લા બે દિવસથી સંપર્ક થઈ શક્યો નથી


કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં દિવ્ય ભાસ્કર દ્વારા કલોલના પટેલ પરિવારના મોભી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે.


10 દિવસ પહેલાં પરિવાર કેનેડા જવા નીકળ્યો હતો.

બરફ નીચેથી મૃતદેહો મળ્યા હતા
રોયલ માઉન્ટેન પોલીસને ત્રણ મૃતદેહ બરફ નીચેથી મળ્યા હતા. જ્યાં વધુ તપાસ કરતાં વધુ એક મૃતદેહ પણ મળ્યો હતો. આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. તે સાત જેટલા શખસને બોર્ડર ક્રોસ કરાવવામાં સામેલ હોવાની સંભાવના વર્તાઈ રહી છે. બીજી તરફ, આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.



બે મહિના પહેલાં જ કલોલ રહેવા આવ્યા હતા
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. 33), પુત્રી વિહંગા(ગોપી) (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.



કેનેડા જવાનું કહીને પુત્ર નીકળ્યો હતોઃ પિતા
આ અંગે નવા ડિંગુચા ગામમાં રહેતા જગદીશભાઈના પિતા બળદેવભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની કઈ ખબર નથી અને કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી.

બનાવ અંગે સરકાર દ્વારા કોઈ માહિતી અપાઈ નથીઃ સરપંચ
આ અંગે ડિંગુચા ગામના સરપંચે જણાવ્યું હતું કે, ગામના ચાર વ્યક્તિઓ ગુમ થયા છે તેની માહિતી અમને મીડિયા દ્વારા મળી છે. પટેલ પરિવાર ડિંગુચા ગામના વતની છે તે વાત સાચી છે અને હાલ તે પરિવાર ગામમાં હાજર નથી. ભારત સરકાર, કેનેડાની સરકાર અને અમેરિકાની સરકાર દ્વારા આ પ્રકારના બનાવ અંગે કોઈ સતાવાર માહિતી આપવામાં આવી નથી, જોકે, મીડિયા દ્વારા આ બનાવની માહિતી અમને મળી છે.

ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં આ પ્રકારની ઘટનાઓ બને છેઃ નિતિન પટેલ

આ ઘટનાને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ડિંગુચાના એક પરિવારના 4 લોકો કેનેડાથી અમેરિકા જવાનો પ્રયત્ન કરતા હતા તેમના મોત થયા તે ઘટનાની જાણકારી મળી છે. અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ અને આ અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતશાહના કાર્યાલય પરથી પણ વિગતો મેળવી છે. અત્યારે જે માહિતી છે તે સંભવિત માહિતી છે ચોક્કસ નામ રેકોર્ડ પર નથી. સમગ્ર દુનિયામાંથી લોકો અમેરિકા અને કેનેડા જેવા દેશમાં રહેવા જવા માટે સતત પ્રયાસ કરે છે. આપણા કેટલાય ગુજરાતીઓ અમેરિકામાં રહે છે અને સારી રીતે નોકરી તેમજ ધંધા કરી આગળ વધી રહ્યા છે. જેને લઈ અત્યારે આપણા યુવાનો અમેરિકા જેવા દેશમાં અભ્યાસ અથવા નોકરી માટે જવા સતત પ્રયત્ન કરતા હોય છે જે માટે કેટલાક લોકો ટુંકો રસ્તો પણ અમનાવતા હોય છે અને ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે તેમાં સફળ પણ થતા હોય છે. જોકે, ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં આ પ્રકારની દુખદ ઘટનાઓ બને છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં આવા યુવાનોને વધુને વધુ વેપાર ધંધા કે નોકરીની તક મળે, તેમનો પરિવારને તેઓ સારી રીતે સુખી કરી શકે તેમના બાળકોને સારૂ શિક્ષણ આપી શકે તેવી વ્યવસ્થાઓ થાય તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ સતત પ્રયત્ન કરતી હોય છે. જોકે, હજુ પણ વધુ તકો આપડે ત્યા ઉભી થાય તો મારૂ માનવું છે કે યુવાનોને બીજા દેશોમાં જવાનું આકર્ષણ જે છે તે ઓછું થાય તેમ છે. જે માટે હજુ આપણે વધુ મહેનત કરવી પડશે. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદેસર વિદેશમાં રહે છે જે બાદ વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે. લોકોએ કાયદેસર રીતે જાવુ જોઈએ જેથી આવી ઘટના નિવારી શકાય.
આ દુર્ઘટના અસત્ય વસ્તુ હોય તેવી હું ભગવાનને પ્રાર્થના કરૂ છુંઃ સરપંચ
જ્યારે સરપંચને પુછવામાં આવ્યું કે જે ગુમ થયા છે તેના પિતા સાથે તેઓની વાત થઈ નથી તો આ અંગે તમારૂ શુ કહેવું છે ત્યારે સરપંચે જણાવ્યું કે, સાયદ નેટવર્કનો પ્રોબલેબ કે બીજો કોઈ પ્રોબલેબ હશે તે કારણથી વાત થઈ શકી ન હોય પરંતુ આ દુર્ઘટના અસત્ય વસ્તુ હોય તેવી હું ભગવાનને પ્રાર્થના કરૂ છું. વધુમાં જણાવ્યું કે, મીડિયા દ્વારા જે નામો આપવામાં આવે છે તે પ્રમાણે તો એ જ વ્યક્તિઓ હોય શકે. પરંતુ ભગવાનને મારી પ્રાર્થના છે કે આ લોકો ના હોય અને આ દુર્ઘટના અસત્ય હોય. હાલ તો સમગ્ર ગામમાં આ વાતની ખબર પડતા ગમનો માહોલ છે. ગામના ચાર વ્યક્તિ સાથે આ બનાવ બન્યો તે ખુબ દુખદ ઘટના છે.

અગાઉ જગદીશ ગાંધીનગરની કડી સ્કૂલ ખાતે નોકરી કરતાે હતો
મળેલી માહિતી મુજબ યુવક જગદીશ પટેલ અગાઉ ગાંધીનગરની કડી સ્કૂલ ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. બળદેવભાઈ સહિતનો સમગ્ર પરિવાર અગાઉ કલોલ ગ્રિનસિટી ખાતે રહેતો હતો. છેલ્લા બે મહિનાથી પરિવાર વતન ડિંગુચા રહેવા આવ્યો હતો. યુવકની દીકરી પણ કલોલની સ્કૂલમાં જ અભ્યાસ કરતી હતી. હાલ યુવકના માતા-પિતા ડિંગુચા ખાતે રહે છે.

વાતની સત્તાવાર કોઈ પુષ્ટી થઈ નથી: સરપંચ
મથુરજી ઠાકોરે કહ્યું હતું કે, જે બનાવ બન્યો તે દુ:ખદ ઘટના છે, પરંતુ હજુ સુધી કોઈ સરકાર તરફથી સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. જેથી કરીને હાલ તો ગામમાં ગુંચવાળા જેવી પરિસ્થિત છે, કારણ કે સત્તાવાર માહિતી સિવાય આ વાત કોઈ માનવા તૈયાર નથી. એટલે આ વાત ખોટી હોય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.’

No comments:

Post a Comment