IPL 2021 FINAL: ધોનીના સુપર કિંગ્સનો શાનદાર વિજય, ચોથી વખત જીતી ટ્રોફી
ચેન્નાઈ અને કોલકત્તા વચ્ચેની આજે ફાઈનલમાં ચેન્નાઈનો શાનદાર વિજય થયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રને પરાજય આપી ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી.
ચેન્નઈએ આપેલા સ્કોરને પુરો કરવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સે મજબૂત શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પાવરપ્લેમાં 55 રન જોડી દીધા હતા. ગિલ અને વેંકટેશે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.
વેંકટેશ અય્યરે આ સીઝનની ચોથી અડદી સદી ફટકારતા 51 રન બનાવ્યા હતા. અય્યર 51 રન બનાવી ચાહરનો શિકાર બન્યો હતો. શુભમન ગિલ 50 રન બનાવી આઉટ થયો હતો. નીતિશ રાણા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. સુનીલ નારાયણ બે રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. મોર્ગનની વિકેટ હેઝલવુડને મળી હતી.
દિનેશ કાર્તિક 9 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. શાકિબ અલ-હસન શૂન્ય રને જાડેજાની ઓવરમાં LBW આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી માત્ર બે રન બનાવી શક્યો હતો. શિવમ માવી 13 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈને ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પારવપ્લેમાં 50 રન જોડી દીધા હતા. ચેન્નઈને પ્રથમ ઝટકો ઈનિંગની 9મી ઓવરમાં ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. ગાયકવાડ 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે 32 રન બનાવી સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો.
ચેન્નઈના સીનિયર ઓપનર ફાફ ડુ પ્લેસિસે ચેન્નઈની ઈનિંગની કમાન સંભાળી હતી. ફાફે પ્રથમ વિકેટ માટે ગાયકવાડ સાથે 61 રન તો ઉથપ્પા સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મોઇન અલી અને ડુ પ્લેસિસે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસે 57 બોલનો સામનો કરતા 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા રોબિન ઉથપ્પાએ ચેન્નઈની ઈનિંગને ગતિ આપી હતી. ઉથપ્પાએ માત્ર 15 બોલમાં ત્રણ સિક્સ સાથે 31 રનની ઈનિંગ રમી હતી. મોઇન અલીએ પણ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 190ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. મોઇન અલી 20 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો.
No comments:
Post a Comment