Search This Website

Wednesday, July 14, 2021

રાજકોટમાં BSNLના નિવૃત્ત કર્મીએ ઓટોમેટિક મશીનથી પાણીપૂરીનો ધંધો શરૂ કર્યો, પૂરી રાખો એટલે આપોઆપ એમાં પાણી ભરાય, રોજની 1000થી 1200ની કમાણી




આજની પોઝિટિવ સ્ટોરી:રાજકોટમાં BSNLના નિવૃત્ત કર્મીએ ઓટોમેટિક મશીનથી પાણીપૂરીનો ધંધો શરૂ કર્યો, પૂરી રાખો એટલે આપોઆપ એમાં પાણી ભરાય, રોજની 1000થી 1200ની કમાણી




રંગીલા રાજકોટની રંગીલી જનતા હરવા-ફરવા અને ખાવા-પીવાની શોખીન છે. એમાંય પાણીપૂરીનું નામ પડે તો નાના-મોટા સૌકોઈનાં મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કોરોનાની મહામારીના સમય વચ્ચે રાજકોટમાં BSNLના નિવૃત્ત ફોન મિકેનિક રાજુભાઇ વાઘેલાએ ઓટોમેટિક પાણીપૂરીનું મશીન વસાવી એનો વ્યવસાય શરૂ કર્યો છે. આ મશીનમાં પૂરી રાખો એટલે આપોઆપ પાણીથી ભરાય જાય છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ શરૂ કરનારા રાજુભાઈના પાણીપૂરીના ઓટોમેટિક મશીનને જોઈને લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. હાલ તેઓ રોજની 50થી 70 પ્લેટ પાણીપૂરી વેચી રહ્યા છે. એક પ્લેટની કિંમત 20 રૂપિયા રાખી છે. ઉલ્લેખનીય છે કે પાણીપૂરીનું ઓટોમેટિક મશીન રાજકોટનું પ્રથમ મશીન હોવાનું કહેવાઈ રહ્યું છે.



જાતે મશીન બનાવી પાણીપૂરી વેચી રહ્યા છે
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અનેક ચીજવસ્તુનાં અલગ અલગ મશીનો જોવા મળી રહ્યાં છે, ત્યારે મશીનની બનાવટ માટે જાણીતા રાજકોટમાં હવે પાણીપૂરીનું ઓટોમેટિક મશીન જોવા મળ્યું છે, જેમાં પૂરીને મશીનમાં નોઝલ નીચે રાખવાથી એમાં પાણી આપોઆપ ભરાઈ જાય છે. શહેરના યુનિવર્સિટી રોડ નજીક આકાશવાણી પાસે રહેતા BSNLના નિવૃત્ત કર્મચારી રાજુભાઇ વાઘેલાએ પાણીપૂરીનો વ્યવસાય શરૂ કર્યો છે. એમાં તેમને ખાસ પાણીપૂરીમાં ઓટોમેટિક મશીન વસાવી વ્યવસાય શરૂ કર્યો છે.



ઘરઆંગણે પાણીપૂરીનો વ્યવસાય શરૂ કર્યો
રાજુભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ BSNLમાં ફોન મિકેનિક તરીકે ફરજ બજાવતા હતા, બાદમાં હાલ તેઓ VRS લઈને BSNLમાંથી સેવાનિવૃત્ત થયા છે. હાલ તેઓ નિવૃત્તિ બાદ સમય વિતાવી રહ્યા છે અને તેમણે વ્યવસાય માટે ઘરઆંગણે પાણીપૂરીનો વ્યવસાય શરૂ કર્યો છે. આ વ્યવસાયમાં પણ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીની ખાસ ધ્યાનમાં રાખી છે. તેમણે ઓટોમેટિક મશીન વસાવી પાણીપૂરીનો વ્યવસાય કર્યો છે, જેમાં લોકોને પાણી ભરીને આપવાનું રહેતું નથી. લોકો જાતે જ જરૂરિયાત મુજબ પાણી પૂરીમાં ભરી શકે છે.




મશીનમાં 6 ફ્લેવરનાં પાણી આપી શકાય છે
રાજુભાઈએ જણાવ્યું હતું કે મશીનમાં કુલ અલગ-અલગ 6 ફ્લેવરનાં પાણી ભરી શકાય છે, નોઝલ નીચે પૂરી રાખવાથી ઓટોમેટિક એમાં પાણી ભરાય જાય છે. મશીનમાં હાલ લસણ, ફુદીના, ખજૂર અને રેગ્યુલર એમ કુલ 4 ફ્લેવરથી પાણી આપવામાં આવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તેમણે આ વ્યવસાય શરૂ કર્યો છે અને એમાં તેમને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે, જેમાં મોટા ભાગે યુવાનો પાણીપૂરી ખાવા માટે આવી રહ્યા છે.




ઓટોમેટિક મશીનથી ચેપનો ભય રહેતો નથી
જ્યારે પાણીપૂરી ખાવા માટે આવતા યુવાનો પણ આસાનીથી પોતાની જાતે જરૂરિયાત મુજબ પાણી ભરી પાણીપૂરીનો સ્વાદ માણી શકે છે. લોકો પણ એવું માની રહ્યા છે કે જાતે મશીનમાંથી પાણી ભરવાથી કોઇપણ જાતના વાયરસના સંક્રમણ(ચેપ) લાગવાનો ભય તેમને સતાવતો નથી, સાથે જ સારી રીતે તેઓ પાણીપૂરીનો સ્વાદ માણી શકે છે. રાજુભાઇ વાઘેલા જ્યારે BSNLની પોતાની નોકરી પરથી નિવૃત્ત થયા ત્યારે તેમનો પગાર અંદાજિત 50,000 આસપાસ હતો અને હાલમાં તેઓ રોજબરોજ પાણીપૂરીની અંદાજે 50થી 70 પ્લેટ વેચી રહ્યાં છે, જેમાં 1 પ્લેટની કિંમત રૂપિયા 20 રાખવામાં આવી છે.


મહામારીમાં આ મશીન બેસ્ટઃ ગ્રાહક
ગ્રાહક અભયભાઇએ જણાવ્યું હતું કે હું અહીં બે-ત્રણ દિવસથી નીકળતો અને જોતો હતો કે લોકો અહીં પાણીપૂરી ખાય છે, એટલે અહીં આવીને જોયું તો સેન્સર ટાઇપનું મશીન જોવા મળ્યું. આ મશીનમાં પૂરી નીચે રાખીએ તો પાણી ઓટોમેટિક બહાર આવે છે. મેં પણ પાણીપૂરીનો સ્વાદ માણ્યો અને મને જીભે લાગ્યો છે. કોરોના મહામારી માટે આ મશીન બેસ્ટ છે, કારણ કે આ મશીનથી ક્યાંય ટચ કરવાનું થાતું નથી અને એમાં પણ ડિસ્પોઝેબલ ડિશ છે, એટલે એક વખત જ આપણે એનો યુઝ કરી શકીએ છીએ.

No comments:

Post a Comment