રસીકરણ પછી પણ કોરોનાના કેસ માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર
આઈસીએમઆરના સરવેનું તારણરસી લીધા પછી કોરોના થતાં માત્ર ૯.૮ ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૬
કોરોના વિરોધી રસી લેવા છતાં કોરોનાની ઝપેટમાં આવનારા મોટાભાગના કેસોમાં ચેપનું કારણ કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ છે. જોકે, આવા કેસોમાંથી માત્ર ૯.૮ ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર પડી છે તથા મૃત્યુદર પણ ૦.૪ ટકા જેટલો નીચો રહ્યો છે તેમ આઈસીએમઆરના એક સરવે પરથી જણાયું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ભારતીય તબીબી સંશોધન પરિષદ - આઈસીએમઆર)ના એક નવા અભ્યાસમાં જણાયું છે કે રસીકરણ પછી ચેપ થવાને 'બ્રેકથૂ્ર ઈન્ફેક્શન' કહેવાય છે. ભારતમાં 'બ્રેકથૂ્ર ઈન્ફેક્શન' એટલે કે રસીકરણ પછી થયેલા કોરોનાના કેસની તપાસનો આ સૌથી મોટો અને પહેલો રાષ્ટ્રવ્યાપી સરવે છે. આ સરવેના વિશ્લેષણ પરથી જણાયું છે કે રસી લીધા પછી પણ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર ઓછી પડે છે અને ચેપથી મોતની સંભાવના બહુ ઓછી છે. અભ્યાસમાં કહેવાયું છે કે કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે રસીકરણ અભિયાન વધારવું અને લોકોને વહેલી તકે રસી આપવી સૌથી મહત્વપૂર્ણ રણનીતિ હશે. તેનાથી દેશમાં હોસ્પિટલો પરનું ભારણ પણ ઘટશે.
આ અભ્યાસમાં સાર્સ-સીઓવી-૨ના બે નવા સ્વરૃપ ડેલ્ટા 'એવાય.૧' અને 'એવાય.૨'ની પણ ઓળખ થઈ હતી.આઈસીએમઆરે કોરોનાની રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સીનના એક અથવા બંને ડોઝ લીધા પછી કોરોનાનો ભોગ બનનારા ૬૭૭ લોકોના નમૂના એકત્રીત કર્યા હતા. આ નમૂના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લેવાયા હતા. અભ્યાસમાં જણાયું કે મોટાભાગના આવા કેસ (૮૬.૦૯ ટકા)માં ચેપનું કારણ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હતો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આવા કેસનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ છે, પરંતુ ઉત્તર ભારતમાં કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ વધુ ફેલાયો છે.
No comments:
Post a Comment