Search This Website

Tuesday, July 13, 2021

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને પ્રજા ગંભીરતાથી લે : સરકાર




 😷કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને પ્રજા ગંભીરતાથી લે : સરકાર

પ્રવાસન સ્થળે કોરોના પ્રોટોકોલ તોડી સર્જાયેલા લોકોના ટોળાથી સરકાર ચિંતિત
દેશમાં લોકો કોરોનાની ત્રીજી લહેરને હવામાનની ચેતવણી અંગે વાત કરતા હોય તેટલી હળવાશથી લે છે જે યોગ્ય નથી : કેન્દ્ર




દેશ કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ બેઠો થયો છે ત્યારે કોરોનાના પ્રોટોકોલ તોડીને હિલ સ્ટેશનો, પ્રવાસન સ્થળો પર ભેગા થયેલા લોકોના ટોળાએ સરકારની ચિંતા વધારી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિલસ્ટેશનો અને બજારોમાં માસ્ક વિના ફરતા લોકોના ટોળા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કોરોનાની ત્રીજી લહેર ટાળવા લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે ભારપૂર્વક કહ્યું કે લોકોએ કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને ગંભીરતાથી લેવી જોઈએ અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ. દરમિયાન કોરોનાથી વધુ ૨,૦૨૦ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪.૧૦ લાખને પાર થયો હતો જ્યારે કોરોનાના ૩૧,૪૪૩ નવા કેસ નોંધાયા હતા, જે ૧૧૮ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે કુલ કેસ ૩.૦૯ કરોડ થયા છે.

કોરોના મહામારીની બીજી લહેર ઓછી થતાં રાજ્ય સરકારોએ દૂર કરેલા લોકડાઉન અને હળવા કરેલા નિયંત્રણોનો લાભ લઈને લોકો ફરવા માટે હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર ટોળે વળવા લાગ્યા છે. જોકે, દેશમાંથી કોરોના હજી ખતમ થયો નથી અને સરકાર તથા નિષ્ણાતો કોરોનાની ત્રીજી લહેર અંગે વારંવાર ચેતવણી આપી રહ્યા છે. જોકે, લોકો સરકારની ત્રીજી લહેરની ચેતવણીને 'હવામાન એલર્ટ'ની જેમ હળવાશથી લે છે તે યોગ્ય નથી તેમ મંગળવારે નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડૉ. વી.કે. પૌલે જણાવ્યું હતું. તેમણે લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલાનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે અને ભારતમાં તેની અસર ન થાય તે માટે લોકોએ કાળજી રાખવી જોઈએ. વાતાવરણ કરતાં આપણી વર્તણૂક ત્રીજી લહેર લાવશે. આપણે ત્રીજી લહેર ટાળવા માટે કોરોના પ્રોટોકોલની વર્તણૂકનું પાલન કરવું પડશે.

દિલ્હીમાં સદર બજાર અને જનપથ બજાર, ચેન્નઈમાં રંગનાથન સ્ટ્રીટ, તામિલનાડુમાં વિલારિપટ્ટિ, ચંડીગઢમાં સુખના તળાવ અને મહારાષ્ટ્રમાં ભુશિ ડેમ તેમજ હિલ સ્ટેશનમાં માસ્ક વિના ફરતા લોકો અથવા સોશિયલ ડિસ્ટન્સની અવગણના કરતા ટોળાના દૃશ્યો ચિંતાજનક છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ મંગળવારે પૂર્વોત્તરના આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી અને કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સાવધ રહેવા વિનંતી કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર અટકાવવા માટે માઈક્રો સ્તરે કામ કરવું પડશે. વડાપ્રધાને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાની સ્થિતિ અંગે ૧૬મી જુલાઈએ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારે અગાઉ પણ ચેતવણી આપી હતી કે કોરોનાની બીજી લહેર હજી ખતમ થઈ નથી. એક્ટિવ કેસ અને દૈનિક નવા કેસમાં ઘટાડો આવ્યો છે, રીકવરી રેટ વધ્યો છે અને કેસ મર્યાદિત થયા છે. પરંતુ બ્રિટન, રશિયા, બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયા જેવા દેશો સહિત વૈશ્વિક સ્તરે કોરોનાના કેસમાં વધારો થયો છે. ભારતમાં પણ તાજેતરમાં મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં કેસ વધ્યા હોવાનું જોવા મળ્યું છે.

દરમિયાન દેશમાં મંગળવારે એક દિવસમાં કોરોનાથી ૨,૦૨૦ના મોત થયા છે. જોકે, મધ્ય પ્રદેશે મોતના પાછળના આંકડાઓનો ઉમેરો કરતાં મંગળવારે મોતના આંકડામાં જંગી વધારો જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશે મંગળવારે ૧,૪૮૧નાં મોત નોંધાવ્યા હતા. કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૪.૩૧ લાખ થયા છે, જે કોરોનાના કુલ કેસના ૧.૪૦ ટકા જેટલા છે. રાષ્ટ્રીય સ્તરે રીકવરી રેટ વધીને ૯૭.૨૮ ટકા થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૧.૮૧ ટકા થયો છે. છેલ્લા ૨૨ દિવસથી તે ત્રણ ટકાથી ઓછો છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૮.૧૪ કરોડ ડોઝ અપાયા છે.

ઉત્તરાખંડમાં કાવડ યાત્રા રદ, યુપીમાં ચાલુ રહેશે

દહેરાદુન,

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે ઉત્તરાખંડની પુષ્કરસિંહ ધામી સરકારે આ વર્ષે યોજાનારી કાવડ યાત્રા રદ કરી દીધી છે. જોકે, ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા ચાલુ રહેશે. મુખ્યમંત્રી બન્યા પછી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડના વાર્ષિક ધાર્મિક તીર્થયાત્રાઓ અંગે પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરાખંડ સરકારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રા રદ કરી દીધી છે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે આ લાખો લોકની આસ્થાની વાત છે. પરંતુ અમે કોઈનું જીવન જોખમમાં મૂકવા માગતા નથી.લોકોનું જીવન બચાવવું એ અમારી પ્રાથમિક્તા છે. યાત્રાના કારણે કોઈએ જીવ ગુમાવવો પડશે તો તે ભગવાન પણ પસંદ નહીં કરે.

No comments:

Post a Comment