Search This Website

Tuesday, July 13, 2021

શિક્ષકોના પડતર પ્રશ્નોના મામલે મહામંડળ આંદોલનમાં શું શું કરશે ?




શિક્ષકોના પડતર પ્રશ્નોના મામલે મહામંડળ આંદોલનમાં શું શું કરશે ?






ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઘટક મહામંડળો સાથે રહી આંદોલન કરવાનો નિર્ણય

મહામંડળો દ્વારા ત્રણ તબક્કામાં આંદોલન કરવાની કરાયેલી જાહેરાત

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોના પડતર પ્રશ્નો હજુ સુધી ઉકેલાયા ન હોવાથી ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા ત્રણ તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. ત્રણ તબક્કામાં યોજાનારા આંદોલનના પ્રથમ તબક્કામાં 20 જુલાઈના રોજ મંત્રી, સંસદસભ્ય, ધારાસભ્ય અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે. જ્યારે બીજા તબક્કામાં મૌન ધારણ કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં ગાંધીનગર ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે.

રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબતે, સાતમા પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા માટે કરેલી જાહેરાત છતાં છેલ્લા ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચુકવાયેલા નથી, તે ચુકવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત બિનશરતી ફાજલ કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાનજક મુદ્દાઓ દુર કરવા માટે અને સીપીએફ અને વર્ધિત પેન્શન યોજના નાબુદ કરી જીપીએફ અને જુની પેન્શન યોજનાના અમલ કરવા માટે રજુઆત કરાઈ હતી.

આ તમામ મુદ્દાઓને લઈને માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં હજુ સુધી તેમની રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ રજૂઆતોને લઈને સંઘ દ્વારા માર્ચ-2019માં લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષાની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. જોકે, જે તે વખતે સમાધાન થતાં શિક્ષકો કામગીરી પર હાજર થયા હતા. સમાધાન વખતે થયેલી જાહેરાતો અને અગાઉની પડતર રજૂઆતો મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઘટક મહામંડળો સાથે રહી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંદોલનના કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં જિલ્લા, તાલુકા, શહેર ઘટક સંયુક્ત સંઘોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા શિક્ષક કર્મચારીઓ 20 જુલાઈને મંગળવારના રોજ શાળા સમય પછી કોવિડ-19ની ગાઈડ લાઈનના અમલ સાથે મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપશે. બીજા તબક્કામાં શાળા સમય પછી જિલ્લા મથકે પડતર પ્રશ્નોના સ્લોગન અને બેનર સાથે મૌન ધારણ કરવામાં આવશે. આમ, છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ત્રીજા તબક્કામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નોના સ્લોગન અને બેનર સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. હાલમાં મંડળ દ્વારા પ્રથમ તબક્કાના કાર્યક્રમની તારીખ જ જાહેર કરવામાં આવી છે. બીજા અને ત્રીજા તબક્કાના કાર્યક્રમની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

No comments:

Post a Comment