રાજસ્થાનના શ્રીયંશે જૂનાં જૂતાંથી સર્જ્યો 3 કરોડ રૂ.નો કારોબાર; 50 લોકોને નોકરી આપી, 4 લાખથી વધુ ચપ્પલ દાન પણ કરી ચૂક્યા છે.
ઘણીવાર આપણે જૂનાં જૂતાં પહેરવાનું છોડી દઈએ છીએ અથવા એને કચરામાં ફેંકી દઈએ છીએ. એક રિપોર્ટ અનુસાર, લગભગ 35 અબજ જૂનાં જૂતાં દર વર્ષે ફેંકી દેવામાં આવે છે, જ્યારે 1.5 અબજ લોકોને ખુલ્લા પગે રહેવું પડે છે, તેમને જૂતાં કે ચપ્પલ નસીબમાં હોતાં નથી.
રાજસ્થાનના રહેવાસી શ્રીયંશ ભંડારી અને ઉત્તરાખંડના રહેવાસી રમેશ ધામીએ આ બંને સમસ્યાઓથી બચવા માટે એક પહેલ કરી છે. બંને મિત્રો મળીને જૂનાં જૂતાંમાંથી નવાં જૂતાં અને ચપ્પલ તૈયાર કરી રહ્યા છે. દેશભરમાં તેમના જૂતાંની ડિમાન્ડ છે. અનેક મોટી કંપનીઓ માટે પણ તેઓ જૂતાં બનાવી રહ્યા છે. એનાથી તેઓ વર્ષે 3 કરોડ રૂપિયાનો કારોબાર કરી રહ્યા છે. આ સાથે ગરીબોને મફત ચપ્પલ વહેંચવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે.
મિત્રએ જૂનાં જૂતાંમાંથી તૈયાર કર્યા નવાં જૂતાં, તો આવ્યો આઈડિયા
26 વર્ષના શ્રીયંશ રાજસ્થાનના ઉદયપુરથી આવે છે. તેઓ સ્ટેટ લેવલના એથ્લીટ પણ રહી ચૂક્યા છે, જ્યારે રમેશ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લાના રહેવાસી છે. બંનેની દોસ્તી મુંબઈમાં થઈ, જ્યાં તેઓ મેરેથોનની ટ્રેનિંગ લેવા માટે આવતા હતા.
વર્ષ 2015ની વાત છે. શ્રીયંશ મુંબઈના જયહિન્દ કોલેજથી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. એક દિવસ રનિંગ દરમિયાન તેમણે જોયું કે રમેશ જૂનાં જૂતાંને નવાં બનાવીને પહેરે છે. શ્રીયંશને આ આઈડિયા સારો લાગ્યો, કેમ કે એથ્લીટ્સનાં જૂતાં મોંઘા આવે છે અને ઘણીવાર થોડા સમયમાં ખરાબ પણ થઈ જાય છે. એવામાં તેમને વારંવાર બદલવાં પડે છે. જો આ જૂતાંને ફરીથી પહેરવાલાયક બનાવી દેવામાં આવે તો પૈસાની બચત થશે.
આ વિચાર સાથે શ્રીયંશ અને રમેશે આ આઈડિયા પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે જૂનાં જૂતાંમાંથી કેટલાંક સેમ્પલ તૈયાર કર્યાં અને અમદાવાદમાં એક પ્રદર્શનમાં સામેલ થયા. નસીબ સારું રહ્યું અને તેમનાં સેમ્પલનું સિલેક્શન પણ થઈ ગયું. એ પછી શ્રીયંશ અને રમેશને લાગ્યું કે આ કામને આગળ વધારવું જોઈએ. તેમણે મુંબઈમાં ઠક્કરબાપા કોલોનીમાં સ્થિત એક જૂતાં બનાવતા નાના યુનિટનો કોન્ટેક્ટ કર્યો. તેમણે પોતાની ડિમાન્ડ જણાવી અને કેટલાક પ્રોટોટાઈપ તૈયાર કરાવ્યા. એ પછી અન્ય બે કોમ્પિટિશન તેઓ જીત્યા અને લગભગ 5 લાખ રૂપિયા કમાયા.
શ્રીયંશ કહે છે ત્યારે એક-બે અખબારમાં અમારા કામ વિશે સમાચાર છપાયા હતા. આથઈ પરિવારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા હતા. અમે પરિવાર પાસેથી 5-5 લાખ ઈનામની રકમ મેળવીને 10 લાખ રૂપિયાથી 2016માં મુંબઈમાં અમારા બિઝનેસની શરૂઆત કરી. ગ્રીન સોલ નામથી કંપની રજિસ્ટર કરાવી. કામ કરવા માટે ભાડા પર એક ઓફિસ લીધી, કારીગર રાખ્યા અને કેટલાક પ્રોટોટાઈપ ખરીદી લીધા.
શ્રીયંશ કહે છે, અમે શરૂઆતમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડથી ખેલાડીઓનાં જૂનાં જૂતાં કલેક્ટ કરી લાવતા હતા અને તેમાંથી નવાં જૂતાં તૈયાર કરતા હતા. પછી એને અલગ-અલગ શહેરોમાં લોકોને મોકલવામાં આવતાં હતાં. એ પછી અમે એક્ઝિબિશનમાં પણ સામેલ થવા લાગ્યા. અમને અહીં પણ સારો રિસ્પોન્સ મળ્યો. એ પછી અમે ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા એનું માર્કેટિંગ કરવા લાગ્યા.
તેઓ કહે છે, અમારો કોન્સેપ્ટ થોડો અલગ હતો, આથી મોટી કંપનીઓને પણ અમારો આઈડિયા પસંદ આવ્યો. અમે તેમની ડિમાંડ અનુસાર તેમના માટે જૂતાં તૈયાર કરવા લાગ્યા. આ રીતે અમે આગળ વધતા રહ્યા. ધીમે ધીમે કોર્પોરેટ કસ્ટમર વધવા લાગ્યા. હાલ અમારી પાસે 65થી વધુ એવા કોર્પોરેટ કસ્ટમર જોડાયા છે.
4 લાખથી વધુ જૂનાં જૂતાં રિસાઇકલ્ડ કરી ચૂક્યાં છે
શ્રીયંશ કહે છે, અત્યારસુધી અમે લોકો 4 લાખથી વધુ જૂનાં અને ખરાબ જૂતાં રિસાઇકલ કરી ચૂક્યા છીએ. દર વર્ષે અમારો આંકડો વધતો રહ્યો છે. જોકે કોરોનાને કારણે અમારી ઝડપ ઓછી થઈ છે. કલેક્શન સેન્ટર પર લોકો વધુ જૂતાં પહોંચાડી શકતા નથી. આશા છે કે હવે ફરી એનો વ્યાપ વધશે. ફંડિંગ અંગે શ્રીયંશ કહે છે, અમને શરૂઆતથી જ સારો રિસ્પોન્સ મળ્યો, આથી પૈસાની ક્યારેય મુશ્કેલી થઈ નથી. અનેક મોટી કંપનીઓ અમને સ્પોન્સરશિપ પણ આપે છે, એનાથી ઘણો સપોર્ટ મળી જાય છે.
ક્યાંથી કલેક્ટ કરીએ છીએ જૂનાં જૂતાં?
શ્રીયંશ કહે છે, અમે અનેક લેવલ પર જૂતાં કલેક્ટ કરીએ છીએ. એમાં પર્સનલ લેવલથી લઈને કોર્પોરેટ લેવલ પર પણ કલેક્શનનું કામ થાય છે. અનેક સ્કૂલ-કોલેજ પણ અમારી સાથે જોડાયેલી છે. તેઓ પોતાના સ્ટુડન્ટ્સનાં જૂનાં જૂતાં અમને આપે છે. અમે તેમને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપીને જૂતાં અમારા યુનિટ પર મગાવી લઈએ છીએ. કેટલાક સોશિયલ ઓર્ગેનાઈઝેશન અને NGO પણ અમને જૂતાં કલેક્ટ કરીને મોકલે છે. આ રીતે કેટલીક મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓનાં જૂનાં જૂતાંને એકત્ર કરીને અમને મોકલે છે.
એટલું જ નહીં, જૂતાં વેચતી અનેક મોટી કંપનીઓ અમારી સાથે જોડાયેલી છે. તેઓ પોતાનાં જૂનાં અને ખરાબ જૂતાં અમને મોકલે છે. અમે લોકો તેમને નવાં જૂતાં તૈયાર કરીને તેમને મોકલીએ છીએ. તેના માટે પ્રત્યેક જૂતા પર 200 રૂપિયા અમારો ચાર્જ લઈએ છીએ.
આ ઉપરાંત પર્સનલ લેવલ પર પણ લોકો પોતાનાં જૂતાં મોકલી શકે છે. આ માટે તેઓ અમારા કલેક્શન સેન્ટરની મુલાકાત કરી શકે છે કે કુરિયરના માધ્યમથી મોકલી શકે છે. હાલ મુંબઈ અને ઝારખંડમાં અમારાં કલેક્શન સેન્ટર છે.
કેવી રીતે તૈયાર કરે છે જૂતાં?
શ્રીયંશની ટીમમાં હાલ 50 લોકો કામ કરે છે. એમાંથી કેટલાક લોકો માર્કેટિંગ સાથે જોડાયેલા છે અને કેટલાક લોકો મેન્યુફેક્ચરિંગ સાથે. તેઓ કહે છે, નવાં જૂતાં તૈયાર કરવા માટે અમે લોકો જૂનાં જૂતાંને તેમની ક્વોલિટીના હિસાબે અલગ-અલગ કેટેગરીમાં વહેંચીએ છીએ. એ પછી સોલ અને ઉપરનો પાર્ટ અલગ કરી લઈએ છીએ. એ પછી પ્રોસેસ કરીને એક સ્ટાન્ડર્ડ સોલ તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઉપરના ભાગને પણ પ્રોસેસ કરીને નવેસરથી તૈયાર કરીએ છીએ. એ પછી એથી નવાં જૂતાં તૈયાર કરીએ છીએ.
આ રીતે જે જૂતાંમાંથી નવાં જૂતાં ન બની શકે એ અમે ચપ્પલ બનાવીએ છીએ. ક્વોલિટી અને વરાઇટી અનુસાર એ અલગ-અલગ હોય છે. બિઝનેસની સાથે શ્રીયંશ અને રમેશ એ લોકોને મફતમાં ચપ્પલ વહેંચવાનું અભિયાન પણ ચલાવે છે, જેઓ ગરીબ છે, જે નવાં ચપ્પલો અને જૂતાં ખરીદી શકતા નથી. અત્યારસુધીમાં 4 લાખથી વધુ લોકોને તેઓ ચપ્પલ ડોનેટ કરી ચૂક્યા છે.
માર્કેટિંગ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી?
શ્રીયંશ કહે છે, શરૂઆતમાં અમે સોશિયલ મીડિયા અને એક્ઝિબિશનની મદદ લીધી. સ્પોર્ટ્સ ગ્રુપ અને ખેલાડીઓ સાથે વાત કરી, તેમને જૂતાં ઉપલબ્ધ કરાવ્યાં. એ પછી અમારી સાથે કોર્પોરેટ કસ્ટમર્સ જોડાતા ગયા. એ પછી અમે ઓનલાઈન માર્કેટિંગની શરૂઆત કરી. પોતાની વેબસાઈટ બનાવી, અમેઝોન અને ફ્લિપકાર્ડ જેવાં પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી. એનાથી અમારું વેચાણ ઘણું સારું થવા લાગ્યું. ઓફલાઈન લેવલ પર અમે દેશનાં અલગ અલગ શહેરોમાં પોતાના રિટેલર્સ રાખ્યા છે, અનેક લોકોએ ડીલરશિપ પણ લઈ રાખી છે.
માર્કેટિંગ સ્ટ્રેટેજીને લઈને શ્રીયંશ કહે છે, અમે સોશિયલ મીડિયા પર પેઈડ એડ રન કરાવી, ગૂગલ પર પણ કેટલીક જાહેરાત આપી. એની સાથે જ અમે સેલિબ્રિટી પ્રમોશનનો ઉપયોગ કર્યો. અમે મોટા મોટા સેલિબ્રિટીને ગિફ્ટ તરીકે જૂતાં મોકલીએ છીએ, તેઓ અમારી પ્રોડક્ટની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ. એનાથી લોકોને સારો રિસ્પોન્સ મળે છે.
No comments:
Post a Comment