Search This Website

Wednesday, July 14, 2021

લોકડાઉનમાં દુબઈની નોકરી છૂટી તો પત્ની સાથે ઝૂંપડીમાં મશરૂમની ખેતી શરૂ કરી, હવે દર મહિને 2.5 લાખની કમાણી.




આજના પોઝિટિવ સમાચાર:લોકડાઉનમાં દુબઈની નોકરી છૂટી તો પત્ની સાથે ઝૂંપડીમાં મશરૂમની ખેતી શરૂ કરી, હવે દર મહિને 2.5 લાખની કમાણી.





કોરોનાના કહેરામાં લાખોના મોત તો થયા પણ સાથે જ મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી. અનેક લોકોનાં ધંધા બંધ થઈ ગયા તો અનેક લોકોને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા. ઉત્તરાખંડના પૌડી જિલ્લાના રહેવાસી સતિન્દર રાવત પણ આમાંના એક છે. તેઓ દુબઈમાં એક ખાનગી કંપનીમાં મેનેજર હતા. સારો એવો પગાર હતો. એપ્રિલ 2020માં લોકડાઉનના કારણે તેમની નોકરી જતી રહી. તેના પછી તેઓ પરત ગામમાં આવી ગયા અને પત્નીની સાથે મળીને મશરૂમની ખેતી શરૂ કરી. અત્યારે તેઓ દર મહિને તેનાથી 2.5 લાખની કમાણી કરી રહ્યા છે. તેમણે 10 એવા લોકોને પણ રોજગારી સાથે જોડ્યા છે જેમની નોકરી કોરોનાના કારણે ગઈ છે.

45 વર્ષના સતિન્દરનો રિટેલ માર્કેટિંગમાં સારો અનુભવ રહ્યો છે. લગભગ 20 વર્ષ સુધી તેમણે આ ફિલ્ડમાં કામ કર્યુ છે. અગાઉ ભારતમાં અને પછી તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા. જ્યારે તેમના પત્ની સપનાએ બાયોલોજી સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.



અગાઉ નહોતી ખેતીની કોઈ જાણકારી
સતિન્દર કહે છે કે અગાઉ અમારો કોઈ બિઝનેસ પ્લાન નહોતો. ખેતી સાથે તો ખાસ લગાવ પણ નહોતો. જ્યારે એપ્રિલમાં કંપની તરફથી નોટિસ મળી તો અમે કરિયર અંગે આગળનો પ્લાન કરવાનું શરૂ કરી દીધું. મારી પત્નીની રૂચિ ફાર્મિંગમાં હતી, આથી અમે નક્કી કર્યુ કે ગામમાં આવીને ખેતી કરીશું.

જૂન-જુલાઈમાં સતિન્દર ગામમાં આવ્યા. અહીં આવીને તેમણે બિઝનેસ પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું. અલગ અલગ લોકોને મળ્યા. સપનાના પિતાજી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં રહ્યા હતા તો તેમની પણ સલાહ લીધી. તેના પછી તેમણે મશરૂમની ખેતીનો પ્લાન કર્યો. કેમકે તેઓ પારંપરિક ખેતી ન કરીને એવી ખેતી કરવા માગતા હતા કે જેનાથી ઓછા સમયમાં સારો નફો થઈ શકે અને બીજા લોકો માટે રોજગારીની તકો પણ મળી શકે.





ઝૂંપડીમાં મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યુ જેથી ખર્ચ ઓછો થાય
સતિન્દરે રામનગરના એક ખેડૂત પાસેથી મશરૂમ ફાર્મિંગની ટ્રેનિંગ લીધી. તેનાથી મશરૂમ ઉગાડવા અને ખાતર તૈયાર કરવાની પ્રોસેસ શીખી. તેના પછી સપ્ટેમ્બર 2020માં તેમણે લીઝ પર 1.5 એકર જમીન લીધી અને મશરૂમની ખેતીની શરૂઆત કરી. તેના માટે તેમણે પાકા ઘર બનાવવાના બદલે ઝૂંપડી એટલે કે હટ મોડેલ પર કામ કરવાનું શરૂ કર્યુ. જેથી ઓછા બજેટમાં અને ગામોમાં પણ આસાનીથી તે કરી શકાય. બીજા ખેડૂતો પણ આ મોડેલથી ખેતી કરી શકે.
સતિન્દરે બે ઝૂંપડી એટલે કે હટ લગાવી છે. જાન્યુઆરીમાં તેમણે પ્રથમવાર પ્લાન્ટિંગ કર્યુ. બે મહિના પછી એટલે કે માર્ચથી મશરૂમ નીકળવાના શરૂ થયા. તેના પછી તેમણે લોકલ બજારોની સાથે મોટી હોટેલ અને રેસ્ટોરાંવાળાઓને સપ્લાઈ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે લગભગ તેમને 6 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. અત્યારે તેઓ બે પ્રકારના એટલે કે બટન મશરૂમ અને ઓઈસ્ટર મશરૂમની ખેતી કરી રહ્યા છે. લગભગ 2.5 ટન મશરૂમનું માર્કેટિંગ તેમણે કર્યું છે.

માર્કેટિંગ માટે હાલમાં તેઓ સોશિયલ મીડિયા અને લોકલ રિટેલર્સની મદદ લઈ રહ્યા છે. તેમણે પોતાની કંપનીનું નામ શ્રીહરી એગ્રોટેક રાખ્યું છે. જેના દ્વારા ઉત્તરાખંડની બહાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન પણ પોતાના મશરૂમ મોકલી રહ્યા છે. લોકલ લેવલ પર તેઓ બજારો અને રેસ્ટોરાંને સપ્લાઈ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પણ માર્કેટિંગ કરશે. લગભગ 10 લોકોને તેમણે રોજગારી પણ આપી છે. તેની સાથે જ ઝૂંપડી પાસે ખાલી પડેલી જમીનમાં તેમણે શાકભાજીની ખેતી શરૂ કરી છે. આગામી થોડા દિવસમાં પ્રોડક્ટ્સ નીકળવાનું પણ શરૂ થઈ જશે.



મશરૂમની ખેતી કેવી રીતે કરવી?

સતિન્દર કહે છે કે મશરૂમની ખેતી તમે ઝૂંપડી બનાવીને અથવા પોતાના ઘરમાં પણ કરી શકો છો. તેના માટે 15થી 20 ડિગ્રીનું ટેમ્પરેચર હોવું જોઈએ. જો ગરમી વધુ હોય તો AC લગાવી શકાય છે. અલગ અલગ વેરાઈટી માટે અલગ ટેમ્પરેચરની જરૂર રહે છે. આની ખેતી માટે સૌપ્રથમ આપણે ખાતરની જરૂર પડે છે. ખાતર બનાવવા માટે ઘઊંનું ભુસું, ચોખા, સલ્ફર નાઈટ્રેટ, જિપ્સમ, મરઘીનું ખાતર અને ગોળની જરૂર પડે છે. આ બધાને મેળવીને સિમેન્ટના બનેલા બેડ પર પાથરી દેવાય છે. એક બેડની લંબાઈ અને ઊંચાઈ બંને પાંચ ફૂટની હોવી જોઈએ. તેના પછી તેમાં પાણી મેળવવામાં આવે છે. લગભગ 30 દિવસ પછી ખાતર સૂકાઈને તૈયાર થઈ જાય છે.

ખાતર તૈયાર થયા પછી તેમાં મશરૂમના બીજને મેળવી દેવામાં આવે છે. એક ક્વિન્ટલ ખાતર માટે એક કિલો બીજની જરૂર હોય છે. તેના પછી તેને પોલી બેગમાં પેક કરીને ઝૂંપડી કે રૂમમાં રાખી દેવાય છે અને દરવાજાને સારી રીતે બંધ કરી દેવામાં આવે છે જેથી હવા અંદર બહાર ન નીકળી શકે. લગભગ 15 દિવસ પછી પોલી બેગ ખોલી દેવાય છે. તેમાં બીજું ખાતર એટલે કે નારિયેળ પિટ્સ અને ધાનના બળેલા ભૂંસા મેળવવામાં આવે છે. પછી ઉપરથી દરરોજ હળવી માત્રામાં પાણી નાખવામાં આવે છે. લગભગ 2 મહિના પછી આ બેગથી મશરૂમ નીકળવા લાગે છે. એક બેગથી લગભગ 2થી 3 કિલો સુધી મશરૂમ નીકળે છે.





ક્યાંથી લઈ શકાય છે તેની ટ્રેનિંગ?

દેશમાં અનેક એવી સંસ્થાઓ છે જ્યાં મશરૂમની ખેતીની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેના માટે સર્ટિફિકેટ અને ડિપ્લોમા લેવલનો કોર્સ થાય છે. તમે ICMR-ખુમ્બ સંશોધન ડિરેક્ટોરેટ, સોલનથી તેની ટ્રેનિંગ લઈ શકાય છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં કેટલીક સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓ છે. જ્યાં તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસેથી આ મામલે જાણકારી મેળવી શકાય છે. આ સાથે જ અનેક ખેડૂતો વ્યક્તિગત રીતે પણ તેની ટ્રેનિંગ આપે છે. અનેક લોકો ઈન્ટરનેટ દ્વારા પણ જાણકારી હાંસલ કરે છે.



વર્ષે 8થી 10 લાખ રૂપિયાની કમાણી આસાનીથી કરી શકે છે.
સતિન્દરના પ્રમાણે મશરૂમની ખેતીથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સારો નફો મેળવી શકાય છે. જો તમારી પાસે અગાઉથી કોઈ પાકા બાંધકામનું ઘર છે તો સારૂં છે, નહીં તો તમે પણ ઝૂંપડી મોડેલ અપનાવી શકો છો. તેમાં ખર્ચ ઓછો આવશે. તેના પછી ખાતર તૈયાર કરવા અને મશરૂમના બીજનો ખર્ચ આવશે. પછી મેઈન્ટેનન્સમાં પણ થોડા પૈસા લાગશે. બધુ મળીને 3થી 4 લાખ રૂપિયામાં નાના પાયે મશરૂમની ખેતીની શરૂઆત કરી શકાય છે.

સતિન્દરના અનુસાર એક વર્ષમાં ત્રણ વાર ઉપજનો લાભ લઈ શકાય છે. એટલે કે 8થી 10 લાખ રૂપિયાની કમાણી આસાનીથી કરી શકાય છે. જો તમે મોટા શહેરોમાં પોતાની પ્રોડક્ટ મોકલી શકતા નથી તો કેટલીક હોટેલો અને રેસ્ટોરાંવાળાઓ સાથે ડીલ કરી શકાય છે. તેમને મશરૂમની સારી એવી ડિમાંડ રહે છે. આજકાલ મોટા પાયે મશરૂમનું પ્રોસેસિંગ પણ કરવામાં આવે છે અને નવી નવી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તેનાથી પણ સારી એવી કમાણી થઈ જાય છે.

મિલિટરી મશરૂમ પણ અજમાવી શકો છો, કમાણીનો ભરપૂર સ્કોપ છે.
મિલિટરી મશરૂમ એક મેડિસિનલ પ્રોડક્ટ છે. આ પહાડી વિસ્તારોમાં નેચરલી મળી આવે છે. ચીન, ભૂટાન, તિબેટ, થાઈલેન્ડ જેવા દેશોમાં તેની ખેતી થાય છે. તેને ‘કિડા જડી’ પણ કહે છે. મિલિટરી મશરૂમ હેલ્થ માટે ઘણું લાભપ્રદ હોય છે. આ હાઈ એનર્જેટિક હોય છે. એથલીટ્સ અને જિમમાં જનારા લોકો મોટાપાયે તેનો ઉપયોગ કરે છે. એક કિલો મશરૂમ તૈયાર કરવામાં 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તેને બે લાખ રૂપિયાના ભાવે વેચી શકાય છે. એટલે કે પ્રતિ કિલો મશરૂમ પર સવા લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે.

No comments:

Post a Comment