Search This Website

Thursday, July 15, 2021

ખુદ્દારીની વાત:ધો.12 પછી અભ્યાસ છૂટ્યો, પિઝા ડિલિવરીનું કામ કર્યુ, રસ્તા પર સ્ટોલ લગાવ્યો; આજે કરોડોની કંપનીના માલિક છે




ખુદ્દારીની વાત:ધો.12 પછી અભ્યાસ છૂટ્યો, પિઝા ડિલિવરીનું કામ કર્યુ, રસ્તા પર સ્ટોલ લગાવ્યો; આજે કરોડોની કંપનીના માલિક છે.


દિલ્હીના રહેવાસી સુનીલ વશિષ્ઠ, અત્યંત ગરીબ પરિવારમાં ઉછર્યા. પિતાજી નાનું-મોટું કામ કરતા, મોટો પરિવાર, ખર્ચ વધુ અને આવક નહીંવત્. મજબૂરીથી 12મા ધોરણ પછી સુનીલને અભ્યાસ છોડી દેવો પડ્યો. થોડા સમય માટે તેમણે દૂધની દુકાનમાં નોકરી કરી, પ્રાઈવેટ કંપનીઓમાં કામ કર્યુ, પિઝા ડિલિવરી બોયની જોબ કરી. જ્યારે સેલેરી અને પોઝિશન સારી થઈ તો નોકરીમાંથી રવાના કરી દેવાયા. એક જ ઝાટકે તેઓ બેરોજગાર થઈ ગયા.

તેના પછી સુનીલે નક્કી કર્યુ કે તેઓ હવે નોકરી ન કરીને ખુદનું કોઈ કામ કરશે. તેમણે દિલ્હીમાં એક ફૂડ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યુ પરંતુ તેને પણ બંધ કરી દેવામાં આવ્યો. તેના પછી પણ તેમણે હાર ન માની અને લોન લઈને કેકની દુકાન ખોલી. આજે દિલ્હી, નોઈડા, બેંગલુરુ સહિત દેશના 15 શહેરોમાં તેમનો કારોબાર છે. દર વર્ષે તેઓ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. 100થી વધુ લોકોને તેમણે નોકરી આપી છે.

10મા ધોરણ પછી કરવા લાગ્યા હતા નોકરી

સુનીલ કહે છે કે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. ધો. 10ની પરીક્ષા પાસ કર્યા પછી હું આગળ ભણવા માગતો હતો પણ પિતાજીએ મનાઈ કરી દીધી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે હવે મારે ખુદનો ખર્ચ કાઢવો પડશે, તેમના તરફથી પૈસા નહીં મળે. સુનીલ માટે આ સેટબેક હતો પણ તેમણે કોશિશ જારી રાખી અને ધો. 12માં પ્રવેશ મેળવ્યો. તેના પછી તેઓ દૂધની દુકાનમાં 200 રૂપિયા પ્રતિ માસના પગારે પાર્ટ ટાઈમ જોબ કરવા લાગ્યા. આ રીતે તેમના અભ્યાસ અને ખુદનો ખર્ચ નીકળવા માંડ્યો. ધો. 12ના અભ્યાસ પછી તેમણે જેમતેમ કરીને ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવ્યો પણ પૈસાના અભાવે તેમણે અધવચ્ચે જ અભ્યાસ છોડી દેવો પડ્યો.

બે વખત રિજેક્ટ થયા, પછી મળી પિઝા ડિલિવરી બોયની જોબ
અભ્યાસ છોડ્યા પછી સુનીલે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. થોડા વર્ષ કામ કર્યા પછી તેમણે પિઝા બનાવતી એક કંપનીમાં નોકરી માટે અરજી કરી પણ ઓછું ભણેલા હોવાથી અને અંગ્રેજી બોલી ન શકતા હોવાથી તેઓ બે વખત રિજેક્ટ થયા. ત્રીજા પ્રયાસમાં આખરે તેમને નોકરી મળી ગઈ.



અહીં તેમણે પિઝા ડિલિવરીનું કામ મળ્યું. સુનીલે ખૂબ મહેનત કરી. જે પણ ટાસ્ક મળ્યું તેને નિશ્ચિત સમયમાં પૂરું કરીને આપ્યું. તેનાથી તેમની સારા કર્મચારી તરીકે ગણના થવા લાગી. ધીમે ધીમે તેમને પ્રમોશન પણ મળતું થયું અને તેઓ મેનેજરની પોસ્ટ સુધી પહોંચ્યા. લગભગ 5 વર્ષ સુધી તેમણે અહીં કામ કર્યુ.



46 વર્ષના સુનીલે કહે છે કે મારા કામથી ખુશ થઈને મને મેનેજર બનાવી દેવાયો. હું પૂરા સમર્પણ સાથે કામ પણ કરી રહ્યો હતો. પોઝિશન અને સેલેરી બધુ બરાબર હતુ. આ દરમિયાન જ એક દિવસ મારી પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ અને મારે ઓફિસથી ઘરે જવું પડ્યું. બીજા દિવસે જ્યારે હું કામ પર ગયો તો એ વાત માટે બોસ નારાજ થયા અને મારી પાસેથી જબરદસ્તીથી રાજીનામું લઈ લીધું.

રસ્તા પર ફૂડ સ્ટોલ લગાવ્યો તો લોકોએ બંધ કરાવી દીધો
તેઓ કહે છે કે નોકરી ગુમાવ્યા પછી થોડા દિવસ હું અપસેટ રહ્યો. તેના પછી નક્કી કર્યુ કે હવે વધુ ફાંફા મારવા નથી. કોઈ કંપનીમાં કામ કરવાના બદલે ખુદનું જ કંઈક કામ શરૂ કરીશું. આ વિચાર સાથે 2003માં સુનીલે દિલ્હીમાં રસ્તા પર ફૂડ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યુ. પ્રથમ દિવસથી જ તેમનો સારો રિસ્પોન્સ મળવા લાગ્યો. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા. તેમને લાગ્યુ કે હવે બધુ ફરી ટ્રેક પર આવી રહ્યું છે.

પરંતુ, મુશ્કેલીઓ એટલી જલદીથી તેમનો સાથ છોડવાની નહોતી. આસપાસના દુકાનદારોએ એમસીડીને ફરિયાદ કરીને તેમની દુકાન બંધ કરાવી દીધી. સુનીલ એકવાર ફરી સડક પર આવી ગયા. આ વખતે પરેશાની વધારે હતી, કેમકે નોકરી પણ નહોતી અને બિઝનેસ પણ બંધ કરવો પડ્યો હતો.




તેના પછી સુનીલે નક્કી કર્યુ કે હવે તેઓ રસ્તા પર સ્ટોલ લગાવવાના બદલે ખુદની દુકાન જ ખોલશે, પરંતુ શાની દુકાન એ મોટો સવાલ હતો. તેમણે થોડા મહિના રિસર્ચ કર્યુ. આ લોકેશનના હિસાબે એનેલિસિસ કર્યુ કે કયો બિઝનેસ અહીં સારો ચાલી શકે છે. ત્યારે નોઈડામાં મોટી મોટી કંપનીઓ ખુલી રહી હતી. તેમને લાગ્યું કે જો કેકની શોપ ખોલવામાં આવે તો સારો એવો નફો કમાઈ શકાશે.

કેક વેચવાનો આઈડિયા સફળ રહ્યો
વર્ષ 2007-08માં તેમણે પોતાના દોસ્તો અને પરિચિતો પાસેથી ઋણ લઈને ફ્લાઈંગ કેક્સ નામની એક દુકાન ખોલી. લગભગ એક વર્ષ સુધી તેમણે કોઈ નફા વિના કામ કર્યુ. તેઓ મોટી મોટી કંપનીઓની ઓફિસ સામે પોતાની દુકાનના કાર્ડ વહેંચતા હતા જેથી કસ્ટમર્સને તેમના વિશે ખ્યાલ રહે.

એક દિવસ એક મહિલા પોતાના પુત્રના જન્મદિન માટે તેમની દુકાનમાં આવી. એ મહિલાને સુનીલની દુકાનની કેક ખૂબ પસંદ પડી. બીજા દિવસે એ મહિલાએ સુનીલને પોતાની ઓફિસે બોલાવ્યા અને પોતાના સમગ્ર સ્ટાફના બર્થડે સેલિબ્રેશન માટે તેમની સાથે ટાઈઅપ કરી લીધું. એ મહિલા એક મોટી કંપનીમાં સિનિયર પોસ્ટ પર હતી.



સુનીલ માટે આ ટર્નિંગ પોઈન્ટ હતો. તેમને તેનાથી પૈસા તો વધુ ન મળ્યા પણ બિઝનેસના હિસાબે તેમને ભરપૂર સપોર્ટ મળ્યો. માર્કેટમાં તેમની સારી એવી ઓળખ થવા લાગી. ધીમે ધીમે બીજી કંપનીઓ પાસેથી પણ તેમને ઓર્ડર મળવા લાગ્યા. આ રીતે તેમનો કારોબાર વધવા લાગ્યો. કસ્ટમર્સની ડિમાન્ડ અનુસાર તેઓ નવી નવી ફ્લેવર લોન્ચ કરવા લાગ્યા.

અત્યારે સુનીલ પાસે 30થી વધઉ ફ્લેવરની કેક છે. દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરુ, સમસ્તીપુર, કોલકાતા સહિત દેશના 15 શહેરોમાં તેમની દુકાન છે. જ્યાં 100થી વધઉ લોકો કામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા અને રિટેલરશિપ દ્વારા માર્કેટિંગ કરે છે. અનેક લોકોને તેમણે ફ્રેન્ચાઈઝી આપી રાખી છે. ટૂંક સમયમાં જ તેઓ દેશના અન્ય શેહોરમાં પણ પોતાનું આઉટલેટ શરૂ કરશે. કેકની સાથે, પિઝા, બર્ગર અને સેન્ડવિચ લોન્ચ કરવાનું પણ તેઓ પ્લાનિંગ કરી રહ્યા છે.



No comments:

Post a Comment