ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની ટીમ કરાઈ તૈનાત
posted on at
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- NDRFની ટીમો મોકલાઇ
- ટીમોને એલર્ટ રહેવા સૂચના
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ NDRFની ટીમો મોકલાઇ છે. નવસારી, વલસાડ, સુરતમા NDRFની 1-1 ટીમ રવાના કરી દેવાઈ છે. તો સવારે રાજકોટ, સોમનાથમાં NDRFની 1-1 ટીમ મોકલાશે. ગાંધીનગરના NDRF અધિકારી દ્વારા ટીમોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઇ ચૂક્યો છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીયે તો 40થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ વરસશે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. જે મુજબ આણંદ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડશે. તો ડાંગ, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાનો હવામાન વિભાગનો મત છે. જેના ભાગરૂપે આજે પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે.
તો આ તરફ ચોમાસાને લઇ દેશી રીતે આગાહી કરતા અંબાલાલ પટેલે વધુ એક માહિતી આપી છે. 29 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. હાલ રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે છૂટો-છવાયો વરસાદ થશે. ઉત્તર ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ થશે. કૃષિ માટે વરસાદ અનુકૂળ રહેશે તેવું પણ અંબાલાલે કહ્યું છે. જૂલાઇમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. 5 જૂલાઇ બાદ વરસાદને લીધે જીવ જંતુનો ત્રાસ વધશે.
13 જુલાઇ બાદ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ વર્ષે ચોમાસામાં એકંદરે સારો વરસાદ થશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ સુધી વરસાદ રહેશે. તો 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે. આ વર્ષે ઠંડીની શરૂઆત વહેલી થશે. ડિસેમ્બર માસથી ઠંડીની શરૂઆત થઈ જશે.
No comments:
Post a Comment