લોક જાગૃત્તિ વધારવા શહેરના પાંચ ઝોન વિસ્તારોમાં વિવિધ રોપાઓનું વિનામુલ્યે વિતરણ
સુરત: સુરત શહેરને હરિયાળુ બનાવવા અને પર્યાવરણ અંગે લોક જાગૃતિ વધારવા શહેરના પાંચ ઝોન વિસ્તારોમાં તુલસીના છોડ સાથે લીમડો, પીપળો, ગરમાળો, સરગવો, જાસુદ, પીરકેસીયો વગેરે રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઈસ્ટઝોનમાં નાનાવરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન, નોર્થ ઝોનમાં કાંસાનગર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી લેક ગાર્ડન, વેસ્ટ ઝોનમાં ઉગત સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન, સાઉથવેસ્ટ અઠવાલાઈન્સના જવાહરલાલ નહેરૂ ઉદ્યાન, સાઉથઝોનમાં ભેસ્તાન શેઠશ્રી નવીનચંદ્ર મફતલાલ ઉદ્યાન તેમજ સાઉથ ઈસ્ટ ડિંડોલીના છઠ સરોવર ખાતેથી રોપાઓ મેળવી શકશે. ખાનગી સ્થળોએ વૃક્ષારોપણને વેગ મળે તે માટે આગવો પ્રયાસ થઈ રહ્યો છે. આ માટે મહાનગરપાલિકાની વેબ એપ્લીકેશન અને મોબાઈલ એપ મારફતે ફોર્મ ભરીને છોડવાઓ મેળવવા નોંધણી કરાવવાની રહેશે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા આ વર્ષે સમગ્ર રાજ્યમાં ૫વિત્ર તુલસીના 21 લાખ રોપાઓનું વિતરણ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત શહેરમાં બે લાખ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરની અઠવાલાઈન્સ ચોપાટી ખાતેની નર્સરીમાંથી વિવિધ રોપાઓ મેળવવા માટે પર્યાવરણપ્રેમીઓ આવી રહ્યા છે.
મૂળ સુરતના નિવાસી 31 વર્ષીય ઈશિતાબેન પટેલ 6 વર્ષની પુત્રી તિથી અને 26 વર્ષીય સખી પૂનમબેન વળવી સાથે રોપાઓ લેવા આવ્યા હતા. લોકમાન્ય સાયન્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઈશિતાબેને જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. ઘરમાં તુલસીનો છોડ હોય તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે. મારી પુત્રીને પણ પ્લાન્ટ્સનો ખુબ જ શોખ છે. તુલસીના છોડ સાથે સ્નેક પ્લાન્ટ, વ્હાઈટ ચંપો, સિંગોનિયમ, મોસીસ, પર્પલ હાર્ટ વગેરેના છોડ તેઓએ ખરીદ્યા હતા.
નર્સરીના સુપરવાઈઝર હિરલબેન મહેતા અને તેમના આસિસ્ટન્ટ પિનલબેન પટેલ જણાવે છે કે, સુરતના રહેવાસીઓના નામ, સરનામા, અને ફોન નંબરની ફોર્મમાં નોંધણી કરવામાં આવે છે, ત્યારબાદ તેઓ વિનામૂલ્યે છોડ મેળવી શકે છે. વાવાઝોડા બાદ લીમડો તેમજ તુલસીના છોડની અન્ય છોડની સરખામણીમાં વધુ માંગ રહી છે. આ સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ મોટી સંખ્યામાં લોકો લઇ જાય છે તેમ તેઓ જણાવે છે.
No comments:
Post a Comment