Search This Website

Friday, June 4, 2021

આ દેશ પાસે શૂન્ય ટકા જંગલ વિસ્તાર છતાં સમૃધ્ધની છોળો ઉડે છે

 

આ દેશ પાસે શૂન્ય ટકા જંગલ વિસ્તાર છતાં સમૃધ્ધની છોળો ઉડે છે

રણ પ્રદેશ હોવા છતાં એક પણ નાગરિક ગરીબી રેખા નીચે જીવતો નથી

૮.૩ સ્કવેર મીટર વિસ્તારમાં જંગલ ઉભું કરવાના પ્રયાસો થયા છે


દુબઇ,૪ જૂન,૨૦૨૧,શુક્રવાર 

અરેબિયન ગલ્ફમાં આવેલા કતાર દેશ વિશ્વમાં ખનીજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકીનો સૌથી સમૃધ્ધ દેશ છે. તે ખનીજ તેલ અને કુદરતી ગેસ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે છે. કતારનો માથાદિઠ જીડીપી ૧૨૮૭૦૨ ડોલર છે. એક પણ નાગરીક ગરીબી રેખાની નીચે જીવતો નથી. આ દેશની કુલ વસ્તી ૨૬ લાખ જેટલી છે. ૧૧૫૮૧ વર્ગ કિમી ક્ષેત્રફળ ધરાવતા કતારમાં વિદેશથી આવીને મહેનત મજુરી કરતા લોકોની સંખ્યા વધારે છે. નવાઇની વાત તો એ છે કે રણપ્રદેશ ભૂમિ ધરાવતા કતાર દેશ પાસે જંગલ વિસ્તાર જ નથી. કતારની વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં આવેલો બહેરીન પણ જંગલ ધરાવતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ ૮.૩ સ્કવેર મીટર વિસ્તારમાં કતારે જંગલ ઉભું કરવાના પ્રયાસો શરુ કર્યા છે. કતાર ઉપરાંત વિશ્વમાં એક ટકો કરતા પણ ઓછો ફોરેસ્ટ એરિયા ધરાવતા દેશોમાં લિબિયા (૦૧૨ ટકા)બહેરીન (૦.૬૭ ટકા) અને માલ્ટા (૦.૯૫ ટકા) નો સમાવેશ થાય છે.


 કતાર કરતા બિલકૂલ  વિપરિત સ્થિતિ દક્ષિણ અમેરિકા ખંડના સુરિનામ દેશની છે. ૧૬૩૮૨૧ વર્ગ કિમી કુલ ક્ષેત્રફળ ધરાવતા  આ દેશની કુલ વસ્તી ૪.૭૨ લાખ છે. મશહુર ફૂટબોલ ખેલાડીઓ આપનારા આ દેશનો ૯૦ ટકા વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. આટલા નાના દેશને ૧૦ જિલ્લાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. તેની રાજધાની પારામારિબો છે જેનો અર્થ ફૂલોનું શહેર એવો થાય છે. લેટિન દેશોમાં સૌથી ઓછી વસ્તી છતાં ચોથા ભાગના લોકોની રોજીંદી આવક ૨ ડોલર કરતા પણ ઓછી છે. આ  દેશમાં વિવિધ પ્રકારના એથેનિક ગુ્રપ ધરાવતા લોકો વસવાટ કરે છે. ૪૮.૪ ટકા લોકો ખ્રિસ્તી,૨૨.૩ ટકા લોકો હિંદુ અને ૧૩ ટકા મુસ્લિમ ધર્મ પાળે છે. 


 સામાન્ય રીતે કોઇ પણ દેશ પાસે તેના કુલ વિસ્તારનો ૩૩ ટકા ભાગમાં જંગલો અને વૃક્ષો હોવા જરુરી છે, ભારત પાસે ૮૦૨૦૮૮ વર્ગ કિમી વિસ્તારમાં છે જેના કુલ વિસ્તારનો ૨૪.૬૮ ટકા ભાગ છે. છેલ્લા બે દાયકાથી ભારતમાં પણ વધતા જતા ભૌતિક વિકાસ અને જંગલો પર અતિક્રમણના પગલે જોખમ વધી રહયું છે. એક સમયે ભારત જંગલોથી આચ્છાદિત દેશ હતો. આજે જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે. જંગલોમાં રહીને જંગલો પર નભતા લોકોની આજીવિકા પર પણ વિપરીત અસર થઇ છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના ૩૩.૮૪ વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. યુએસએમાં કુલ ૩૧૦૦૯૫૦ કિમી વર્ગ જંગલ વિસ્તાર છે. યુએસ પછીનો ક્રમ ચીન અને ઓસ્ટ્રેલિયાનો છે. ચીન પાસે ૨૦૮૩૨૧૦ વર્ગ કિમી વિસ્તાર જંગલોવાળો છે પરંતુ તેના કુલ વિસ્તાર મુજબની સરેરાશ ૨૧.૮૩ ટકા જ છે. ચીનની પ્રચંડ માનવ વસ્તી અને ઔધોગિક વિકાસના પગલે જંગલ વિસ્તાર ઘટતો જાય છે. ઓસ્ટ્રેલિયા પાસે તેના કુલ વિસ્તારના ૧૬ ટકા વિસ્તાર પર જંગલો છે.

No comments:

Post a Comment