ધો.12 સાયન્સમાં ગણિત અને વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાશે પરંતુ..
ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધો.10ના કયા વિષયોના ગુણ ગણવા તે બાબત અસ્પષ્ટ
સામાન્ય પ્રવાહમાં ગણિત અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવાય તેવી શક્યતા
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ફોર્મ્યુલામાં ધોરણ-10ના પરિણામનું વેઈટેજ 50 ટકા રાખવામાં આવ્યું છે. જો કે, આ વેઈટેજ માટે સીબીએસસીની માફક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયા વિષયના ગુણને ગણવા તે બાબતે ચોખવટ કરી નહીં હોવાથી શિક્ષકો મૂંઝવણમાં મૂકાયા છે. જોકે, બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ-10ના ગણિત અને વિજ્ઞાનના ગુણ ધ્યાને લેવાનું આયોજન થયું છે. કોમર્સમાં 100 કરતા વધુ વિષયો હોવાથી તેની ફોર્મ્યુલા કઈ રીતે નક્કી કરવી તે અંગે મુંઝવણ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય પ્રવાહમાં હોય તેમના માટે ગણિત અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવા અને આર્ટસમાં ભાષા અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવા તે પ્રકારની ફોર્મ્યુલાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાના કારણે ધોરણ-10 અને 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય બાદ માત્ર નિયમિત વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપવાના નિર્ણય સામે રિપીટર વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. ધોરણ-10ના તમામ નિયમિત વિદ્યાર્થીઓ પાસ થઈ જશે અને રિપીટર વિદ્યાર્થીઓ માટે સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. ધોરણ-10માં 3.62 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ આ નિર્ણય બાદ કફોડી બની છે. ત્યારબાદ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેમાં પણ નિયમિત વિદ્યાર્થીઓ માટે જ આ ફોર્મ્યુલા રહેશે તેમ જણાવાયું હતું. જેના લીધે ધોરણ-12ના રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય બની છે.
ધો. -12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર અને ધો. -12 સાયન્સમાં 32 હજાર મળી કુલ 1.29 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી રિપીટર વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
બોર્ડ દ્વારા હાલમાં ધોરણ-12 સાયન્સના પરિણામ માટે ધોરણ-10ના ગણિત અને વિજ્ઞાન વિષયના ગુણ ધ્યાને લેવાનું આયોજન કરી રહી છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કોમર્સના વિષયો લેનારા વિદ્યાર્થીઓ માટે ગણિત અને સમાજવિદ્યા વિષયના ગુણ ધ્યાને લેવામાં આવી શકે છે. જ્યારે આર્ટસના વિષયો લેનારા વિદ્યાર્થીઓ માટે ભાષા અને સમાજવિદ્યાના ગુણ ધ્યાને લેવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય વિષયના ગુણ ગણવામાં આવે તેવી શક્યતા નહીવત જણાય છે. આમ, વિદ્યાર્થીઓને ધોરણ-10ના પરિણામના લીધે ધોરણ-12માં નુકશાન ન જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
No comments:
Post a Comment