Search This Website

Friday, June 18, 2021

ધો.12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે પણ કોઇ જાહેરાત કરાઇ નથી





ધો.12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે પણ કોઇ જાહેરાત કરાઇ નથી .






ધો.12ના 1.29 લાખ રિપીટર વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

ધો.10માં તો રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા લેવાશે તેવી બોર્ડે જાહેરાત કરી હતી

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં સામાન્ય પરિસ્થિતિ થયા બાદ ધો.10ના 3.62 લાખ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યાં વળી હવે ધો-12માં પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું શું તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ધોરણ-12માં 1.29 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાના કારણે ધોરણ-10 અને 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય બાદ માત્ર નિયમિત વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપવાના નિર્ણય સામે રિપીટર વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. ધોરણ-10ના તમામ નિયમિત વિદ્યાર્થીઓ પાસ થઈ જશે અને રિપીટર વિદ્યાર્થીઓ માટે સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. ધોરણ-10માં 3.62 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ આ નિર્ણય બાદ કફોડી બની છે. ત્યારબાદ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેમાં પણ નિયમિત વિદ્યાર્થીઓ માટે જ આ ફોર્મ્યુલા રહેશે તેમ જણાવાયું હતું. જેના લીધે ધોરણ-12ના રિપીટર વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય બની છે.

ધો. -12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર અને ધો. -12 સાયન્સમાં 32 હજાર મળી કુલ 1.29 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી રિપીટર વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

હાલમાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને તે તૈયાર થયા બાદ પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ જશે. જો કે, આ કાર્યવાહી શરૂ થાય ત્યાં સુધીમાં રિપીટર વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાય તેવી શક્યતા નહીવત છે. જો રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશમાં માત્ર ખાલી પડેલી બેઠકો પર જ તક મળશે. આમ, તેમને પ્રવેશમાં અન્યાય થવાની શક્યતાને જોતા તેને કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરૂધ્ધ ગણવામાં આવી રહી છે.





No comments:

Post a Comment