Tauktae એ વેર્યો વિનાશ : 19ના મોત, 60 હજાર વૃક્ષો-70 હજાર વીજપોલ ધરાશાયી; જુઓ કેવી થઈ ગઈ ગુજરાતની હાલત
posted on at
- તૌકતે વાવાઝોડાનો કહેર છ રાજ્યમાં 19 લોકોના મૃત્યુ
- ખેતીમાં ભારે નુકસાન
- ઉના, કોડીનાર, દીવમાં નુકસાન
વાવાઝોડાથી રાજ્યમાં 19 લોકોના મોત
બે દિવસ સુધી તૌકતે વાવાઝોડાએ આખા ગુજરાતને ઘમરોળ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે જ્યારે અમદાવાદ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અમુક લોકો લાપતા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
ચક્રવાતમાં ધમરોળાયું ગુજરાત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની ઝડપ તો ઘટી ગઈ હતી પરંતુ અમદાવાદમાં પણ વાવાઝોડું આફત બનીને આવ્યું. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
કેસર કેરીનો પાક થયો નાસ!
કેસર કેરીનું સૌથી મોટું સરનામું એટલે ગીર. ગીર વિસ્તારમાં પાકતી કેસર કેરીએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં નામના મેળવી છે. અહીંથી મોટા પાયે કેસર કેરી એક્સપોર્ટ થાય છે પરંતું તૌકતેએ અહીં એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે. એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મહૂવામાં મહાવિનાશ!
તૌકતે વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા.
અમદાવાદમાં તૌકતેનો તરખાટ
તૌકતેની અસર અમદાવાદમાં પણ જોવા મળી. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તૌકતે અમદાવાદ આવ્યું હતું. જો કે તેની ઝડપ ઓછી હતી પરંતુ શહેરમાં અનેક જગ્યાએ હોડિંગ્સ તુટી પડ્યા હતા. ક્યાંક પતરા ઉડ્યા હતા તો વૃક્ષો પણ ધરાશાયી થવાને કારણે રોડ બ્લોક થયો હતો.
No comments:
Post a Comment