સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ: CM રુપાણી
-May 17, 2021

દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું
એરફોર્સ-નેવી-આર્મીને જરૂર જણાયે મદદ માટે તૈયાર રહેવા કેન્દ્ર સરકારની સૂચના
વાવાઝોડાને પરિણામે વીજ પુરવઠાને અસર પડે તો સ્ત્વરે દુરસ્તી કામ માટે 661 જેટલી ટીમ તૈયાર
ગાંધીનગર: મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સ કરીને તંત્રવાહકોની સજ્જતાને આખરી ઓપ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ આ કરેલી સમીક્ષા અને સંભવિત વાવાઝોડાની વિપદાને પહોચી વળવાના રાજ્ય સરકારના પ્લાનીંગ ઇન એડવાન્સ-પ્લાનીંગ ઇન ડિટેઇલની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઇ વાવાઝોડું આજે સોમવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તીવ્રતા સાથે ગુજરાત પર લેન્ડ થવાની, ત્રાટકવાની સંભાવના છે.
રાજ્ય સરકારે આ વાવાઝોડામાં કોઇ જાનહાનિ ન થાય તેવા ‘‘ઝીરો કેઝયુઆલીટી’’ અભિગમ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે તેમ તેમણે જણાવ્યું હતું.
દરિયા કિનારે વસતા આવા લોકોનું ફરજીયાત સ્થળાંતર કરાવવાના આદેશો સંબંધિત જિલ્લાઓને આપ્યા છે. વિજય રૂપાણીએ દરિયા કિનારાના જિલ્લાઓના વિસ્તારમાં વસતા લોકોને ઘર બહાર ન નીકળવા તેમજ ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા કરાવવામાં આવતા સ્થળાંતરમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
ગુજરાત પર આવી રહેલી આ સંભવિત વાવાઝોડાની આફતના સામના માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની આ સંભવિત વાવાઝોડાની સ્થિતીની સતત ચિંતા કરીને માર્ગદર્શન આપવા સાથે મદદરૂપ થતા રહ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે એન.ડી.આર.એફ.ની 44 ટીમ ફાળવી આપી છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઇ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર દ્વારા જણાવી દેવાયું છે. દરિયામાં માછીમારી માટે ગયેલા બધા જ માછીમાર-સાગરખેડૂઓ સલામત રીતે પરત આવી ગયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બચાવ-રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી. રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24×7 ગાંધીનગરમાં કાર્યરત છે. એટલું જ નહિ જો આ વાવાઝોડાને પરિણામે વીજપુરવઠો ખોરવાય કે તેને અસર પડે તો તુરત જ દુરસ્તી કામ માટે વીજ કર્મીઓની 661 જેટલી ટીમ તૈયાર રાખવામાં આવેલી છે.
આ અંગેની વધુ વિગતો આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યભરની 1400 થી વધુ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે ડી.જી. સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે. 744 આરોગ્ય ટીમો તૈનાત છે સાથોસાથ 160 આઇ.સી.યુ ઓન વ્હીલ્સ અને 607 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ જરૂર જણાયે તુરત જ ઉપયોગમાં લઇ શકાય તે માટે ખડેપગે છે.
મુખ્યમંત્રીએ એવો સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો કે, વહીવટીતંત્ર અને જિલ્લા તંત્રોની સજાગતા, આગોતરા આયોજન અને કર્તવ્યનિષ્ઠાના સમન્વયથી ગુજરાત આ સંભવિત વાવાઝોડાનો મક્કમતાથી મુકાબલો માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય એ રીતે કરવા પ્રતિબદ્ધ છે.
No comments:
Post a Comment