ગામડાંના લોકોમાં ફેલાયેલા ડરને દૂર કરવા શું કરવું જોઇએ ? જાણો..
કોરોનાના નિયમોના ધજાગરા લોકોએ પ્રત્યક્ષ જોયા હોવાથી આ સંદેશ અર્થહીન બની ગયો
ગ્રામીણ વિસ્તારોમાં ડરેલા લોકોનો ડર ઓછો કરવા અંગે જાગ્રૃતિ ફેલાવવા રજૂઆત
જન વિકાસ તથા નવ સર્જન ટ્રસ્ટે ગુજરાતના મુખ્ય સચિવ તથા આરોગ્ય સચિવને પાઠવેલા પત્રમાં શું લખ્યું
ગાંધીનગર: કોરોનાના કારણે ચોતરફ અધાધૂંધી અને ડરનું વાતાવરણ છવાયેલું છે. ત્યારે ગ્રામીણ સ્તરે કોવિડ 19 અન્વયે હજારો સ્વૈચ્છિક કાર્યકરોને જોડીને ગુજરાતના ઘર ઘર સુધી આરોગ્ય શિક્ષણની પ્રવૃતિને વેગંવતી બનાવવા માટે જનવિકાસ, અને નવસર્જન ટ્રસ્ટ તરફથી ગુજરાતના મુખ્ય સચિવ તથા આરોગ્ય સચિવને પત્ર લખીને રજૂઆત કરી છે.
જનવિકાસના ગગન સેઠી સને નવસર્જન ટ્રસ્ટના માર્ટીન મેકવાને રાજયના મુખ્યસચિવ અને આરોગ્ય સચિવને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમારી પ્રવૃતિ ગ્રામીણ વિસ્તારમાં સવિશેષ ગરીબો સાથે રહીને કરવાની છે. જેથી અમારી જાણમાં આવ્યું છે કે, દેશમાં ચાલી રહેલી બિમારીના સતત સમચારોના કારણે ડરનું વાતાવરણ ફેલાયેલું છે. આવા સમયે જાગૃતિ ફેલાવવાની તીવ્ર જરૂરિયાત છે.
સૌથી મોટો ડર ઓક્સિજન ન મળવાનો છે. દરેક બિમાર વ્યક્તિને ઓક્સિજનની જરૂર નથી તે સમજાવવા ઉપરાંત ઓક્સિજનનું પ્રમાણ માપીને બતાવવું જરૂરી છે. જેથી તેમનામાં ડર ઓછો થાય. દરેક ગામમાં પલ્સ-ઓક્સીમીટરની વ્યવસ્થા કરવી જોઇએ. ઉપરાંત નાના ગામડાંઓમાં સામાન્ય કરતાં અચાનક વધુ મુત્યુ નોંધાવાના કારણે ભારે ડરનો માહોલ છે.
ડર પોતે બિમારીને વકરાવવામાં ફાળો આપે છે. માટે કોવિડ 19 અને પાયાની જાણકારી સરળ ભાષામાં ઘરે ઘરે પહોંચાડવી જરૂરી છે. માત્ર માસ્ક પહેરવું જોઇએ વારંવાર હાથ ધોવા જોઇએ અને સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવું જોઇએ તેટલી જાહેરાત પુરતી નથી. આ બધા નિયમોના ધજાગરા લોકોએ પ્રત્યક્ષ જોયા હોવાથી આ સંદેશ અર્થહીન બની જાય છે. અને ગ્રામીણ કક્ષાએ ઓછા રસીકરણ બદલ રસી લેવાના કારણે મુત્યુ થવાનો ડર પણ એક કારણ હોવાનું જણાવ્યું છે.
શું કરી શકાય ?
જનવિકાસ, નવસર્જન ટ્રસ્ટ, સામાજિક ન્યાય કેન્દ્ર તથા અન્ય સામાજિક સંસ્થાઓએ ગુજરાતના 1 હજાર ગામોમાં એક પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં સંસ્થાના સામાજિક કાર્યકરોએ ગામમાં એક કીટ પહોંચાડી હતી. જેમાં પલ્સ-ઓક્સીમીટર, નાસ લેવા માટેનું વરાળ યંત્ર, ડીજીટલ થર્મોમીટર, વિશ્વ આરોગ્ય સંસ્થા તથા ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતીના આધારે બિમારીની સરળ સમજૂતી આપતી સચિત્ર પુસ્તિકા, પેરાસીટામોલ, શ્વાસની કસરત કરવા માટેના ફુગ્ગાં, કાર્યકર માટે, ધઓઇને વાપરી શકાય તેવા હાથના મોજા, સેનિટાઇઝરની બોટલ વગેરે છે. આ સાધનો કઇ રીતે ઉપયોગમાં લઇ શકાય તેનો ચાર મીનીટનો વીડિયો પણ આપ્યો છે. આ એક કીટનો ખર્ચ 3 હજાર રૂપિયા છે. આ કીટ ગામમાં પહોંચતા જ બીજા ગામોમાંથી પણ કીટની માંગણીઓ આવી છે. લોકો તેમાં પોતાનું યોગદાન આપે તેવી આ પ્રવુત્તિ છે. આ શિક્ષણનું કાર્ય જોરશોરથી ઉપાડી લેવામાં આવે તો તેનાથી ડરને દૂર કરી શકાય છે તેમ સામાજિક સંસ્થાઓ તરફથી જણાવાયું છે.
No comments:
Post a Comment