Search This Website

Monday, May 10, 2021

પોઝિટિવ સ્ટોરી

 

એ.સી. તો દૂરની વાત છે, માની લો કે આજથી વીજ-કાપને લીધે આખેઆખા દેશમાં લોકોએ રાતે પંખા વિના સૂવું પડે તો! તો એક જવાબ એવો મળે કે તો અમે જનરેટરથી પંખા ચાલુ કરીએ. અચ્છા, પણ માની લો કે જનરેટર માટેનું બળતણ પણ દેશમાં ખૂટી ચૂક્યું હોય તો!


આ કલ્પના કરવી આપણા માટે મુશ્કેલ છે અને ખાસ તો અકળાવનારી છે, પરંતુ ક્યુબા નામના દેશે આ પ્રકારની મુશ્કેલી ખરેખર વેઠેલી. ક્યૂબા પર અચાનક એક આફ્ત આવી પડેલી અને પછીનો કપરો કાળ ફ્ક્ત થોડાં અઠવાડિયાં-મહિનાઓ સુધી નહીં, વર્ષો સુધી ચાલેલો. એટલે જ ૧૯૯૧થી ૨૦૦૦ સુધીના ક્યૂબાના એ કપરા સમયગાળાને આજે પણ સ્પેશિયલ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે.


આ આફતનું મુખ્ય કારણ રાજકીય હતું. વાત જાણે એમ હતી કે ડાબેરી ક્યૂબાને ડાબેરી સોવિયેત સંઘ સાથે જોરદાર દોસ્તી હતી. તે એ હદે કે ક્યૂબાની મુખ્ય પેદાશ એવી ખાંડને સોવિયેત સંઘ બજારભાવ કરતાં ઊંચા ભાવે ખરીદી લેતું અને બીજી તરફ ક્યૂબાને સોવિયેત સંઘ એટલા સસ્તા ભાવમાં એટલું બધું ઓઇલ પૂરું પાડતું કે પોતાની જરૂરિયાત સંતોષાઈ ગયા બાદનું વધારાના આયાતી સોવિયેત ઓઇલની ક્યૂબા અન્ય રાષ્ટ્રોમાં નિકાસ પણ કરતું.


ટૂંકમાં, ક્યૂબાનું અર્થતંત્ર મુખ્યત્વે સોવિયેત સંઘના ટેકે ટકેલું હતું, પણ ૧૯૯૧માં સોવિયેત સંઘ વિખરાઈ ગયો, સામ્યવાદનાં વળતાં પાણી થયાં. એમાં ક્યૂબાનું આવી બન્યું. રાતોરાત ક્યૂબાને ઓઇલ મળતું બંધ થઈ ગયું. પરિણામે ટ્રાન્સપોર્ટેશનનું માળખું પડી ભાંગ્યું. વીજ પુરવઠામાં મોટા પાયે કાપ મુકાયો. પાણીના વિતરણની વ્યવસ્થા પડી ભાંગી. ફેક્ટરીઓ બંધ પડી ગઈ. ઓઇલનું ચુસ્ત રેશનિંગ શરૂ થયું. દેશની કરન્સીનું એટલું બધું અવમૂલ્યન થયું કે નોટો જાણે કાગળિયાં બની રહી.


દૂરદૂરથી ખોરાક અને ચીજવસ્તુઓ મંગાવવા માટે જે બળતણ અને પૈસા જોઈએ એ ન હોવાને લીધે સ્થાનિક વપરાશની ચીજવસ્તુઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બને એ જોવાની ફ્રજ પડી. ટ્રેક્ટરો ચલાવવા માટે અને સિંચાઈ માટે જે વીજળી-ડીઝલ વગેરે જોઈએ તે ન હોવાથી ક્યૂબાએ ખેતીની પદ્ધતિ જ બદલી નાંખવી પડી. ટ્રેક્ટરોને બદલે ક્યૂબા બળદોના શરણે ગયું. લોકો ખેતીમાં દેશી ખાતર, ર્વિમકલ્ચર, ક્રોપ રોટેશન (જમીનનો કસ જળવાઈ રહે એ રીતે પાકમાં ફેરફરો કરવાની રીત) અપનાવતા થઈ ગયા. જંતુનાશક દવાઓનો વપરાશ તો ઓલમોસ્ટ બંધ જ થઈ ગયો. લોકોએ મળી-સંપીને શક્ય તેટલી જમીન પર ખેતી કરવાનું શરૂ કરી દીધું. માત્ર ગામડાંમાં જ નહીં, શહેરમાં પણ જ્યાં થોડીઘણી ફજલ જગ્યા પડી હોય એના પર લોકો શાકભાજી ઉગાડવા લાગ્યા.


જેમ ગામડાંમાં બળદોનો દબદબો વધ્યો તેમ શહેરોમાં ઘોડાનો વટ વધ્યો. શહેરોમાં ઘોડાગાડીઓ ફ્રતી થઈ ગઈ. બળતણથી ચાલતાં ખાનગી વાહનોને બદલે મુખ્યત્વે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ સહયાત્રા કરવાનું કલ્ચર વિકસ્યું. એક કારમાં ફ્ક્ત એક માણસ જઈ રહ્યો હોય તો એ જોઈને લોકો તેને ચિલ્લાતા કે એય, તને શરમ નથી આવતી!


ઓઇલ ઉપરાંત ફૂડ આઈટમ્સની ક્યૂબાની આયાતમાં પણ ૮૦ ટકાનો જબ્બર ઘટાડો થયો. સરવાળે ખાદ્યસામગ્રીનું પણ રેશનિંગ શરૂ થયું. લોકોએ ખોરાક ઘટાડવો પડયો અને શ્રમ વધારવો પડયો. વાહન વપરાશ ઘટવાથી પૈદલ પ્રવાસ અને સાયકલિંગનું પ્રમાણ વધ્યું. સરકારે ચીનમાંથી દસ લાખથી પણ વધુ સાઇકલોની આયાત કરીને લોકોને સાઇકલિંગનું પ્રોત્સાહન પૂરું પાડયું. આજે પણ તમે ક્યૂબાના કાર્ડેનાસ નામના નગરની મુલાકાત લો તો શહેરના પ્રવેશદ્વાર પાસે જ તમને સાઇકલનું તોતિંગ શિલ્પ જોવા મળે. અણધારી આફ્ત આવી પડી તેના પહેલાં ચાર જ વર્ષમાં દેશના પુખ્ત નાગરિકોના સરેરાશ વજનમાં લગભગ દસ કિલોનો ઘટાડો થયો. નેચરલી, ઓવરઇટિંગ ઘટે અને એક્સર્સાઈઝ વધે એટલે વજન ઘટે.


રાત્રી વીજ-કાપ (બ્લેકઆઉટ)ની ઘટનાઓ ક્યૂબાવાસીઓએ ખૂબ વેઠી. ક્યૂબામાં પણ ગરમી ખાસ્સી પડે. ઉનાળામાં રાતે પંખા વિના ઊંઘ ન આવે અને પંખા ચાલે નહીં. તો કરવું શું? નેચરલી, જ્યાં જ્યાં મકાનો પર સપાટ અગાસીઓ હતી ત્યાં લોકો ધાબે સૂવા લાગ્યા. ક્યૂબાની રાજધાની હવાનામાં દરિયાકાંઠે સાત કિલોમીટર લાંબી એક દીવાલ છે અને એ દીવાલ પાસે બેસીને ગપાટા હાંકવા એ આમ તો પહેલેથી જ હવાનાવાસીઓનો પ્રિય ટાઈમપાસ રહ્યો છે, પણ પેલા સ્પેશિયલ પીરિયડ દરમિયાન સાત કિલોમીટરના એ પટ્ટા પર લોકો સૂવા લાગ્યા. એકલદોકલ લોકો નહીં, આખેઆખા પરિવારો. સાથે દાદા-દાદી પણ હોય અને બાળકો પણ હોય. રાતે ઊંઘ આવે તે પહેલાં લોકો ગપાટા હાંકે, ડોમિનોની ગેમ રમે, છોકરાંવ ધમાલ કરે. સામેથી એયને મસ્ત દરિયા પરથી ઠંડી હવા આવતી હોય.


ટૂંકમાં, ક્યૂબાવાસીઓએ અચાનક આવી પડેલા અને પછી વર્ષો સુધી ચાલેલા એ કપરા કાળનો હળીમળીને મુકાબલો કર્યો. આફતને ઝીલવામાં તેમને સૌથી વધુ મદદ મળી સામૂહિકતાની. ક્યૂબાના સ્પેશિયલ પીરિયડ વિશે પછી જેટલા પણ અભ્યાસો થયા તેમાં એક વાત ખાસ નોંધાઈ કે આ પ્રજા આપસી સહકારના જોરે એક ટીમ તરીકે ટકી ગઈ.


નો ડાઉટ, સ્પેશિયલ પીરિયડ દરમિયાન એ લોકો હેરાન પણ બહુ જ થયા, પરંતુ સરવાળે તેઓ એ કપરા કાળમાંથી જેમતેમ છતાં હેમખેમ બહાર તો આવી શક્યા.

અત્યારે આખી દુનિયા જ્યારે કોરોનાના લીધે કપરા કાળનો અનુભવ કરી રહી છે ત્યારે અણધારી આફ્તના મુકાબલાનો આ ક્લાસિક કિસ્સો વર્ણવવાનું પ્રયોજન એટલું જ કે આપણને તેમાંથી પ્રેરણા મળે. આપણે એ સમજીએ કે જ્યાં સંપ છે, ટીમ-સ્પિરીટ છે ત્યાં જીત છે. આપણે એ સ્વીકારીએ કે આપણી હાલત ક્યૂબા જેટલી ખરાબ નથી. બાકી, હાલત અત્યારે છે તેનાથી પણ વધુ ખરાબ હોઈ શકે. ખેર, યે દિન ભી બીત જાયેંગે. અને ક્યૂબાવાળા જો ઝઝૂમી શકે તો આપણે શા માટે નહીં? આપણે શું મોળા છીએ? આપણે શું ઢીલા છીએ? ના, નથી જ.


મનુષ્ય ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે જ્યાં સુધી તે માનસિક રીતે હારત તો નથી ત્યાં સુધી તેને કોઈ હરાવી શકતું નથી


 થીંક પોઝીટીવ .....

No comments:

Post a Comment