માસ્કનું ફરજિયાત પાલન કરાવવા DGPનો આદેશ, 1 હજારનો દંડ ભરવો પડશે
By gkeduinfo.com
-April 03, 2021

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના રોજના 2500થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટિયાએ માસ્કનું ફરજિયાત પાલન કરાવવા માટે કડક સૂચના આપી છે. જો કોઇએ માસ્ક નહી પહેર્યુ હોય તો 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
ગુજરાતના DGP આશીષ ભાટિયાએ ફરજિયાત માસ્કના નિયમને લઇને પોલીસને કડક સૂચના આપી છે. તમામ જિલ્લાઓમાં માસ્કને લઇને કડક કાર્યવાહી કરવા માટે ગુજરાતના પોલીસ વડાએ સૂચના આપી છે. માસ્ક ન પહેરનાર સામે 1 હજાર રૂપિયા દંડની કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા ઝુંબેશ શરુ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 2815 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ અત્યાર સુધી કોરોનાના 3 લાખ 15 હજાર 563 પોઝિટિવ કેસ થઇ ગયા છે. જ્યારે 4552 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદીઓએ માસ્ક ના પહેરતા 26 કરોડનો દંડ ભર્યો
અમદાવાદીઓએ માત્ર માસ્ક ના પહેરવાનો 26 કરોડ રૂપિયાનો જંગી દંડ ભર્યો છે. ગૃહમાં મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે હેલ્મેટ તથા માસ્ક ન પહેરવાના કારણે થયેલા દંડની માહિતી માંગી હતી જેનો મુખ્યમંત્રી (ગૃહ) દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં હેલ્મેટ ના પહેરવાના કારણે 22 કરોડ 23 લાખ 46 હજાર 195 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે માસ્ક ન પહેરવાના કારણે 26 કરોડ 96 લાખ 48 હજાર 800 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હેલ્મેટ અને માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 49 કરોડ 19 લાખ 94 હજાર 995 રૂપિયાનો દંડ ભર્યો છે.
No comments:
Post a Comment