આજથી ઝાયડસમાં રેમડેસિવિરના ઈન્જેક્શન નહીં મળે, કંપનીએ કરી જાહેરાત
અમદાવાદ: એક તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેમના માટે સંજીવની ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શન માટે તેમના સ્વજનો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં તેમને ઈન્જેશન મળતા નથી. એવા સમયે ઝાયડસ હોસ્પિટલે ઈન્જેક્શન આપવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. R
ઝાયડસ કંપનીએ પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે, હાલ લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે અને તુરંત જ સ્ટોકમાં ઉમેરો કરવા જણાવ્યું છે. જેવો સ્ટોક ઉપલબ્ધ થશે, ફરી રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની નવી જાહેરાત કરવામાં આવશે. જો કે કંપનીની જાહેરાતથી અજાણ કોરોના સંક્રમિતના દર્દીઓ વહેલી સવારથી ઈન્જેક્શન લેવા માટે લાઈનો લગાવી હતી.
જણાવી દઈએ કે, ઝાયડસ હોસ્પિટલ ખાતે 5 થી 12 એપ્રિલ સુધી સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી જરૂરિયાત વાળા લોકોને રૂપિયા 899માં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આજ સુધી હજારો દર્દીઓને ઈન્જેક્શન મળી ચૂક્યા છે, પરંતુ હવે માંગ વધવાની સાથે સ્ટોક ખૂટવાની જાહેરાત કરવી પડી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા છે. કોરોના સ્થિતિનો તાગ મેળવવા રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રેમડેસિવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજકોટને પણ પૂરતો જથ્થો અપાયો હતો. પહેલા કોઈ પણ વ્યક્તિને આ ઇન્જેક્શન મળી જતું, પરંતુ હવે જ્યારે માંગ વધી છે ત્યારે કોઈ વ્યક્તિને નહી પણ હોસ્પિટલોને જ ‘રેમડેસીવિર’ ઇન્જેક્શન અપાશે. ડોકટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યા બાદ હોસ્પિટલના કર્મચારીને મોકલી તે પ્રિસ્ક્રિપ્શનના આધારે સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મેળવી શકશે.
No comments:
Post a Comment