હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવા કોણે કરી માંગ ? જાણો..

વડોદરા તથા અમદાવાદના શાળા સાથે સંકળાયેલા હોદ્દેદારોએ કરી રજૂઆત
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં બોર્ડની સભ્યોની ચૂંટણી મોકૂફ રાખવી હિતાવહ
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે શનિવારે રાજય ચુંટણી પંચ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મોકૂફ રાખવાનો હુક્મ કર્યો છે. ત્યારે આગામી 25મી એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ત્યાં સુધી કે બોર્ડની ચૂંટણી પણ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવા માટે અમદાવાદ અને વડોદરાની શાળાઓ સાથે સંકળાયેલા હોદ્દેદારોએ બોર્ડના સચિવ એવા ચુંટણી અધિકારી સમક્ષ માંગણી કરી છે.
વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી. પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર જોતાં હાલમાં તાત્કાલિક અસરથી બોર્ડ સદસ્યોની ચુંટણી મોકૂફ રાખવી હિતાવહ છે. જો ચુંટણીના કારણે મોટાભાગના શિક્ષકો, કર્મચારીઓ સંક્રમિત થશે તો બોર્ડની પરીક્ષા તથા મૂલ્યાંકન પર મોટી અસર થશે. જેથી વડોદરા શહેર શાળા સંચાલક મંડળ ચુંટણી મોકૂફ રાખવા આગ્રહભરી વિનંતી કરે છે.
જયારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના મહામંત્રીઓ હિતેશ પટેલ તથા અલ્કેશ પટેલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ તથા ચુંટણી અધિકારીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર રાજયમાં સર્વત્ર કોરોનાના કહેર રોજબરોજ અતિશય પ્રમાણમાં વધતો જાય છે. આગામી તા. 25મી એપ્રિલના રોજ બોર્ડની ચૂંટણી યોજાનારી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર રાજયના તમામ શહેરો – ગામડાંઓમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધવાથી કોરોનાના દર્દીઓની સંખ્યા ગતિપૂર્વક ખૂબ જ વધતી જાય છે. આવા કપરાં સંજોગોમાં વિશાળ જનસમુદાયના હિતને ધ્યાનમાં લઇ ચુંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખી છે ત્યારે આપણી આ ચૂંટણી પણ હાલ પુરતી મોકૂફ રાખવા વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં જ વિવિધ સંગઠનોની બનેલી ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ નારણભાઇ પટેલ, ઉપાધ્યક્ષ ભાસ્કર પટેલ સહિતના આગેવાનોએ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમા સમક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવા માંગણી કરી હતી. જો કે તે પછી પણ ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યાં સુધી કે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ઉમેદવારી પત્ર પાછાં ખેંચવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
No comments:
Post a Comment