Search This Website

Thursday, April 8, 2021

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થશે દાખલ




ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થશે દાખલ








ગાંધીનગર: રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઇકે જાડેજાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. તબીબી સલાહ અનુસાર તેઓને હાલમાં યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેમની તબિયત બિલકુલ સ્વસ્થ છે. આ પહેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સચિવાલયમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. નેતાઓની સાથે સાથે તેમનો સ્ટાફ પણ કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.

વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ પણ પોઝિટિવ

વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મનીષા વકીલે સોશિયલ મીડિયામાં કહ્યુ કે, છેલ્લા 3,4 દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા Covid-19 માટે RTPCR ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે. છેલ્લા 3 દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલ સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી…!

અનેક નેતાઓ થઇ ચુક્યા છે કોરોનાથી સંક્રમિત

રાજ્યમાં અનેક નેતાઓ કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જયેશ રાદડિયા, રાઘવજી પટેલ, સૌરભ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3575 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 22 લોકોના મોત થયા છે. અમદાવાદ-સુરત સહિતના ચાર મહાનગરોમાં સ્થિતિ ગંભીર બની ગઇ છે.અમદાવાદ શહેરમાં કોરોનાના એક જ દિવસમાં 804 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 395, વડોદરા શહેરમાં 351 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્યમાં પણ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધતો જાય છે. સુરત ગ્રામ્યમાં 198 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં 106 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

No comments:

Post a Comment