Search This Website

Monday, April 19, 2021

શિક્ષણ વિભાગના ત્રણ અધિકારીઓ મેડિકલ કારણોસર રજા પર ઉતર્યા





શિક્ષણ વિભાગના ત્રણ અધિકારીઓ મેડિકલ કારણોસર રજા પર ઉતર્યા

-April 19, 2021











કોરોનાના કપરા સમયમાં મેડિકલ રજાના કારણે તરેહ-તરેહની ચર્ચા

ગાંધીનગર: રાજ્યમા કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં એક પછી એક વિભાગના અધિકારીઓ કોરોનાના સંકજામાં આવતાં જાય છે. આજે રાજયના સહકાર વિભાગના સચિવ નલીન ઉપાધ્યાયનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. તે જ રીતે શિક્ષણ વિભાગના ત્રણ અધિકારીઓ પણ મેડિકલ કારણોસર રજા પર ઉતર્યા છે. જેથી તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠી હતી. તેમાંય ખાસ કરીને તેઓ કોરોનામાં સપડાયા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. જોકે, કોરોનાને લઈને તેઓ રજા પર ગયા હોવાની વિગતો સત્તાવાર રીતે સામે આવી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનેક અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ રજા પર ઉતરી ગયા છે. આ રજાના કારણમાં તબીબી કારણોસર રજા પર ગયા હોવાનું દર્શાવવામાં આવતા કોરોના હોવાની વાતને આડકતરું સમર્થન મળી રહ્યું છે. આ અધિકારીઓ તબીબી કારણોસર રજા પર ઉતરી ગયા હોવાથી તેમના સ્થાને અન્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.


રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં રોજના 10 હજાર કરતા વધુ કેસો સામે આવી રહ્યા છે. આમ, કોરોનાના કેસોમાં થયેલા વધારામાં સરકારી અધિકારીઓ પણ સંકજામાં આવતાં જાય છે. કોરોનાના પગલે અનેક અધિકારીઓ પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ જ રીતે રાજ્યના શિક્ષણ વિભાગના પણ કેટલાક અધિકારીઓ સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવી છે. જોકે, આ મુદ્દે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. અમુક અધિકારીઓ તબીબી કારણોસર રજા પર ઉતરી ગયા હોવાથી તેમના સ્થાને અન્ય અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.

તાજેતરમાં રાજ્યના માધ્યમિક શિક્ષણ નિયામકની કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન.ચાવડા તબીબી કારણોસર રજા પર ઉતરી જતાં તેમના સ્થાને અન્ય અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રફુલ્લ જલુ તબીબી કારણોસર સોમવારથી રજા પર ઉતરી ગયા છે. જેથી તેમનો હવાલો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.ભારતીને સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ જ રીતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નિયામક ટી.એસ.જોષી પણ સોમવારથી તબીબી કારણોસર રજા પર ઉતરી ગયા છે. તેમનો હવાલો પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોષીને સોંપવામાં આવ્યો છે. આ બંને અધિકારીઓને તાત્કાલિક અસરથી હવાલો સંભાળવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલ પણ સોમવારથી તબીબી કારણોસર રજા પર ઉતરી ગયા છે. તેઓ 30 એપ્રિલ સુધી રજા પર ગયા હોવાથી તેમના સ્થાને અમદાવાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.એન.પટેલને હવાલો સોંપવામાં આવ્યો છે. આમ, શિક્ષણ વિભાગના ત્રણ અધિકારીઓ એક જ દિવસે તબીબી કારણોસર રજા પર ઉતરી ગયા હોવાના પગલે કોરોના સંક્રમણની વાતો સામે આવી હતી. જોકે, તેમને કોરોના સંક્રમણ થયું હોવાની સત્તાવાર વિગતો સામે આવી નથી. આ ઉપરાંત વિભાગના અન્ય કેટલાક અધિકારીઓ સંક્રમિત થયા હોવાની વિગતો પણ સામે આવી છે.

No comments:

Post a Comment