લોકડાઉનની દહેશત: ખરીદી કરવા માટે મોલ અને શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ
By gkeduinfo
-April 06, 2021
રાજયમાં કોરોના વાયરસનું ભયાનક સ્વરુપ જોવા મળી રહ્યું છે. દરરોજના 2900થી વધારે કેસો સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે વધી રહેલા કેસને લઈ રાજયમાં કફર્યુ અથવા લોકડાઉન લાદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર મળતાની સાથે જ લોકોમાં પહેલા લોકડાઉનની જેમ ભય જોવા મળ્યો હતો અને મોલોમાં ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. પરતું આ ભીડ લોકો માટે જોખમી સાબીત થાય તેવું દેખાઈ રહ્યું છે. મોલમાં ઘણા લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કવિના જોવા મળ્યા હતા. જો કે, સીએમ રુપાણીએ સાંજે કોર કમિટિની બેઠકમાં લોકડાઉન અથવા કફર્યુ અંગેની જાહેરાત કરવાની વાત આજે પત્રકાર પરિષદમાં કહી છે.
લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભરબપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. લોકોમાં લોકડાઉનને લઈને ડર છે, જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે. શાક માર્કેટમાં પણ લોકો શાકની એકસાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યનાં મોટાં શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઊભા રહેલા નજરે ચઢી રહ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરનાં બજારમાં કરિયાણા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલ અને શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલમાં લોકો 30-40 મિનિટ સુધી બહાર લાઈનમાં ઊભા રહીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઊભા છે. લોકોમાં ગત વર્ષ જેવું લોકડાઉન આવવાની બીક છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવે એ બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની વધવાની શક્યતા છે.
જો કે, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સરકારને નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકારે જરૂરી નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ, સરકાર પણ લોકડાઉન અંગે વિચારણા કરી રહી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.
જયારે સીએમ રુપાણી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. કોરોના અંગે હાઈકોર્ટે આપેલા નિર્દેશો તેમજ વેપારી અને મેડિકલ એસોસિયેશને કરેલી માગણી અંગે ગંભીરતાથી ચર્ચાવિચારણા કરી ગુરુવાર રાતથી 3 દિવસનું આંશિક લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ છે.
No comments:
Post a Comment