મહારાષ્ટ્રમાં આજથી લૉકડાઉન અમલમાં, રાત્રે 8 વાગ્યાથી 1 મે સુધી આકરા પ્રતિબંધ

મુંબઈ: આકરા પ્રતિબંધ સાથે કરફ્યૂ લગાવવા છતાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસો પ્રતિદિન જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતા રાજ્યમાં 22 એપ્રિલ એટલે કે આજથી સખ્ત લૉકડાઉન (Maharashtra Lockdown) જેવા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. આજે રાત્રે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં આ પ્રતિબંધો અમલી રહેશે.
જો કે મહારાષ્ટ્ર સરકારે તેને પૂર્ણ લૉકડાઉનનું નામ નથી આપ્યું, પરંતુ તેના નિયમો ગત વર્ષે લાગૂ થયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જેવા જ સખ્ત છે. રાજ્ય સરકારે “બ્રેક ધ ચેઈન” ઝૂંબેશ માટે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. જે મુજબ જરૂરી અને ઈમરજન્સી સ્થિતિ સિવાય અન્ય તમામ ગતિવિધિઓ અને સેવાઓ પર રોક લગાવી દેવામાં આવી છે.
તમામ સરકારી કચેરીઓ (કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સત્તાધીશો)માં માત્ર 15 ટકા કર્મચારીઓની જ હાજરીને મંજૂરી આપવામાં આવી છે. આ નિયમમાં એવી ઑફિસોને છૂટ મળશે, જે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી છે.
લગ્ન સમારંભ 2 કલાકથી વધુ સમય નહી રાખી શકાય. આટલું જ નહીં લગ્નમાં 25થી વધુ લોકો પણ સામેલ નહીં થઈ શકે. જો કોઈ લગ્ન સમારંભમાં આવા નિયમોનો ભંગ થતો જોવા મળશે, તો 50 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે.
બસોને બાદ કરતાં તમામ પ્રાઈવેટ પેસેન્જર ટ્રાન્સપોર્ટ માત્ર ઈમરજન્સી કે જરૂરી સેવા અથવા તો વ્યાજબી કારણ હશે તો જ મંજૂરી આપવામાં આવશે. આ વાહનો એક જિલ્લાથી બીજા જિલ્લામાં પણ નહીં જઈ શકે. એક જિલ્લાથી બીજા જિલ્લા અથવા એક શહેરથી બીજા શહેરમાં માત્ર જરૂરી સેવાઓ અથવા મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં જ જઈ શકાશે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે.
ખાનગી બસોમાં કુલ સીટોના 50 ટકા યાત્રીઓ બેસાડવાની મંજૂરી છે, પરંતુ કોઈ ઉભા રહીને પ્રવાસ નહીં કરે. બસો કોઈ એક શહેરમાં વધુમાં વધુ બે સ્થળોએ રોકાશે. બસોથી ઉતર્યા બાદ પેસેન્જરના હાથમાં સ્ટેમ્પ મારવામાં આવશે અને તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.
No comments:
Post a Comment