ગુજરાતમાં બીજી લહેર બની બેકાબૂ, કોરોનાની ચેઈન તોડવા 14 દિવસનું લોકડાઉન એકમાત્ર વિકલ્પ’

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના પરિણામો રોજ નવા કેસો જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 6021 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આજ સમયગાળામાં વધુ 55 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બધી સ્થિતિને જોતા રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ રાજ્યમાં લોકડાઉનની જરૂરિયાત હોવાની રજૂઆત કરી છે.
આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ ચેપ્ટરના પ્રમુખ ડૉ પ્રફુલ કમાણીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર ઝડપથી સંક્રમણ ફેલાવી રહી છે. જેમાં બાળકો, યુવાનોથી લઈને વયસ્ક લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યાં છે. જેને પગલે ગંભીર દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળવામાં હાલાકી થઈ રહી છે.
કોરોનાની બીજી લહેરા સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેમાં દર્દીઓને લંગ્સમાં તકલીફ થવાથી વધારે નુક્સાન થાય છે. આ સિવાય ઑક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી શ્વાસ લેવામાં તકલીફ થતાં દર્દીઓ મોતને ભેટતા હોવાનું સામે આવ્યું છે.
ડૉ પ્રફુલ કમાણીનું કહેવું છે કે, કોરોના વાઈરસના સંક્રમણની ચેન તોડવા માટે ઓછામાં ઓછા 14 દિવસની જરૂર પડે છે. આથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઓછામાં ઓછા 14 દિવસનું લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે.
જણાવી દઈએ કે, રાજકોટમાં સોમવાર સવાર સુધીમાં 24 કલાકમાં 42 કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટ્યા છે. બીજી તરફ સરકારી કોવિડ ઓડિટ કમિટીના જણાવ્યા મુજબ, રવિવારે 45માંથી માત્ર 8 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
No comments:
Post a Comment