મહેસાણામાં આજથી 11 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, વહીવટી તંત્ર અને વેપારીઓનો નિર્ણય
મહેસાણા: ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને જોતા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અતંર્ગત મહેસાણામાં 22 એપ્રિલથી 2 મે સુધી એટલે કે 11 દિવસનું લૉકડાઉન રહેશે.
મહેસાણામાં કોરોનાના વધી રહેલા કેસોને જોતા નગરપાલિકાના હોદ્દેદારો અને વેપારી મહામંડળો વચ્ચે ટાઉનહૉલમાં બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના ભાગરૂપે 11 દિવસ માટેના લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજથી 2જી મે સુધી મહેસાણામાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવામાં આવશે. જે અંતર્ગત મહેસાણા શહેરની 25 હજાર જેટલી દુકાનો આજથી 11 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે, માત્ર મેડિકલ અને ઈમર્જન્સી સેવા જ ચાલુ રહેશે. જો કે શ્રમિકોની રોજગારી પર કોઈ અસર ના થાય તે માટે મહેસાણા GIDCમાં આવેલા ઉદ્યોગો બંધમાં સામેલ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આથી બજારોમાં અને દુકાનો પર એકઠી થતી ભીડને ઓછી કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં વધુ 460 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 46 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. હાલ મહેસાણામાં 3,688 એક્ટિવ કેસ છે.
No comments:
Post a Comment