Search This Website

Thursday, April 15, 2021

અમદાવાદ કોરોનાથી સૌથી વધુ સંક્રમિત શહેર! 108 દ્વારા 14 દિવસમાં 5,540 દર્દીઓ શિફ્ટ કરાયા





અમદાવાદ કોરોનાથી સૌથી વધુ સંક્રમિત શહેર! 108 દ્વારા 14 દિવસમાં 5,540 દર્દીઓ શિફ્ટ કરાયા








અમદાવાદ: જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેરે અમદાવાદને અજગરી ભરડામાં લીધુ છે. શહેરમાં પ્રતિદિન કોરોના સંક્રમિતોનો નવો આંકડો જૂના રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ શહેરમાં 2631 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં કોરોનાનો કહેર કેટલી હદ સુધી વધ્યો છે, તેનો અંદાજો ઈમરજન્સી સર્વિસ 108 દ્વારા હેન્ડલ કરવામાં આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા પરથી લગાવી શકાય છે.




છેલ્લા 7 દિવસોમાં 108 થકી પ્રતિદિન 450 થી 580 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આટલું જ નહીં, છેલ્લા 14 દિવસોમાં જ 5540 કોરોના સંક્રમિત દર્દીઓને શહેરની વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જે ચિંતાનો વિષય છે.

હાલ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ટેસ્ટિંગ અને વૅક્સિનેશન ડ્રાઈવ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોઝિટિવ આવતા દર્દીઓને બને ત્યાં સુધી હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ ગંભીર હોય તેવા દર્દીઓને જ 108 થકી વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.


108ના અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર ગુજરાતમાં 108ની 660 વાનો 24 કલાક માટે દોડાવવામાં આવી રહી છે. હાલ મોટાભાગની ઈમરજન્સી કોવિડ પેશન્ટને લગતી આવી રહી છે. અમદાવાદમાં પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ વેઈટિંગ પણ વધી ગયું છે.


જણાવી દઈએ કે, અમદાવાદમાં નવા કેસ ઉમેરાવાની સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 87,763 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધીમાં જીવલેણ વાઈરસ કુલ 2480 શહેરીજનોને ભરખી ચૂક્યો છે. જો કે રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 510 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 72,532 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થઈ ચૂક્યાં છે.

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહી છે. શહેરમાં ગુરૂવારે એક જ દિવસમાં વધુ 35 વિસ્તારોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. જ્યારે 20 વિસ્તારોમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતા તેમને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 430 પર પહોંચી ચૂકી છે


No comments:

Post a Comment