Search This Website

Thursday, April 15, 2021

ધો.10ની પરીક્ષામાં શું ફેરફાર કરવાનું સૂચન કર્યું ? જાણો..





ધો.10ની પરીક્ષામાં શું ફેરફાર કરવાનું સૂચન કર્યું ? જાણો..

-April 15, 2021











બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર તરીકે માતુસંસ્થા ફાળવવા રજૂઆત

બેઠક વ્યવસ્થા પોતાની શાળામાં પણ પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા કાઢવામાં આવે

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર: વિશ્વભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આ સ્થિતિ દેશમાં પણ પ્રવર્તી રહી છે. તેને ધ્યાનમાં લઇને જ ગઇકાલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સીબીએસસી દ્વારા લેવાતી ધો.10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, તો ધો.12ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. તે જ રીતે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ધો.10 અને 12ની પરીક્ષાની તારીખ સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે ધો.10ની પરીક્ષા પધ્ધતિમાં થોડાંક ફેરફાર કરીને પરીક્ષા યોજવા માટે ગુજરાતના મુખ્યમંત્રી સહિત સત્તાધીશોને સૂચનો કર્યા છે. જેમાં ધો.10ના રેગ્યુલર તથા રીપીટર્સને પરીક્ષા કેન્દ્ર તરીકે માતુસંસ્થા જ ફાળવી આપવા જણાવ્યું છે. જો કે પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે. ત્યારબાદ પેપર ચકાસણી શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે તેવું સૂચન કર્યું છે.


ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને 14મી એપ્રિલે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ ધો.10ની બોર્ડ પરીક્ષાનું વજૂદ નથી. સીબીએસસી, ન્યૂ દિલ્હી પરીક્ષા પણ મરજીયાત છે. કોરોનાની ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને જોતાં આગામી દિવસોમાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપી ઘટાડો થાય તેવું જણાતું નથી. આ રોગની તીવ્રતા અને બીજા તબક્કામાં નાના બાળકોને પણ અસર થઇ રહી છે. ત્યારે અમે સીબીએસસી બોર્ડની જેમ ધો.10ની બોર્ડની પરીક્ષા રદ કરવાની તરફેણમાં નથી. પરંતુ પરીક્ષા પધ્ધતિમાં થોડાંક ફેરફાર કરવાનું સૂચન છે.

વધુમાં તેમણે કરેલા સૂચનો અંગે જણાવ્યું છે કે, ગુજરાતના ભૂતપૂર્વ અને વર્તમાન શસકો, દરેક ક્ષેત્રે નવી કેડી કંડારવામાં પ્રથમ રહ્યાં છે, તો આ સૂચનો કાયદાની મર્યાદામાં રહીને સૂચવ્યાં છે. તો તેની અમલવારી કરવા વિનંતી છે.

રાજયમાં પ્રતિવર્ષ ઘટતી વિદ્યાર્થી સંખ્યા

રાજયમાં ધો.10 બોર્ડ પરીક્ષામાં પ્રતિવર્ષ પરીક્ષાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ભૂતકાળમાં બોર્ડ પરીક્ષાઓના પરિણામોને ધ્યાનમાં લઇએ તો એકંદરે 52 થી 55 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં હોય છે. સામાન્ય રીતે 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ત્યારે પાંચ કે સાડા પાંચ લાખ વિદ્યાર્થી પાસ થાય છે. સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. જેમાંથી 80 ટકા અભ્યાસ છોડી દે છે. 20 ટકા વિદ્યાર્થીઓ ધો.10ની બોર્ડ પરીક્ષામાં રીપીટર્સ તરીકે અથવા આઇટીઆઇમાં સર્ટીફીકેટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવીને પ્રોફેશનલ લાયકાત મેળવવા પ્રયત્નશીલ હોય છે. અને ધો.10માં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓમાંથી કેટલાંક ધો.10 પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમો અથવા ધો.11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવનારો મોટો વર્ગ છે. જયારે વિગ્યાન પ્રવાહમાં પ્રતિવર્ષ વિદ્યાર્થી સંખ્યા ઘટી રહી છે.
શુ કર્યા છે સૂચન ?
માર્ચ 2021ની બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા ધો.10ના રેગ્યુલર/ રીપીટર્સને પરીક્ષા કેન્દ્ર તરીકે માતુસંસ્થા ફાળવી આપવી જોઇએ.
બોર્ડ દ્વારા પરીક્ષા માટેના પ્રશ્નપત્રો, જે તે શાળાઓને પહોંચાડવામાં આવે.
શાળા પોતાની ઉત્તરવહીઓ ધો.10ની બોર્ડ લેખિત પરીક્ષા માટે ઉપયોગ કરી શકશે.
શાળાના વિષય શિક્ષકો, પોતાની શાળાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસણી કરીને ગુણપત્ર તૈયાર કરશે.
શાળાના આચાર્ય શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરીને, બોર્ડના પરીક્ષા વિભાગને નિયત નમૂનામાં તથા નિયત સમયમર્યદામાં મોકલી આપશે.
બોર્ડ વિદ્યાર્થીઓની માર્કશીટ છપાવીને શાળાને મોકલી આપે તથા પરિણામ જાહેર કરવાની તારીખ નિયત કરશે.
શાળાને પરીક્ષા સોંપવાથી શું થશે ફાયદો ?
ધો.10ની બોર્ડ પરીક્ષામાં 10 લાખ કે વધુ પરીક્ષાર્થીઓ માટેની વ્યવસ્થા, સંચાલનમાંથી બોર્ડને રાહત થશે. એટલું જ નહીં પરંતુ બોર્ડ પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ, કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લાશિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને અન્ય કચેરીઓના કર્મચારીઓનો ઉપયોગ નહીં કરવો પડે. આમ પણ હાલ તેઓ કોરોનાને કાબૂ કરવામાં વ્યસ્ત છે.
બોર્ડનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ, સ્કવોર્ડ ખર્ચ અને અન્ય ખર્ચાઓ જેની રકમ કરોડોમાં થાય છે. તે નહીં કરવો પડે. જેથી બોર્ડને બચત થશે.
પરીક્ષા, પરીક્ષણ, નિરીક્ષણ, પરિણામ આ તમામ કાર્યો શાળા કક્ષાએ થવાથી સુપરવીઝન, ઉત્તરવહી તપાસણી અને અન્ય ખર્ચાઓ પણ નહીં થાય.
ધો.10 અને ધો.12ના માર્ચ 2021ના પરીક્ષાર્થીઓની પરીક્ષા ફી પ્રત્યેક શાળા પાસેથી બોર્ડમાં જમા કરવામાં આવેલી છે. ગુણપત્રક બોર્ડનું રહેશે.
કેન્દ્રીય એસેસમેન્ટ સેન્ટરો પર ઉત્તરવહીઓ તપાસવા શિક્ષકોને એકત્ર કરવામાં આવે છે. અને ગયા વર્ષે ધો.10 અને ધો. 12ની ઉત્તરવહી તપાસણી કેન્દ્રો પરથી શિક્ષકોની પુષ્કળ ફરિયાદો કોરોનાના કારણે હતી. તેનું પુનરાવર્તન નહીં થાય. પાલા સેન્ટરોના ખર્ચની પણ બચત થશે અને કોરોના સંક્રમણ થશે નહીં.

No comments:

Post a Comment